બંદ્યોપાધ્યાય, અતીન [જ. 1 માર્ચ 1934, રૈનાદી, હિઝાદી, જિ. ઢાકા (હવે બાંગ્લાદેશમાં)] : બંગાળી નવલકથાકાર, વાર્તાકાર. તેમને તેમના વાર્તાસંગ્રહ ‘પંચાશટિ ગલ્પ’ બદલ 2001ના વર્ષનો કેન્દ્રીય સાહિત્ય અકાદમી પુરસ્કાર આપવામાં આવ્યો. દેશના વિભાજન બાદ તેમનો પરિવાર 1948માં પશ્ચિમ બંગાળમાં આવી ગયો. તેમણે એક ટ્રક-ક્લીનર તરીકે કારકિર્દી શરૂ કરી. પછી વણકર, જહાજના કર્મચારી, અધ્યાપક, એક પૅકેજિંગ કંપનીમાં વ્યવસ્થાપક અને અખબારના ઉપસંપાદક તરીકે કામગીરી કરી.
1971થી સ્વતંત્ર લેખનકાર્ય શરૂ કર્યું. માછીમારી અને વાચન તેમનો મુખ્ય શોખ છે. તેમણે 67 ગ્રંથો આપ્યા છે. તેમની પ્રથમ નવલકથા ‘સમુદ્ર માનુષ’ છે. જહાજના કર્મચારી તરીકે તેમણે સમગ્ર વિશ્વનો પ્રવાસ કર્યો છે. ‘નીલકંઠ પાખીર ખોજે’ (1971, બે ભાગમાં) તેમની પ્રશિષ્ટ નવલકથા છે અને નૅશનલ બુક ટ્રસ્ટે 12 ભારતીય ભાષાઓમાં તેનો અનુવાદ કરાવ્યો છે. અન્ય નવલકથાઓમાં ‘અલૌકિક જલાજન’ (1975, બે ભાગ), ‘માનુષેર ઘરબારી’ (1978), ‘ઈશ્વરેર બાગાન’ (1982), ‘વિદેશિની’ (1972), ‘નગ્ન ઈશ્વર’ (1984), ‘અરણ્ય’ (1993) વગેરેનો સમાવેશ થાય છે. ‘ગલ્પ સમગ્ર’ (4 ગ્રંથ 1985, 1988), ‘એકાતી જલેર રેખા’ તેમના વાર્તાસંગ્રહો છે. તેમણે બાળકો માટે ઘણી નવલિકાઓ આપી છે. તેમને મતિલાલ પુરસ્કાર, વિભૂતિભૂષણ ઍવૉર્ડ, માણિક સ્મૃતિ પુરસ્કાર, ભુઆલકા પુરસ્કાર, બંકિમ પુરસ્કાર, તારાશંકર સ્મૃતિ પુરસ્કાર, સુધા પુરસ્કાર તથા કોલકાતા વિશ્વવિદ્યાલયનો નારાયણ ગંગોપાધ્યાય પુરસ્કાર જેવા અનેક પુરસ્કાર આપવામાં આવ્યા છે.
તેમની પુરસ્કૃત કૃતિ ‘પંચાશટિ ગલ્પ’ 50 વાર્તાઓનો સંગ્રહ છે. તેમાં માનવજીવન અને તેના સંઘર્ષોની ગહનતા અને નિપુણતાપૂર્વક ગૂંથણી કરવામાં આવી છે. તેમાં વિવિધ પરિસ્થિતિઓમાં માનવીની ભાવનાઓ ઊભરે છે અને માનવ મનની સૂઝની બાબતમાં ઊંડી અંતર્દ્રષ્ટિ અભિવ્યક્ત થતી હોવાથી આ કૃતિ બંગાળીમાં લખાયેલ ભારતીય કથાસાહિત્યમાં મહત્વનો ઉમેરો કરે છે.
બળદેવભાઈ કનીજિયા