ફોટો-ભૂસ્તરશાસ્ત્ર (photogeology)

February, 1999

ફોટો-ભૂસ્તરશાસ્ત્ર (photogeology) : હવાઈ તસવીરો દ્વારા કરવામાં આવતો ભૂપૃષ્ઠના ખડકોનો અભ્યાસ. ભૂપૃષ્ઠથી અમુક નિયત ઊંચાઈએથી હવાઈ ઉડ્ડયનો મારફતે ભૂપૃષ્ઠની તસવીરો લઈ તેનાં ભૂસ્તરીય અર્થઘટનો દ્વારા ખડકલક્ષણોનાં અનુમાનો કરવામાં આવે છે. તસવીરો સીધી રેખામાં કે થોડીક ત્રાંસી રેખામાં લેવામાં આવતી હોય છે. એક જ સ્થળર્દશ્યની જુદા જુદા કોણથી અથવા અન્યોન્ય અધ્યારોપિત સ્થિતિમાં તસવીરો લઈ તેમનું સ્ટેરિયોસ્કોપની મદદથી નિરીક્ષણ કરી સ્થળવર્ણનાત્મક, રચનાત્મક તેમજ સ્તરવિદ્યાત્મક માહિતી મેળવી શકાય છે. ક્ષેત્રકાર્ય દરમિયાન એકત્ર કરવામાં આવતી માહિતી ક્યારેક અવલોકનની સરતચૂકથી અધૂરી નીવડી શકે. પરંતુ તસવીર દ્વારા ઉપલબ્ધ માહિતી તલસ્પર્શી બની રહે છે. કાર્સ્ટ સ્થળર્દશ્ય દર્શાવતા ચૂનાખડકોના અપવાદ સિવાય અન્ય ખડકોના પ્રકારોની પરખ કરવાનું જોકે મુશ્કેલ બની રહેતું હોય છે. ગાઢ જંગલોથી આચ્છાદિત વિસ્તારો પણ પૂરતી માહિતી પૂરી પાડે છે. જ્યાં જમીન કે વનસ્પતિનું આવરણ ઓછું હોય ત્યાંના નાના પાયા પરના સ્તરભંગ કે ગેડ, સ્તરવિદ્યાત્મક લક્ષણો જેવી માહિતી તારવી શકાય છે. ક્ષેત્રકાર્ય દરમિયાન જ્યાં પગપાળા કે વાહનો દ્વારા સરળતાથી પહોંચી ન શકાય એવા દુર્ગમ વિસ્તારોનું નકશાકાર્ય આ પદ્ધતિ દ્વારા ઝડપથી અને સહેલાઈથી કરવાનું ખૂબ જ અનુકૂળ બની રહે છે. શ્રેણીબંધ તસવીરો દ્વારા મર્યાદિત વિસ્તારની પ્રચુર માહિતી ઉપલબ્ધ કરી શકાય છે. ઘણા અવિકસિત દેશોમાં આ રીતે નકશાકાર્ય કરવામાં આવેલું છે અને તે દ્વારા ચોકસાઈભરી રીતે અનેક હેતુઓ સિદ્ધ કરી શકાયા છે.

ગિરીશભાઈ પંડ્યા