બદાયૂની, ‘ફાની’ (જ. 13 સપ્ટેમ્બર 1879, બદાયૂન, ઉત્તરપ્રદેશ; અ. 1941, હૈદરાબાદ) : ઉર્દૂ સાહિત્યના મોટા ગજાના શાયર. જાતે પઠાણ. નામ શૌકતઅલીખાન. ‘ફાની’ તેમનું તખલ્લુસ છે. કાબુલથી તેમના બાપદાદા શાહઆલમના સમયમાં હિન્દુસ્તાન આવી વસ્યા હતા. ફાનીની નોંધ મુજબ તેમના ખાનદાનના બુઝુર્ગ અસાબતખાન દિલ્હી આવ્યા અને શાહી દરબારમાં બહુમાન પામ્યા. ફાનીના પરદાદા બદાયૂનના ગવર્નર નિમાયા.

ફાનીના પિતા શુજાઅતઅલીખાન બદાયૂનના રઈસ (જાગીરદાર) અને સબ-ઇન્સ્પેક્ટર હતા. 1894માં માધ્યમિક શિક્ષણ પૂરું કર્યું. 1901માં બરેલી કૉલેજમાંથી બી.એ. થયા. ખાસ જરૂર ન હોવા છતાં તેઓ એક હાઈસ્કૂલમાં શિક્ષક તરીકે જોડાયા. થોડોક સમય ગોંડામાં ડેપ્યુટી ઇન્સ્પેક્ટર તરીકે સેવા આપી, પરંતુ આ બધું જીવનના અખતરાના ભાગ રૂપે હતું. છેવટે અલીગઢ યુનિવર્સિટીમાંથી 1908માં એલએલ.બી.ની ઉપાધિ મેળવી. શરૂઆતમાં લખનૌ, આગ્રા, ઇટાવા, બરેલી અને બદાયૂનમાં વકીલાત કરી. આમ તો ફાનીમાં બાહોશ વકીલ બનવાનાં લક્ષણો હતાં જ, પરંતુ તેમના સ્વભાવને વકીલાત અનુકૂળ નહોતી. છેવટે તેઓ મહારાજા સર કિશનપ્રસાદના નિમંત્રણથી 1932માં હૈદરાબાદ ગયા.

ફાનીએ 11 વરસની નાની વયથી કવિતા લખવાનું શરૂ કર્યું હતું. ઉર્દૂના જાણીતા સમીક્ષક રશીદ અહમદ સિદ્દીકીએ વીસમી સદીના પાંચેક કવિઓને ‘રઇસુલ-મુતગઝ્ઝિલીન’(વરિષ્ઠ ગઝલકાર)નું બિરુદ આપ્યું હતું, તેમાં ફાનીની પણ ગણના કરવામાં આવી છે.

ફાનીએ સાચા અર્થમાં કવિતા કરી જાણી. તેઓ વિરહ અને નિરાશાના કવિ હતા. વળી તેમની કવિતામાં સૌંદર્ય અને શૃંગારના વિષયો પણ અભિવ્યક્ત થયા છે. સૌંદર્ય અને યુવાનીની અલ્પજીવિતા, શૃંગાર અને રૂપની ક્ષણભંગુરતા તેમની કવિતાનાં ધ્યાનાર્હ તત્ત્વો છે. માનવી કુદરતનો શિકાર બનતો રહ્યો છે. સાથે તેની નિરાધારતા પણ દયાજનક થતી રહી છે. ફાનીની કવિતામાં એનાં સચોટ નિદર્શનો મળે છે.

કુટુંબની મોટી જાગીર અને પોતાનો વકીલાતનો સારો વ્યવસાય હોવા છતાં તેમના જીવનમાં આર્થિક સંકડામણો ઊભી થતી રહી. મુકદ્દમા તેમને મળતા, પરંતુ કચેરીએ જવા નીકળતાં તો કાવ્યરસિકતા તેમના પગની બેડી બની રહેતી. લખનૌ, ઇટાવા, આગ્રામાં કચેરીઓને બદલે મુશાયરાઓમાં ફાનીનાં નામ અને યશ ગુંજવા લાગ્યાં.

ફાની સ્વભાવે લાગણીશીલ હતા. સંતુષ્ટ, અનાસક્ત અને સ્વમાની હતા. હૈદરાબાદમાં તેમણે રાજ્યના ખૂબ પ્રભાવશાળી રાજપુરુષો સર મહારાજા કિશનપ્રસાદ અને મોઅઝ્ઝમજાહ બહાદુરનું સાંનિધ્ય સાંપડ્યું, તેમ છતાં તેમની સમક્ષ પણ કંઈ રજૂઆત કરી શક્યા નહિ. 9 વરસ જેટલો લાંબો સમય હૈદરાબાદમાં વિતાવ્યો. ત્યાંની રાજનીતિ પણ ફાનીના ગળે ઊતરી શકી નહિ અને કવિતાનાં આનંદ અને મસ્તીમાં જ નિમગ્ન રહી ફાનીએ જગતની વિદાય લીધી.

ફાની સંવેદનશીલ કવિ હતા. મુખ્યત્વે તેમણે ગઝલો રચી છે. તે રચનાઓ નિરાશા, વિરહ અને શિકસ્તના ભાવોથી ભરપૂર છે. ફાનીએ મહાન કવિ ગાલિબના છંદ-પ્રાસમાં ખૂબ સારી ગઝલો લખી છે. ગાલિબ અને ઇકબાલ પછી જો કોઈ ગઝલકારનાં મુક્તકો લોકજીભે સૌથી વિશેષ રમતાં રહ્યાં હોય તો તે ફાનીના શેરનાં છે.

ફાનીના સંગ્રહો આ પ્રમાણે છે : ‘દીવાને ફાની’, ‘બાકિયાતે ફાની’, ‘ઇરફાનિયાતે ફાની’ અને ‘વજ્દાનિયાતે ફાની’. હવે તેમની સમગ્ર કવિતા ‘કુલ્લિયાતે ફાની’ના નામે પ્રસિદ્ધ થઈ ચૂકી છે. આ ઉપરાંત ફાનીએ ફારસી ભાષામાં પણ કેટલીક યાદગાર ગઝલો રચી છે, જે એમના કાવ્યસંગ્રહમાં સચવાઈ છે.

મોહિયુદ્દીન બૉમ્બેવાલા