બંદૂકનો દારૂ

January, 2000

બંદૂકનો દારૂ (gun powder) : બંદૂકો અને તોપો ફોડવા માટે સૌપ્રથમ ઉપયોગમાં લેવાયેલ સ્ફોટક પદાર્થ. તે ‘શ્યામચૂર્ણ’ (black powder) તરીકે ઓળખાતો. આલ્ફ્રેડ નોબેલે 1863માં પ્રવાહી નાઇટ્રોગ્લિસરીનનો ખડકો ફોડવા માટે ઉપયોગ કર્યો ત્યાં સુધી આ એક જ વિસ્ફોટક હતો. તે ઘણુંખરું 75 % સૉલ્ટ પીટર (પોટૅશિયમ નાઇટ્રેટ), 15 % કોલસો (charcoal) અને 10 % ગંધકના મિશ્રણરૂપ હતો. આ પ્રમાણમાં ઓછાવત્તા અંશે ફેરફાર થતા રહ્યા છે. જોકે હવે તોપખાનામાં તથા અન્યત્ર વિસ્ફોટન માટે ઉપયોગમાં લેવાતા કોઈ પણ વિસ્ફોટક-મિશ્રણ માટે ગન-પાઉડર શબ્દનો ઉપયોગ થાય છે.

હળવો વિસ્ફોટક એવો બંદૂકનો દારૂ મૂળ ચીનમાં શોધાયો હોવાનું મનાય છે. 1,000 વર્ષ અગાઉ ત્યાં ગ્રનેડ (હાથબૉમ્બ) અને બૉમ્બ વપરાતાં હોવાની સાબિતી મળી છે. ત્યાંથી આ જ્ઞાન આરબોને અને તેમની પાસેથી ઈ.સ. 1200ની આસપાસ પાશ્ર્ચાત્ય દેશોમાં પહોંચ્યું. 1304 સુધીમાં આરબોએ પ્રથમ બંદૂક બનાવી હતી. તેમાં લોખંડ વડે મજબૂત બનાવેલી વાંસની નળીમાં શ્યામચૂર્ણ ઠાંસીને ભરી તેની મદદથી તીર છોડવામાં આવતું હતું. રૉજર બેકને 1242માં આવો દારૂ બનાવવાની રીત વર્ણવી છે. ચૌદમા સૈકાના પૂર્વાર્ધમાં જર્મનીમાં બર્થોલ્ડ શ્વાર્ઝે નોદક તરીકે શ્યામચૂર્ણ વાપરતી બંદૂકો અને તોપો બનાવી અને એ રીતે યુરોપમાં તેનો વપરાશ શરૂ થયો. આ આયુધોએ યુરોપમાં સામંતશાહી પ્રણાલી વિકસાવવામાં ફાળો આપ્યો હતો.

ગનપાઉડર બનાવવાની રીત સરળ છે; પરંતુ તેને તણખાથી ખૂબ સુરક્ષિત રાખવો પડે છે. અગાઉ લાકડાના ખાંડણિયામાં ખાંડી તે બનાવવામાં આવતો હતો, પરિણામે આકસ્મિક ધડાકાઓ થતા હતા. હવે દરેક ઘટકને પરિભ્રમિત નળાકારમાં સ્ટીલના ગોળા વડે ખાંડી ઝીણો ભૂકો કરવામાં આવે છે. તે પછી ત્રણેય ઘટકોને મિશ્ર કરી, પાણી વડે ભીંજવી તેને દાબીને કેક તરીકે ઓળખાતો ગઠ્ઠો બનાવવામાં આવે છે. આ કેકને ભાંગીને તેનો ભૂકો કરી ચાળણી દ્વારા જુદા જુદા માપના દાણામાં ફેરવવામાં આવે છે. તેમાં ગ્રૅફાઇટ ઉમેરવાથી પાઉડર ઉપર તેનું પડ ચડે છે, જે ભેજ તથા અલ્પ-ઘર્ષણ સામે તેને રક્ષણ આપે છે. ગરમી પ્રત્યે આ પાઉડર સંવેદનશીલ હોઈ તે ઝડપથી પ્રજ્વલિત થાય છે. તેને સળગાવતાં તે ઝડપથી સળગીને મોટા કદમાં સફેદ વાયુ ઉત્પન્ન કરે છે. બંધિયાર (confined) જગામાં આ વાયુ ભારે દબાણ ઉત્પન્ન કરતો હોવાથી તેનો ઉપયોગ વિસ્ફોટન (blasting) માટે તથા અસ્ત્ર ફેંકવા માટે થઈ શકે છે.

બંદૂકની નળીને કાટ ઓછો લાગે તે માટે ગંધકવિહીન દારૂ પણ બનાવાય છે. તેમાં 70 % પોટૅશિયમ નાઇટ્રેટ અને 30 % કોલસો હોય છે. ફોડવાથી ધુમાડો ઉત્પન્ન ન થાય તે માટે ધૂમ્રવિહીન દારૂ પણ બનાવવામાં આવે છે. આવા પાઉડરમાં મુખ્ય ઘટક નાઇટ્રો-સેલ્યુલોઝ હોય છે. કલિલિત (colloided) પાઉડર બનાવવા નાઇટ્રો-સેલ્યુલોઝને નાઇટ્રોગ્લિસરીનમાં ઓગાળવામાં આવે છે. પ્રાથમિક સ્ફોટક દ્રવ્ય તરીકે હવે ગનપાઉડરને બદલે ડાયનેમાઇટ તથા ટી.એન.ટી. (ટ્રાઈનાઇટ્રોટૉલ્યુઇન) જેવા પદાર્થો વપરાય છે.

હજુ પણ હાથબૉમ્બના પલીતા (fuse) બનાવવામાં, ફટાકડામાં નોદકો માટે પ્રજ્વાલક તથા પ્રાંરભક તરીકે, આતશબાજીમાં અને ખાણોના પથ્થરો ફોડવા માટે બંદૂકના દારૂનો ઉપયોગ થાય છે.

જ. પો. ત્રિવેદી