બદામી ગેરુ : ઘઉંના પાકને નુકસાન કરનાર ત્રણ પ્રકારનો ગેરુનો રોગ. આ ગેરુ કાળો અથવા દાંડીનો ગેરુ, બદામી અથવા પાનનો ભૂરો (કથ્થાઈ) ગેરુ અને પીળો ગેરુ હોય છે.

ઉપરના ત્રણ ગેરુ પૈકી પીળો ગેરુ ગુજરાતમાં જોવા મળતો નથી, જ્યારે કાળો અને બદામી ગેરુ દર વર્ષે જોવા મળે છે. તે વધતાઓછા પ્રમાણમાં નુકસાન કરે છે.

આ બદામી ગેરુ સામાન્ય રીતે દાંડી ઉપર જોવા મળતો નથી. રોગની શરૂઆતમાં પાન ઉપર અનિયમિત, છૂટાં-છવાયાં, અતિ ઝીણાં ગોળ નારંગી રંગનાં (કથ્થાઈ રંગનાં) ઊપસી આવેલાં બીજાણુનાં ફળ ફોલ્લા સ્વરૂપે પાન ઉપર જોવા મળે છે. પાકવાની અવસ્થાએ તે ગાઢા કથ્થાઈ રંગનાં બીજાણુ-ફળમાં રૂપાંતર પામે છે. આ સૂક્ષ્મ બીજાણુઓ (ટિલિયોસ્પૉર) નાના કાળાશ પડતા અંડાકાર રેખામય હોય છે, જે બાહ્ય તત્ત્વોથી ઢંકાયેલા રહે છે.

આ રોગના નિયંત્રણ માટે સારામાં સારી પદ્ધતિ તો રોગપ્રતિકારક જાતો, જેવી કે લોક–1, રાજ–1555,  ડબ્લ્યૂ–એચ–283 અને 291નું વાવેતર કરવું તે છે. તેમ છતાં પણ વ્યાધિજનની નવી દેહધાર્મિક જાતો ઉત્પન્ન થવાને કારણે રોગપ્રતિકારક જાતો પણ થોડાં વર્ષોમાં રોગગ્રાહ્ય બની જાય છે. તેથી જૂની જાતોની જગ્યાએ ભલામણ કરેલી નવી જાતોનો ઉપયોગ કરતા રહેવું ઇચ્છવાયોગ્ય ગણાય છે. વળી ઝાયનેબ કે મેન્કોઝેબ જેવી ફૂગનાશક દવાઓનો 10 લીટર પાણીમાં 25 ગ્રામ દ્રાવણ બનાવી છંટકાવ કરવાથી આ રોગ નિયંત્રિત થાય છે.

હિંમતસિંહ લાલસિંહ ચૌહાણ