બંદ્યોપાધ્યાય, ઇન્દ્રનાથ

January, 2000

બંદ્યોપાધ્યાય, ઇન્દ્રનાથ (જ. 1849, પાંડુગ્રામ, જિ. બરદ્વાન; અ. 23 માર્ચ 1911) : બંગાળી હાસ્યલેખક અને પત્રકાર. ગંગાટિકુરી ગામમાં પ્રાથમિક શિક્ષણ, પૂર્ણિયા, કૃશનગર, બીરભૂમ વગેરે સ્થળે માધ્યમિક શિક્ષણ મેળવી શાળાંત પરીક્ષામાં ઉત્તીર્ણ થયા. કલકત્તાની કથીડ્રલ કૉલેજમાં બી.એ. થયા પછી શિક્ષક તરીકે થોડો વખત અધ્યાપનકાર્ય કર્યું અને બી.એલ.ની પરીક્ષા પસાર કરી. ત્યારબાદ સ્વતંત્રપણે વકીલાત શરૂ કરી અને સમય જતાં નામાંકિત વકીલ બન્યા. બરદ્વાનમાં ‘પંચાનંદ’ નામની બંગાળી પત્રિકા શરૂ કરી જેમાં ‘પંચાનંદ’ તખલ્લુસથી લેખનકાર્ય કર્યું. ‘સાધારણી’ અને ‘બંગવાણી’ સામયિકોમાં પણ લેખનકાર્ય કર્યું.

ઈશ્વરચંદ્ર વિદ્યાસાગરના સહવાસમાં આવ્યા બાદ બંકિમચંદ્ર ચૅટરજી, હેમચંદ્ર બંદ્યોપાધ્યાય, રંગલાલ બંદ્યોપાધ્યાય વગેરે વિદ્વાનોનાં સાહિત્ય-મંડળમાં જોડાયા. તેમણે તેમનાં લખાણો દ્વારા અતિ વિનોદી અને કટાક્ષપ્રિય લેખક તરીકે માનભર્યું સ્વતંત્ર સ્થાન સિદ્ધ કર્યું. તેમણે તેમની વિનોદી શૈલીમાં દેશમાં ચાલતી ઘાતક પ્રવૃત્તિઓ પર માર્મિક પ્રહારો કર્યા હતા.

તેમનો પ્રથમ કાવ્યસંગ્રહ ‘ઉત્કૃષ્ટ કાવ્યમ્’ નામે 1870માં પ્રગટ થયો; પરંતુ ‘ભારત-ઉદ્ધાર’ (1878) નામની હાસ્યકૃતિ દ્વારા તેમને વિશેષ પ્રસિદ્ધિ પ્રાપ્ત થઈ. ‘કલ્પતરુ’ (1874) તેમની બંગાળી સાહિત્યમાં પહેલી વિનોદસભર નવલકથા છે. તેમાં રહસ્યચાતુર્ય કે વૈચિત્ર્યપૂર્ણ માનવસ્વભાવનું આબેહૂબ ચિત્રાંકન કર્યું છે. તેમણે ‘હાતે હાતે ફલ’ નામનું પ્રહસન (1882) અક્ષયચંદ્ર સરકારના સહયોગમાં પ્રગટ કર્યું હતું. આ ઉપરાંત ‘પાંચુ ઠાકૂર’ (1884) તથા ‘ખાજાનાર આઇન’ (1886) અને ‘ક્ષુદિરામ’ (1888) તેમની પ્રસિદ્ધ કૃતિઓ છે.

બળદેવભાઈ કનીજિયા