ફોટોમાઇક્રૉગ્રાફી : સૂક્ષ્મ ફોટોગ્રાફી. સાચો શબ્દ ‘ફોટોમાઇક્રૉગ્રાફી’ છે. પરંતુ ઘણા લોકો, ખાસ કરીને બ્રિટન અને અમેરિકાની બહાર વસતા લોકો, ‘માઇક્રૉફોટોગ્રાફી’ શબ્દ પણ વાપરે છે. ફોટોમાઇક્રૉગ્રાફી એક પ્રકારની ક્લોઝઅપ ફોટોગ્રાફી જ છે. પણ જે ર્દશ્ય સામાન્ય લોકો નરી આંખે જોઈ શકતા નથી તે કૅમેરાની અંદર બેસાડેલ સૂક્ષ્મદર્શક એટલે કે માઇક્રૉસ્કૉપિક લેન્સથી – ફોટોમાઇક્રૉગ્રાફીથી જોઈ શકાય છે. ફોટોમાઇક્રૉગ્રાફી એટલે માનવકદથી શરૂ કરીને 10 X માનવકદ સુધીની ક્લોઝ-અપ ફોટોગ્રાફી,
ઘણાખરા સામાન્ય લેન્સ એક મીટર જેટલા નજીકથી છબી ખેંચવા સક્ષમ હોય છે સામાન્ય ઉપયોગના સંદર્ભમાં તે પૂરતું છે. એક્સ્ટેન્શન-ટ્યૂબ અથવા ધમણની મદદથી ખેંચેલ છબીકળાથી જુદી કળાને સૂચવવા માટે ‘ક્લોઝઅપ ફોટોગ્રાફી’ શબ્દ વપરાય છે; કારણ કે આ બંને સાધનો આ પ્રકારની કામગીરીમાં શક્ય એટલી વધારે તક પૂરી પાડે છે; પણ તેના વિકલ્પ છે : કૅમેરાના સામાન્ય લેન્સની જગ્યાએ લાગી શકે એવા ફિલ્ટર અને મૅક્રો લેન્સ કે નજીકથી ફોકસ કરી શકે એવા વધારાના લૅન્સનો તેમાં સમાવેશ થાય છે. એ સામાન્ય લૅન્સમાં એથી થોડો વધારે ફોકસિંગ માઉન્ટ (આરોપણ) હોય છે. પણ ઉત્પાદકો તેને ઘણીવાર ‘મૅક્રો’ કહે છે, પણ હકીકતમાં એ ખરા મૅક્રો લૅન્સ નથી હોતા. મૅક્રો લૅન્સ એટલે એવા લૅન્સ કે જેનાથી સામાન્ય કૅમેરાના લેન્સ કરતાં વધુ નજીકથી ફોકસ કરવાની સુવિધા મળે છે, અને એ અંતર 8 ઇંચ જેટલું સામાન્ય રીતે હોય છે. વળી અન્ય સાધનો વગર પણ તે લેન્સ દ્વારા સીધેસીધી માનવકદની છબી મેળવી શકાય છે. જે લેન્સ બીજાની સરખામણીમાં વધુ નજીકથી ફોકસ કરી શકતા હોય પણ જેમાં વસ્તુ અને છબીના કદ સમાન હોય તેવા 1:1નું પ્રમાણ જેમાં ન જળવાય એ બધા મૅક્રો લૅન્સ નથી હોતા.
કૅમેરાના માળખા અને તેના લેન્સની વચ્ચે લગાવેલ ધમણ અને એક્સ્ટેન્શન-ટ્યૂબથી છબીકાર કૅમેરાના સામાન્ય લૅન્સ વડે ક્લોઝઅપ છબીઓ મેળવી શકે છે અને જો જરૂરી જણાય તો તેને ઘણી મોટી કરી શકે છે. એક્સ્ટેન્શન ટ્યૂબને એકલી અથવા સંયુક્ત રૂપે વાપરીને નિયત અંતરેથી છબી ખેંચી શકાય છે; જ્યારે ધમણને ધાર્યા પ્રમાણે ગોઠવી શકાય એવો ફાયદો હોય છે. સૈદ્ધાંતિક ર્દષ્ટિએ આ બંને વચ્ચે આ એકમાત્ર ફરક હોય છે. છેવટે ધમણ અથવા એક્સ્ટેન્શન-ટ્યૂબ સાથે મૅક્રો લૅન્સ લગાવીને છબીની ગુણવત્તા બગાડ્યા પહેલાં એક્સ્ટેન્શન-ટ્યૂબ વધારે લંબાવીને યોગ્ય પરિણામ મેળવી શકાય છે. કૅમેરા પર આવા માઇક્રૉસ્કૉપિક લેન્સ લગાવીને અતિ સૂક્ષ્મ પદાર્થની છબી મેળવી શકાય છે. આ બધાં સાધનો લગાવી શકાય એ માટેનો સિંગલ લેન્સ રિફ્લેક્સ કૅમેરા સૌથી યોગ્ય કૅમેરા છે, કારણ કે આથી વસ્તુ-સ્થલનો ભેદાભાસ ટાળી શકાય છે. નજીકના અંતરથી સ્થળનું ઊંડાણ (depth of field) અત્યંત ઓછું હોવાથી, પદાર્થ બરોબર ફોકસમાં છે કે નહિ તે ફોકસિંગ પટ પર સીધેસીધું જાણી શકાય છે.
આપણે ફળ પર બેઠેલી માખી અવારનવાર નરી આંખે જોઈ છે, પણ જૂનાં ઈંડાં કે વાળની અંદર બેઠેલી લીખ અથવા અનેક ઘટકો ધરાવતા લૅન્સવાળી માખીની આંખની બિહામણી સવિસ્તર વિગત નરી આંખે કદી જોઈ શકતા નથી. એવી જ રીતે પુષ્પનો પરાગ, તેની પાંખડીમાં રહેલા રેસા-રેખા, તેના પર જામતાં ઝાકળબિંદુ પર પડતા પ્રકાશમાં સમાયેલા વિવિધ રંગ, ફળની છાલ પરના કણ, મયૂરપંખના રેસા, પશુની રુવાંટી, પક્ષીની પાંખનાં પીછાંની સૂક્ષ્મતા વગેરે પણ કોઈએ સૂક્ષ્મતાથી નરી આંખે નીરખ્યાં નથી, પણ ઉપર્યુક્ત ફોટોમાઇક્રૉગ્રાફીથી ખેંચાયેલ છબીમાં 30,000ગણા મોટા કદમાં વિસ્તારથી બધી વિગતો જોવા મળે છે; એટલું જ નહિ, પણ વિટામિન ‘સી’ના ભૂમિતિના પાસા જેવા અતિ સૂક્ષ્મ સ્ફટિકો અને તેમના રંગની નક્શીને મૂળ કદ કરતાં 80 ગણા મોટા કદમાં જોઈ શકાય છે. આ રીતે ફોટોમાઇક્રૉગ્રાફીથી આપણી આસપાસના અનેક પદાર્થોની સૂક્ષ્મતા જોઈ-પામી શકાય છે.
રમેશ ઠાકર