ફેલ્સ્પેથૉઇડ ખનિજવર્ગ

February, 1999

ફેલ્સ્પેથૉઇડ ખનિજવર્ગ : ફેલ્સ્પાર સમકક્ષ, પરંતુ સિલિકાથી અસંતૃપ્ત ખનિજોનો સમૂહ. આ ખનિજવર્ગમાં સમાવેશ કરવામાં આવેલાં ખનિજો રાસાયણિક બંધારણની ર્દષ્ટિએ ફેલ્સ્પાર ખનિજો સાથે સામ્ય ધરાવે છે, પરંતુ ફેલ્સ્પારની તુલનામાં તેમના બંધારણમાં રહેલા બેઝ(base)ના પ્રમાણમાં સિલિકાનું પ્રમાણ ઓછું હોય છે. પરિણામે સ્ફટિકીકરણથી ઉદભવેલા ક્વાર્ટ્ઝ-ખનિજ સાથે અગ્નિકૃત ખડકોમાં આ ખનિજોની હાજરી હોઈ શકતી નથી. આથી લેઝ્યુરાઇટ સિવાય તેમની પ્રાપ્તિ સિલિકાની ત્રુટિવાળા તેમજ આલ્કલીની ઊંચી માત્રાવાળા નેફેલીન સાયનાઇટ, ફોનોલાઇટ, નેફેલીન બેસાલ્ટ જેવા ખડકો પૂરતી સીમિત રહે છે.

ખનિજો : આ સમૂહનાં ખનિજો નીચે મુજબ છે :

લ્યુસાઇટ : KAlSi2O6 અથવા K2O·Al2O3·4SiO2
નેફેલીન : NaAlSiO4 અથવા Na2O·Al2O3·2SiO2
કેન્ક્રિનાઇટ : 4(NaAlSiO4)·CaCo3·H2O
સોડાલાઇટ : 3(NaAlSiO4)·Nacl
હોયેન : 3(NaAlSiO4)·CaSO4
નોસિયન : 3(NaAlSiO4)·Na2SO4
લેઝ્યુરાઇટ : 3(NaAlSiO4)·Na2S

છેલ્લા ચાર પ્રકારો સોડાલાઇટ સમૂહનાં ખનિજો ગણાય છે. તેમનું અણુમાળખું સરખું છે અને તેમની વચ્ચે વિસ્તૃત ઘનદ્રાવણની સ્થિતિ પ્રવર્તે છે. નેફેલીન, લ્યુસાઇટ અને કેન્ક્રિનાઇટની સ્ફટિકરચના જુદી પડે છે.

અણુરચનાની ર્દષ્ટિએ ફેલ્સ્પેથૉઇડ ટેક્ટોસિલિકેટ પ્રકારનાં ખનિજો છે. તેમના મહત્વના રાસાયણિક, ભૌતિક અને પ્રકાશીય ગુણધર્મો નીચે મુજબ છે :

લ્યુસાઇટ : રાસાયણિક બંધારણ : KAlSi2O6. સ્ફ. વર્ગ : 500°થી 600° સે. તાપમાને ક્યૂબિક. આ તાપમાન સુધી ગરમ કરવામાં આવે ત્યારે નીચા તાપમાને જોવા મળતા દ્વિવક્રીભવન તેમજ અન્ય અસ્વાભાવિક પ્રકાશીય ગુણધર્મોનો લોપ થાય છે. સામાન્ય તાપમાને સ્ફટિક કોણ અંદાજે ટેટ્રાગોનલ સ્વરૂપના હોય છે. સ્વરૂપ : પોટૅશિયમ-સમૃદ્ધ બેઝિક લાવા ખડકોમાં સ્ફટિકો ઘણુંખરું મોટા કદના ટ્રેપેઝોહેડ્રન (211) સ્વરૂપો તરીકે મળે છે; જવલ્લે જ ક્યૂબ (100) અને ર્હોમ્બડોડેકાહેડ્રન (110) સ્વરૂપો જોવા મળે છે; છૂટાછવાયા કણો રૂપે પણ મળી આવે છે. રંગ : સફેદ અથવા રાખોડી. સંભેદ : ર્હોમ્બડોડેકાહેડ્રનને સમાંતર. ચૂર્ણરંગ : રંગવિહીન. ચમક : ખંડિત સપાટી પર કાચમય, અર્ધપારદર્શકથી અપારદર્શક. ભંગસપાટી : વલયાકાર. કઠિનતા : 5.5થી 6. વિ.ઘ. : 2.5. ઊંચા તાપમાને ઉદભવતા લ્યુસાઇટ સ્ફટિકો સમદિગ્ધર્મી ગુણ દર્શાવે છે, જ્યારે નીચા તાપમાને ઉદભવતા સ્ફટિકો અસ્વાભાવિક દ્વિવક્રીભવન દર્શાવે છે. પ્રાપ્તિસ્થિતિ : લ્યુસાઇટ ખનિજ ફોનોલાઇટ, લ્યુસાઇટ-બેસાલ્ટ અને લ્યુસાઇટ-ટેફ્રાઇટ જેવા સિલિકા ત્રુટિવાળા તથા પૉટાશ-સમૃદ્ધ જ્વાળામુખી ખડકોના મુખ્ય ઘટક તરીકે મળી આવે છે. ઉપયોગ : ઇટાલીમાં તેનો પૉટાશ-ખાતર તેમજ ઍલ્યુમિનિયમના ઉત્પાદન માટે અગાઉ ઉપયોગ થતો હતો.

સ્યૂડોલ્યુસાઇટ : સ્યૂડોલ્યુસાઇટ એ ફેલ્સ્પાર અને નેફેલીનનું મિશ્ર ખનિજ-સ્વરૂપ છે, તેનું સ્ફટિક સ્વરૂપ મૂળભૂત લ્યુસાઇટ સમકક્ષ હોય છે; તે અંતર્ભેદકો અને બહિર્ભૂત અગ્નિકૃત ખડકોમાં મળે છે.

નેફેલીન : રાસા. બંધારણ : NaAlSiO4. કુદરતમાં મળી આવતું નેફેલીન પોટૅશિયમયુક્ત હોય છે, KNa3[AlSiO4]4. કુદરતી નેફેલીન NaAlSiO4 અને કેલિયોફિલાઇટ(KAlSiO4)ના મિશ્રણવાળું હોય છે. સ્ફ. વર્ગ : હેક્ઝાગોનલ. સામાન્ય સ્વરૂપ : હેક્ઝાગોનલ પ્રિઝમ અને બેઝલ પીડિયૉન સંયોજિત. તે દળદાર સ્થિતિમાં પણ મળે છે. સંભેદ : પ્રિઝમને સમાંતર; બેઝલ પિનકૉઇડ સંભેદ અપૂર્ણ. પરિવર્તન-વિકાસની સાથે સાથે સંભેદ વધુ સ્પષ્ટ બને છે. રંગ : રંગવિહીન, સફેદ, પીળો, ઘેરો લીલો, કથ્થાઈ, વગેરે. ચમક : કાચમય, ચીકાશવત્; પારદર્શકથી અપારદર્શક. ભંગસપાટી : વલયાકાર જેવી. કઠિનતા : 5.5થી 6. વિ.ઘ. : 2.5થી 2.6. પ્રકાશીય અચલાંક : (અ) વક્રીભવનાંક ω = 1.541, ∈ = 1.538 (બ) 2V :  –. પ્ર. સંજ્ઞા : એકાક્ષી  –Ve. પ્રાપ્તિસ્થિતિ : નેફેલીન એન નેફેલીન-સાયનાઇટ તેમજ નેફેલીન-સાયનાઇટ-પેગ્મેટાઇટમાં તથા તેમને સમકક્ષ (સિલિકાત્રુટિવાળા, સોડાસમૃદ્ધ). જ્વાળામુખી ખડકો(ફોનોલાઇટ, નેફેલિનાઇટ, નેફેલીન-બેસાલ્ટ)માં આવશ્યક ઘટક તરીકે મળે છે. તે વિકૃતિજન્ય લક્ષણોવાળા ખડકોમાં પણ જોવા મળે છે, જેમાં તે સિલિકાત્રુટિવાળા માતૃખડકોની વિકૃતિને કારણે તેમજ ક્વચિત્ આરસપહાણ અને નાઇસ જેવા ખડકોમાં કણશ: વિસ્થાપનથી બનેલું હોય છે. ઇલિયોલાઇટ તેનો એક પ્રકાર છે. તે પીળાશ પડતા ઘેરા રંગવાળું હોય છે.

કેન્ક્રિનાઇટ : રાસા. બંધારણ : 4(NaAlSiO4)CaCo3·H2. સ્ફ. વર્ગ : હેકઝાગોનલ. સ્ફ. સ્વ. : સંપૂર્ણપણે પ્રિઝમ સ્વરૂપ. રંગ : સામાન્ય રીતે પીળો,  પરંતુ તે સફેદ કે લાલ પણ હોય છે. કઠિનતા : 5થી 6. વિ. ઘ. : 2.4થી 2.5. પ્રકાશીય અચલાંક : (અ) વક્રીભવનાંક : ω = 1.524, ∈ = 1.496. (બ) 2V :  –. પ્ર. સંજ્ઞા : એકાક્ષી –Ve. પ્રાપ્તિસ્થિતિ : નેફેલીન સાયનાઇટ પ્રકારના અગ્નિકૃત ખડકોના એક ઘટક તરીકે મળે છે.

સોડાલાઇટ : રાસા. બંધારણ : 3(NaAlSiO4)·NaCl. સ્ફટિક વર્ગ : ક્યૂબિક. સ્ફ. સ્વરૂપ : ર્હોમ્બડોડેકાહેડ્રન સ્વરૂપે અથવા દળદાર. સંભેદ : ર્હોમ્બડોડેકાહેડ્રનને સમાંતર. રંગ : રાખોડી, વાદળી, આછો જાંબલી, પીળાશ પડતો. ચૂર્ણ રંગ : રંગવિહીન. ચમક : કાચમય; પારદર્શક કે અર્ધપારદર્શક. ભંગસપાટી : વલયાકાર, ખરબચડી. કઠિનતા : 5.5થી 6. વિ.ઘ. : 2.2. પ્રકાશીય ગુણધર્મ : સૂક્ષ્મદર્શક હેઠળ તે રંગવિહીન, સ્પષ્ટ સંભેદરહિત દેખાય છે. વક્રીભવનાંક કૅનેડા બાલ્સમની તુલનામાં ઘણો ઓછો (1.482). ક્યૂબિક વર્ગનું ખનિજ હોઈ સમદિકધર્મી હોય છે. પ્રા.સ્થિતિ : મુખ્યત્વે તે લ્યુસાઇટ, નેફેલીનની સાથે જ, સિલિકાત્રુટિવાળા તેમજ સોડાસમૃદ્ધ નેફેલીન, સાયનાઇટ જેવા ખડકોમાં મળે છે. આ ઉપરાંત તે સમકક્ષ બહિર્ભૂત અગ્નિકૃત ખડકોમાં પણ મળે છે.

હોયેન (હોયેનાઇટ) : રાસા. બંધારણ : 3(NaAlSiO4)·CaSO4. સ્ફ. વર્ગ : ક્યૂબિક. સ્ફ. સ્વ : નાના ઑક્ટાહેડ્રન અને રહોમ્બડોડેકાહેડ્રનવાળા સ્ફટિકો; સામાન્ય રીતે ગોળાકાર અથવા ઉપકોણાકાર કણો સ્વરૂપે. સંભેદ : રહોમ્બડોડેકાહેડ્રનને સમાંતર સ્પષ્ટ સંભેદ. રંગ : ખુલ્લો કે લીલાશ પડતો વાદળી. ચૂર્ણ રંગ : રંગવિહીન. કઠિનતા : 5.5થી 6. વિ. ઘ. : 2.4થી 2.5. પ્રકાશીય ગુણધર્મ : ખનિજ છેદ રંગવિહીન કે વાદળી હોય છે. ક્યૂબિક વર્ગનું ખનિજ હોવાથી સૂક્ષ્મદર્શક હેઠળ સમદિગ્ધર્મી હોય છે. વક્રીભવનાંક 1.496 છે, જે કૅનેડા બાલ્સમ કરતાં ઘણો ઓછો છે, ખનિજછેદોમાં સૂક્ષ્મ, ઘેરા આગંતુકોની વિપુલતા એ તેની લાક્ષણિકતા છે; ઘણી વાર આગંતુકો કાળી પટ્ટી રૂપે, વ્યવસ્થિત કે વેરવિખેર રહેલા જોવા મળે છે. પ્રાપ્તિસ્થિતિ : સિલિકાત્રુટિવાળા તેમજ આલ્કલીની વધુ માત્રાવાળા ફોનોલાઇટ જેવા બહિર્ભૂત અગ્નિકૃત ખડકોમાં જ જોવા મળે છે.

નોસિયન (નોસેલાઇટ) : રાસા. બંધારણ : 3(NaAlSiO4) · Na2SO4. સ્ફ. વર્ગ : ક્યૂબિક. રંગ : રાખોડી કે કથ્થાઈ. પ્રકાશીય ગુણધર્મ : ખનિજછેદ સમદિગ્ધર્મી હોય છે. વક્રીભવનાંક (1.495) ઓછો છે. પ્રાપ્તિસ્થિતિ : હોયેન મુજબ.

લેઝ્યુરાઇટ (લેપિસ લેઝ્યુલી) : રાસા. બંધારણ : 3(NaAlSiO4)·Na2S. સ્ફ. વર્ગ : ક્યૂબિક. સ્ફ. સ્વરૂપ : ક્યૂબ અને રહોમ્બડોડેકાહેડ્રન સ્ફટિકો જૂજ મળે. સામાન્ય રીતે દળદાર. સંભેદ : રહોમ્બડોડેકાહેડ્રનને સમાંતર, અપૂર્ણ. રંગ : ઘેરો વાદળી. ચમક : કાચમય; અર્ધપારદર્શકથી અપારદર્શક. ભંગસપાટી : ખરબચડી. પ્રાપ્તિ-સ્થિતિ : સંસર્ગ વિકૃતિજન્ય. સ્ફટિકમય ચૂનાખડક સાથેના ગ્રૅનાઇટના સંપર્ક-વિભાગ પર તે મળે છે. પ્રાપ્તિસ્થાનો : આ પ્રકારના નિક્ષેપો બૈકલ સરોવર, ઈરાન, અફઘાનિસ્તાન જેવા વિસ્તારોમાં મળે છે. ઉપયોગ : લેપિસ લેઝ્યુલી એ વાદળી રંગના લેઝ્યુરાઇટ ખડક માટે અપાયેલું વિશિષ્ટ નામ છે. લેપિસ લેઝ્યુલી રત્નપ્રકાર તરીકે ઉપયોગમાં લેવાય છે ખરું, પરંતુ તેની કઠિનતા ઓછી છે. આ ખનિજનું ચૂર્ણ કરી વાદળી રંગ તરીકે તેને ઉપયોગમાં લઈ શકાય છે.

વ્રિજવિહારી દીનાનાથ દવે