ફોટોમૉન્ટાજ : છબીકળા અને કલ્પનાશક્તિના સમન્વયથી તૈયાર થયેલ છબી. લેખકો પોતાની કલ્પનાશક્તિથી સાહિત્ય રચે છે, ચિત્રકારો પોતાની કલ્પના મુજબ ચિત્રો દોરે છે, એવી જ રીતે ફોટોમૉન્ટાજમાં છબીકાર પોતાની કલ્પના મુજબ અનેક છબીઓ ભેગી કરીને મૉન્ટાજ કરેલી નવી જ ફોટોકૃતિ તૈયાર કરે છે. ફોટોમૉન્ટાજ એટલે એન્લાર્જરની મદદથી એક કે વધુ નેગૅટિવમાંથી નવી છબી તૈયાર કરવી અથવા અનેક છબીઓને કોતરીને ભેગી છાપવાની કળા. બીજી પદ્ધતિને કૉલાજ પણ કહેવામાં આવે છે.

છબી ખેંચવાની પ્રક્રિયા કરતાં ફોટોમૉન્ટાજની પ્રક્રિયામાં કલ્પનાશક્તિ વધારે કામ કરી જાય છે. નિષ્ણાત છબીકારો છબીને અત્યંત આકર્ષક અને અદભુત રીતે તૈયાર કરીને જોનારનું મન હરી લે છે, પણ ફોટોમૉન્ટાજમાં તદ્દન અકુદરતી અને આભાસી છબી તૈયાર કરીને એવી તો અકુદરતી અને વિચિત્ર છબી બનાવે છે કે લોકો ફોટોમૉન્ટાજની આવી છબીની પ્રશંસા કરવાની સાથોસાથ અકુદરતી ર્દશ્ય અથવા વાતાવરણને પણ કુદરતી માની બેસે છે. ફોટોમૉન્ટાજની આ કળામાં બે કે તેથી વધુ નેગેટિવ ભેગી કરીને એક નવી છબી બનાવાય છે. આમાં ચાલાકી, નુસખો કે ઘાલમેલ લાગે નહિ એવી રીતે છબી બનાવવા માટે કાળજી અને ધીરજ અતિ આવશ્યક હોય છે, કારણ કે ફોટોમૉન્ટાજની એક છબી તૈયાર કરવામાં એક કે તેથી વધુ નેગેટિવનો ઉપયોગ થતો હોય છે, અને તેથી જેટલી વધુ નેગેટિવનો ઉપયોગ થાય તેટલી મુશ્કેલી વધતી જાય છે, અલબત્ત એ રીતે જ્યારે ફોટોમૉન્ટાજની છબી તૈયાર થઈ જાય ત્યારે તે અતિ અદભુત લાગે છે.

ફોટોમૉન્ટાજની છબી તૈયાર કરવા માટે અનેક પ્રકારની રીતો અજમાવાતી હોય છે : (1) કૅમેરામાં અગણિત છબીઓ ખેંચવી, (2) લેન્સ માઉન્ટમાં ખાસ પ્રકારના ત્રિપાર્શ્વ કાચ વાપરવા, (3) દર્પણ અને ત્રિપાર્શ્વ કાચથી મૉન્ટાજ કરવું, (4) એક જ નેગેટિવ પર અનેક છબીઓ ખેંચવી, (5) આગળ અને પાછળ ગોઠવવામાં આવેલ પ્રોજેક્ટરનો ઉપયોગ કરવો, (6) પ્રોજેક્ટ કરેલ પ્રતિમાનો ઉપયોગ કરવો, (7) સ્થિરદર્શક(stroboscope)નો ઉપયોગ કરવો, (8) ત્રણ રંગીન પ્રતિમાઓનો સુમેળ કરવો, (9) કૉલાજ પદ્ધતિમાં 7 કે વધુ પ્રતિમાઓ ગોઠવવી, (10) શહેરનાં અસંખ્ય મકાનો સહિતના પૅનોરમા લૅન્ડસ્કેપ ખેંચવા માટે સંખ્યાબંધ છબીઓ ખેંચવી, (11) બે નેગૅટિવમાંથી બનાવેલ ફોટોમૉન્ટાજમાં ‘રીટચિંગ’ કરીને ફરી છબી ખેંચવી, (12) છબીને કોતરીને ચોંટાડવી વગેરે.

કૅમેરામાં અગણિત છબીઓ ખેંચવાની જે રીત છે તેમાં 35 એમ.એમ.નો કૅમેરા વાપરવાને બદલે 120 કે એથી મોટી ફિલ્મ ચડી શકે એવો કૅમેરા વધુ ઉપયોગી થઈ શકે છે, કારણ કે 35 એમ.એમ.ના કૅમેરામાં અગાઉની છબી કયા ચોક્કસ સ્થાન પર ખેંચાયેલી છે તે જાણવું અત્યંત મુશ્કેલ પડતું હોય છે.

પાંદડાં પરથી ઊડતી ખડમાકડીની ઉડ્ડયન-પ્રક્રિયાની વિવિધ છબીઓ ખેંચવા માટે 1/450 સેકંડની ઝડપ ધરાવતા ઇલેક્ટ્રૉનિક શટર  સાથે ઇલેક્ટ્રૉનિક ફ્લૅશનો ઉપયોગ કરવાથી ધાર્યું પરિણામ મળી શકે છે. એક જ નેગૅટિવ પર આવી 3 છબીઓ અંકિત કરવા માટે આશરે 900 છબીઓ ખેંચવી પડે છે, કારણ કે સ્થળનું ઊંડાણ ઘણું ઓછું હોવાથી પદાર્થ ફોકસમાં રહે છે કે નહિ તેની ખાતરી કરવામાં ઘણી જ મુશ્કેલી પડે છે. એક જ નેગૅટિવ પર માત્ર એક જ પ્રતિમાની અનેક પ્રમાણબદ્ધ છબીઓ ખેંચવા માટે કૅમેરાના લેન્સ-માઉન્ટમાં ખાસ પ્રકારના ત્રિપાર્શ્વ કાચ અથવા સંખ્યાબંધ નાના લેન્સ ઉપસાવેલી પ્લાસ્ટિકની તકતી કૅમેરાની આગળ રાખવાથી અનેક પ્રમાણબદ્ધ પ્રતિમાઓની છબી અંકિત કરી શકાય છે. આથી મધ્યમાં પ્રતિમા સહિત અથવા એના વગર અનેક પ્રતિમાઓ ચક્ર આકારમાં મળી શકે છે.

મનુષ્યની છબી, દૂરનાં વૃક્ષો અને વાદળો – એમ 3 રંગીન ટ્રાન્સ્પેરન્સીનો ઉપયોગ કરવો હોય તો એન્લાર્જરમાં ડુપ્લિકેટિંગ ફિલ્મ મૂકીને એકસાથે ત્રણેને પ્રોજેક્ટ કરવાથી સુંદર મૉન્ટાજ છબી મળી શકે છે, પણ તેમાં રંગીન ફિલ્ટર અને યોગ્ય એક્સ્પોઝર ગોઠવવાં પડે છે. ફોટોમૉન્ટાજની એક અન્ય રીતને કૉમ્પોઝિટ પ્રિન્ટ પણ કહે છે, જેમાં રંગીન કે શ્યામ-શ્વેત એવા જુદા જુદા પદાર્થોની છબીઓ ભેગી ગોઠવીને નવી જ છબી બનાવવામાં આવે છે. તેમાં, દા.ત., જો 7 છબીઓ ભેગી કરવાની હોય તો તે દરેકનાં માપ, પ્રમાણ અને સ્થાન ગોઠવવા માટે એન્લાર્જરની કે ડાર્કરૂમની આવશ્યકતા રહે છે. જો એક વાર પ્રિન્ટને ગોઠવ્યા પછી ફરી એક વાર ફોટો ખેંચવાની પ્રક્રિયા સંડોવાય નહિ તો ફોટોમૉન્ટાજની આ પદ્ધતિને ઘણીવાર કૉલાજ પણ કહેવાય છે. આ બધી વિધિ કર્યા બાદ પરિણામ માટે આ મૉન્ટાજ છબી ખેંચવામાં આવે છે.

પૅનોરૅમિક લૅન્ડસ્કેપ તો અનેક પ્રકારના સારા એવા વાઇડ-ઍંગલ લેન્સથી ખેંચી શકાય છે. સામાન્ય રીતે નરી આંખે તો નજર સામેનું ર્દશ્ય આપણે 180°ના વિસ્તારનું જોઈએ છીએ. આથી વધારે વિસ્તાર આવરી લેવો હોય તો અતિ શક્તિશાળી વાઇડ-ઍંગલ લૅન્સનો ઉપયોગ કરવો પડતો હોય છે, પણ તેનાથી જે ઊભી ઇમારતો, ઊભાં વૃક્ષો, મિનારાઓ કે થાંભલાઓ હોય છે તે વિકૃત અથવા એક બાજુ પર ઢળેલાં દેખાતાં હોય છે, પણ જો એમ ન થાય એવી રીતે શહેરનો 270° જેટલો વિસ્તાર આવરી લેતા પૅનોરમિક ર્દશ્યને જરા પણ વિકૃતિ વગર ઝડપવો હોય તો ફોટોમૉન્ટાજની પદ્ધતિ અત્યંત અસરકારક જણાઈ છે. આ માટે એક જ સ્થળે ઊભા રહીને અને કૅમેરાને ઘોડી પર યોગ્ય રીતે ગોઠવીને ચારે તરફની 360° વિસ્તારની પુષ્કળ છબીઓ ખેંચવી જોઈએ. પછી દરેક નેગૅટિવની બંને બાજુ પર 25 ટકા છોડી દઈને બાકીની છબીઓને સાથે ચોડીને પૅનોરૅમિક મૉન્ટાજ છબી તૈયાર કરી શકાય છે.

ફોટોમૉન્ટાજમાં દર્શનીય કલ્પના અને યાંત્રિક સામર્થ્યના સુમેળની કસોટી થતી હોય છે; તે અત્યંત કૌશલ્યપૂર્ણ યાંત્રિક પ્રક્રિયા છે અને  તે એન્લાર્જરની મદદથી કે હાથથી થઈ શકે છે.

રમેશ ઠાકર