ફૅશન : સામાજિક રૂઢિઓ અને જરૂરિયાતોને વખતોવખત આપવામાં આવતો નાવીન્યનો ઓપ, તેની લઢણો અને તેના પ્રવાહો. આ સામાજિક રૂઢિઓ અને જરૂરિયાતોમાં પહેરવેશ, ઘરેણાં, કેશકલા, શૃંગાર, રાચરચીલું, ઘરસજાવટ, ઘરમાં વપરાતાં ઉપકરણો, વાહનો, આહારની વાનગીઓ, ચિત્ર-શિલ્પ-સ્થાપત્ય, સાહિત્ય, સંગીત, નૃત્ય, નાટ્ય, ફિલ્મની કળાઓ, વાતચીતની છટાઓ, શબ્દો અને ઉચ્ચારવાની રીત, આનંદ-પ્રમોદની પદ્ધતિઓ અને સામાજિક પ્રસંગો તથા ઉત્સવોની ઉજવણી અને તદુપરાંત સામાજિક-રાજકીય વિચારધારાઓનો પણ સમાવેશ થાય છે. કદાચ જીવનના તમામ આવિષ્કારો નિરંતર નાવીન્ય ઝંખે છે અને શોધી લે છે.
‘ફૅશન’ શબ્દનું મૂળ લૅટિન શબ્દ ‘factio’(ફૅક્ચિઓ)માં છે. તેનો અર્થ ‘બનાવવું’ કે ‘કરવું’ એવો થાય છે.
ઉદ્યોગીકરણની પૂર્વે વિશ્વમાં ફૅશનનો પ્રસાર ધીમો હતો અને ફૅશનને બદલાતાં પણ લાંબો સમય લાગતો હતો. આજના ઔદ્યોગિક અને ઝડપી સંચારના જમાનામાં ફૅશનો દસકે દસકે બદલાય છે. પશ્ચિમના સમૃદ્ધ દેશોમાં તો ફૅશનો ઋતુએ ઋતુએ બદલાય છે.
આર્થિક મૂલ્ય કે ઉપયોગિતા : સામાન્ય રીતે ખરીદી કરતી વેળા ગ્રાહક વસ્તુની કિંમતના વાજબીપણાને પહેલાં ધ્યાનમાં લે છે; જ્યારે ફૅશનને અનુરૂપ થવા માટે કરવામાં આવતી ખરીદી વેળા કિંમતનું વાજબીપણું કેટલેક અંશે કોરાણે મુકાઈ જાય છે.
છેલ્લી ઢબનાં કપડાં હોય કે મોટરકાર હોય, તેની કિંમત એટલા માટે વધુ હોઈ શકે કે ઉત્પાદક અને વિતરક જાણે છે કે સંભવિત ગ્રાહક એની અપેક્ષિત ચીજવસ્તુની છેલ્લી ઢબ તરફ સવિશેષ આકર્ષાશે.
ફૅશનનું એક મૂળભૂત લક્ષણ એ છે કે તેમાં જીવનની કોઈ પ્રાથમિક જરૂરિયાત સંતોષવાની વાત નથી આવતી; ઊલટાનું, ઘણી વાર તો પ્રવર્તમાન સંજોગો, આબોહવાને પ્રતિકૂળ હોય તેવી આદતો પણ ફૅશન બની શકે છે; જેમ કે ભારત જેવા ગરમ દેશમાં પહેરાતા બૂટ તથા ભારતમાં ઉનાળામાં પણ વકીલો દ્વારા કચેરીમાં તથા વરરાજા દ્વારા લગ્નપ્રસંગે પહેરવામાં આવતા લાંબા કોટ.
ફૅશન-વિરોધીઓની સમાજમાં અ-પ્રતિષ્ઠા : ફૅશન એ એટલી મહત્ત્વની સામાજિક પ્રથા બની ગઈ છે કે જે મનુષ્ય ફૅશનને સ્વીકારતો નથી તે એકલો-અટૂલો પડી જાય છે. એ અભણ, ગામડિયો, અસંસ્કારી કે નાસમજ હોય એ રીતે તેની તરફ જોવાય છે અને ક્યારેક તે હાંસી-ટીખળનું પાત્ર પણ બને છે.
ભારતના શહેરી યુવાનોના પોશાકમાંથી ધોતિયાં અર્દશ્ય થઈ ગયાં છે, જોકે વાસ્તવિક રીતે જોતાં ભારતની કાળઝાળ ગરમીમાં શરીર માટે પેન્ટ કરતાં તો ધોતિયાં જ વધુ અનુકૂળ જણાયાં છે.
ફૅશન અને પ્રાચીન ભારત : પ્રાચીન અને મધ્યકાલીન ભારતમાં પણ વિવિધ ફૅશનો અસ્તિત્વમાં હતી. તેનો સિંધુ ખીણની હડપ્પા-મોહનજો દરો વગેરેમાંથી મળી આવેલાં શિલ્પો અને મુદ્રાઓ તથા મૌર્ય, શુંગ અને ગુપ્ત કાળનાં શિલ્પો તથા અજંતાનાં ભીંતચિત્રો ને લઘુચિત્રો પરથી અંદાજ આવે છે. તે સમયનાં પોશાક–કેશકલા ઇત્યાદિની ફૅશનોને એ રીતે જાણી શકાય છે.
અર્વાચીન ભારતમાં ફૅશનના પ્રણેતાઓ : નેતાઓ, નટનટીઓ, ધાર્મિક-આધ્યાત્મિક અગ્રણીઓ અને સાહિત્યકારો જેવી જાહેર જીવનની વ્યક્તિઓ ફૅશનના નિર્માણ અને પ્રચારમાં હંમેશાં મુખ્ય નિમિત્ત બનતી હોય છે. મધ્યયુગીન ભારતમાં રાજા-મહારાજાની લઢણોનું અનુકરણ થતું હતું. આધુનિક ભારતમાં બ્રિટિશ સાહેબો, તે પછી ગોખલે, ગાંધીજી, સરોજિની નાયડુ અને નેહરુ જેવા રાષ્ટ્રનેતાઓ તથા તે પછીના સમયમાં દિલીપકુમાર, દેવઆનંદ, મીનાકુમારી જેવાં ફિલ્મી અદાકારો દ્વારા પાડવામાં આવતા ચીલાઓ ફૅશનને પ્રેરતા-પ્રસરાવતા જોવા મળ્યા છે.
ફૅશનનું ચક્ર : ફૅશનની કેટલીક લઢણ-રીતિઓ ચક્રને વિશિષ્ટ ક્રમે ઉપરતળે થતી, થોડા થોડા સમયના અંતરે પુનરાવર્તન પામતી જોવા મળે છે; દા.ત., પહોળી મોરીવાળાં બેલબૉટમ પાટલૂન 1970થી 1977 સુધી ફૅશનમાં હતાં. તે પછી ફરીથી 1990 પછી ફૅશનમાં આવ્યાં. આજના શહેરી યુવાનો ફરીથી કાનમાં વાળી પહેરતા અને ચામડી છૂંદાવતા થયા છે.
ફૅશન અને સંપર્કસંચાર (communication) : ફૅશન સંચારમાં પણ અગત્યનો ભાગ ભજવે છે. વ્યક્તિ જે પ્રકારનાં કે શૈલીનાં વસ્ત્રો, પદ્ધતિઓ, વાહનો કે અન્ય સાધનો ઉપયોગમાં લે છે તે પરથી વ્યક્તિ કઈ પ્રણાલીને અનુમોદન આપે છે તે સમાજ સમક્ષ સ્પષ્ટ થાય છે અને એ રીતે એ વ્યક્તિ સાથે સંપર્કસંચાર સધાતો હોય છે. એ દેખીતું જ છે કે આ સંપર્કસંચાર કેવળ પરોક્ષ, મૌખિક કે શાબ્દિક ન રહેતાં પ્રત્યક્ષ ભૂમિકાનો રહે છે.
ફૅશન – નગણ્ય (trivial) અને છેતરામણી (deceptive) : ફૅશન સમાજમાં કોઈ ઉપયોગી હેતુ પાર પાડનાર નહિ પણ ઉપરછલ્લી પ્રવૃત્તિ હોવાનો એક મત છે. લોકોની નજરમાં આવવા માટે કે સમાજમાં મોભાદાર દેખાવા માટે થઈને અપનાવવામાં આવતી તે એક તુચ્છ અને છીછરી પ્રવૃત્તિ લેખાય છે.
ફૅશનનું કાર્ય (function) : ફૅશનનું મુખ્ય કાર્ય વ્યક્તિને જે તે સમાજ કે સમૂહમાં સન્માનિત સભ્ય બનાવવાનું છે. જે તે સમાજ કે સમૂહની ફૅશન-પ્રણાલી અપનાવતાં તે સમાજ કે સમૂહની સહેલાઈથી સ્વીકૃતિ મેળવી શકાય છે.
આનાથી તદ્દન વિપરીત કાર્ય પણ ફૅશન કરે છે. સમાજમાં તદ્દન અસ્વીકૃત વસ્ત્રો કે પ્રણાલીની ફૅશન અપનાવનાર સૌની નજરમાં સહેલાઈથી આવી શકતો હોય છે અને તે સૌના કુતૂહલ, ધ્યાન અને ચર્ચાનું કેન્દ્ર બને છે; દા.ત., પગરખાંનો બહિષ્કાર કરનાર જાણીતા ચિત્રકાર મકબૂલ ફિદા હુસૈન. મુંબઈની એક વૈભવી ક્લબે થોડાં વરસો પહેલાં તેમનો પ્રવેશ એટલા માટે અટકાવ્યો હતો કે પગમાં તેમણે પગરખાં પહેર્યાં નહોતાં – તેમના પગ ઉઘાડા હતા. આ પ્રસંગ દ્વારા ભારતભરનાં છાપાં અને ચોપાનિયાંઓએ હુસૈનને તેમનાં ખુદનાં ચિત્રોએ પણ નહોતી અપાવી એટલી જાહેરાત ને પ્રસિદ્ધિ અપાવી. આમ, સમાજમાં સ્વીકૃત પ્રણાલીનો બહિષ્કાર કરીને, ફૅશનના રાહે કશુંક જુદું અપનાવીને વ્યક્તિ અંગત અભિવ્યક્તિ તો કરે જ છે, પણ જાહેરાત પણ પામે છે.
ફૅશન અને સામાજિક મોભો : ફૅશન અપનાવવાથી વ્યક્તિને સામાજિક મોભો મળે છે. શાળાએ જતાં બાળકો જ્યારે ચડ્ડીની જગ્યાએ લાંબાં પાટલૂન પહેરવાનો આગ્રહ રાખે છે ત્યારે તેમની બાળકોમાંથી પુખ્ત ઉંમરના પુરુષ બનવાની અદમ્ય તાલાવેલી કારણભૂત હોય છે.
ભારતીય પ્રણાલી મુજબ નાની ઉંમરની વ્યક્તિઓ મોટી ઉંમરની વ્યક્તિઓને પગે લાગે છે અને આશીર્વાદ મેળવે છે ત્યારે બંને પક્ષ તરફથી એકબીજાના સામાજિક મોભાની સ્વીકૃતિ વ્યક્ત થાય છે.
ફૅશન અને આર્થિક મોભો : મોંઘાદાટ વસ્ત્રો અને ઘરેણાં પહેરીને વ્યક્તિ પોતાનો આર્થિક મોભો પ્રદર્શિત કરી શકે છે.
રાજદ્વારી મોભો : રાજદ્વારી મોભો ઉપસાવવા માટે પણ ફૅશનનો સહારો લેવામાં આવે છે. ગાંધીજીએ તો ફૅશનને ધ્યાનમાં લીધા વિના જ ખાદીની પોતડી અપનાવી; પણ પછીના નેતાઓમાંથી કેટલાકે ગાંધીજીના રાજદ્વારી મોભાનો લાભ લેવા માટે ખાદી અપનાવી. આમ ફૅશન અહીં પ્રતીકાત્મક ભાગ ભજવે છે. ખાદીનાં વસ્ત્રોમાં સજ્જ એક સામાન્ય રાજદ્વારી વ્યક્તિ એવી અભિવ્યક્તિ કરવા માંગે છે કે પોતે ગાંધીજીના વિચારોનું સમર્થન કરે છે.
આ ઉપરાંત કેટલીક રાજદ્વારી વ્યક્તિઓ પોતાની વિશિષ્ટ છાપ છોડી જવા માટે ખાસ આદતો કેળવે છે, જેને તેમની વ્યક્તિગત ફૅશન કહી શકાય; દા.ત., જવાહરલાલ નેહરુના કોટના બટનમાં ખોસેલું લાલ ગુલાબ.
ફૅશન અને લિંગભેદ : સામાન્ય રીતે ફૅશન સ્ત્રી અને પુરુષનો લૈંગિક ભેદ સ્પષ્ટ કરી આપે છે. પ્રણાલીગત ભારતમાં સ્ત્રીઓ સાડી કે સલવાર-કમીઝ અને પુરુષો ધોતિયાં-પાયજામા તથા પહેરણ પહેરતાં. યુરોપમાં સ્ત્રીઓ સ્કર્ટ-બ્લાઉઝ અને પુરુષો શર્ટ-પૅન્ટ પહેરતાં; પરંતુ આમાં અપવાદો પણ હોય છે. પ્રણાલીગત ભારતમાં સ્ત્રીઓની માફક પુરુષો પણ કાન વીંધાવી બુટ્ટી કે વાળી પહેરતા અને યુરોપના સ્કૉટલૅન્ડ અને સ્વિટ્ઝર્લૅન્ડમાં તો હજી પણ કેટલાક પુરુષો સ્કર્ટ પહેરે છે. ત્યાં પોલીસદળના અધિકૃત પોશાકમાં પણ પુરુષે સ્કર્ટ પહેરવું પડે છે.
વળી આધુનિક જમાનાની ફૅશનને પ્રતાપે તો સ્ત્રીઓ પણ પૅન્ટ, શર્ટ પહેરતી અને સાવ ટૂંકા વાળ (બૉબ્ડ હૅર) રાખતી થઈ છે.
ફૅશન અને ધંધાદારી જાહેરાતો : વીસમી સદીમાં ફૅશનના પ્રસારમાં ધંધાદારી જાહેરાતોએ પણ મહત્વનો ફાળો આપ્યો છે. વસ્ત્રો, ચીજવસ્તુઓ કે સેવાઓ વેચતી પેઢી પોતાના ધંધાના વિકાસ માટે આવી જાહેરાતો છાપાં, મૅગેઝિન, ફિલ્મ, ટેલિવિઝન, હોર્ડિંગ ઇત્યાદિ માધ્યમોમાં આપે છે. આમ થવાથી પોતાની ચીજવસ્તુ-વસ્ત્ર-સેવાના પ્રચારની સાથે સાથે જે તે લઢણનો પણ પ્રસાર થાય છે. જાહેર વ્યક્તિ બની ચૂકેલ સિનેમાનાં નટનટી પણ પૈસાના બદલામાં આવી જાહેરખબરમાં વ્યક્તિગત ભાગ ભજવે છે અને જે તે વસ્ત્રો-ચીજવસ્તુઓ-સેવા ઉત્તમ અને અદભુત છે તેવું અનુમોદન આપે છે. આ જાહેરાતો સંભવિત ગ્રાહકોને જાણે સંમોહિત કરતી હોય તેવું જણાય છે. તમારો પ્રિય નટ ફલાણો સાબુ વાપરે છે માટે તમે પણ તે સાબુ વાપરો તેવો તર્ક અહીં કામ કરતો હોય છે.
અમારી વસ્તુઓ તમે નહિ વાપરો તો તમે સમાજમાંથી બહાર ફેંકાઈ જશો, એકલા પડી જશો એવી ગર્ભિત ધમકી પણ આવી ખરીદી માટે ગ્રાહકને લલચાવે છે. આ રીતે ચીજવસ્તુઓની સાથોસાથ તેની લઢણની ફૅશનનો પ્રસાર થાય છે. માત્ર સ્ત્રીનું જ નહિ, પણ પુરુષનું પણ નગ્ન-અર્ધનગ્ન શરીર આકર્ષણનું કેન્દ્ર બને છે તેમ આધુનિક વસ્ત્રોની જાહેરાતો દ્વારા ફૅશને સિદ્ધ કર્યું છે.
અમિતાભ મડિયા
બંસીધર શુક્લ