ફિલ્ડિંગ, હેન્રી (જ. 22 એપ્રિલ 1707, શાર્ફામ પાર્ક, સમરસેટ, ઇંગ્લૅન્ડ; અ. 8 ઑક્ટોબર 1754, લિસ્બન) : નવલકથાકાર. શ્રીમંત કુટુંબમાં જન્મ. શિક્ષણ એટન અને લંડનમાં. નવલકથાકાર તરીકેની કારકિર્દીના આરંભ પૂર્વે, 1728થી 1737ના સમયગાળામાં કૉમેડી, બર્લેસ્ક અને કટાક્ષપ્રધાન નાટકો રચ્યાં. કાયદાનો અભ્યાસ કર્યો; 1739–1741માં એક સામયિક, ‘ધ ચૅમ્પિયન’માં સહયોગ સાધ્યો. 1742માં રિચાર્ડસનની નવલકથા ‘પામેલા’ની પૅરડી રૂપે એક નવલકથા ‘ધ હિસ્ટરી ઑવ્ ધ એડવેન્ચર્સ ઑવ્ જૉસેફ ઍન્ડ્રૂઝ, ઍન્ડ ઑવ્ હિઝ ફ્રેન્ડ મિ. આદમ્સ’ પ્રગટ કરી. એ પછી ‘મિસીલૅનિઝ’ના ત્રણ ગ્રંથોમાં કવિતા, એક કપોલકલ્પિત કૃતિ ‘અ જર્ની ફ્રૉમ ધિસ વર્લ્ડ ટૂ ધ નેક્સ્ટ’ અને એક કટાક્ષપ્રધાન નવલકથા ‘ધ લાઇફ ઑવ્ મિસ્ટર જોનાથન વાઇલ્ડ ધ ગ્રેટ’ પ્રકાશિત થયાં.

એમણે પત્રકાર તરીકે પણ કામગીરી બજાવી. 1752માં એમણે ‘ધ કૉવેન્ટ ગાર્ડન, જર્નલ’નું તંત્રીપદ સંભાળ્યું. મિડલસેક્સમાં ‘જસ્ટિસ ઑવ્ પીસ’ તરીકે તેમણે સામાજિક તેમજ કાનૂની સુધારા કરાવવામાં સક્રિયતા દાખવી.

હેન્રી ફિલ્ડિંગ

એ દરમ્યાન એમણે બે નવલકથા પ્રકાશિત કરી – ‘ધ હિસ્ટરી ઑવ્ ટૉમ જૉન્સ–એ ફાઉન્ડલિંગ’ 1749માં અને ‘ઍમિલિયા’ 1751માં. 1752 દરમિયાન તેમની તંદુરસ્તી કથળવા માંડી; તેઓ લિસ્બન ગયા અને ત્યાં જ અવસાન પામ્યા. તેમની લિસ્બનના પ્રવાસ અંગેની કૃતિ ‘જર્નલ ઑવ્ અ વૉયેજ ટૂ લિસ્બન’ તેમના અવસાન પછી પ્રગટ થઈ.

તેમણે જીવનનાં અનેક ક્ષેત્રોમાં યથાશક્તિ પ્રવૃત્તિ કરી; તેમ છતાં એમની ખ્યાતિ મુખ્યત્વે નવલકથાકાર તરીકેની છે. પહેલી નવલકથા ‘જૉસેફ ઍન્ડ્રૂઝ’ રિચાર્ડસનની ‘પામેલા’માંની નીતિમત્તા અને લાગણીવેડાની અતિશયતાના પ્રત્યાઘાત રૂપે પ્રગટ થઈ હતી. એમણે આરંભ પૅરડી રચવાથી કર્યો પણ થોડેક જતાં એ પૅરડી ભૂલીને કંઈક નવું જ રચવાના માર્ગે ચડી ગયા. ફિલ્ડિંગ લાગણીના કે રિચાર્ડસને નિરૂપેલાં નીતિમૂલ્યોના વિરોધી નહોતા, પણ લાગણીના ઔચિત્ય વિશે અને નીતિમત્તાના કેટલાક ભૂલભરેલા ખ્યાલો સામે તેમનો વાંધો હતો. ‘જૉસેફ ઍન્ડ્રૂઝ’ અને ‘ટૉમ જૉન્સ’ નવલકથામાં તેમણે નિર્દોષતા, અજ્ઞાન, ભોળપણ, દંભ જેવાં સ્વભાવગત લક્ષણો કે મનોભાવો વિશેનો પોતાનો ખ્યાલ જૉસેફ અને પાર્સન આદમ્સનાં પાત્રોનાં વર્તનવ્યવહાર દ્વારા રજૂ કર્યો છે. બંને નવલકથાઓમાં તેમને સર્વાન્તિસ ખૂબ ખપ લાગ્યો છે. ‘દૉન કિહોતે’નો પ્રબળ પ્રભાવ તેમની બંને નવલકથાઓમાં વરતાય છે. સમગ્ર નવલકથા હાસ્યના સ્તર પર ગતિ કરતી રહી છે. ‘દૉન કિહોતે’માં બને છે તેમ ‘જૉસેફ ઍન્ડ્રૂઝ’માં પણ જૉસેફ અને પાર્સન આદમ્સના ભોળપણને કારણે છબરડા વળે છે. બંને પાત્રો હાસ્યાસ્પદ પરિસ્થિતિમાં વારંવાર મુકાય છે, છેતરાય છે, દુ:ખી થાય છે. વાચકો તેમની વિચિત્ર પરિસ્થિતિ જોઈ હસે છે, પણ તેમના પ્રત્યે તેમની હમદર્દી સતત રહે છે. પાર્સન આદમ્સના ચરિત્રનું મઝાનું નિરૂપણ થઈ શક્યું છે. એની ‘પોથીમાંનાં રીંગણાં’ જેવી વૃત્તિ તેને મુશ્કેલીમાં મૂકે છે. જૉસેફ ઍન્ડ્રૂઝ પણ એનાં ખ્વાબોની દુનિયામાં જીવે છે ને છેતરાતો જ રહે છે.

ફિલ્ડિંગે આ બે પાત્રોને નિમિત્ત કરીને સમાજના ભદ્રલોકની રીતરસમો પર પણ કટાક્ષ કરી લીધા છે. ભદ્રલોકની જડતા, નિષ્ઠુરતા, નીચલા થરના સમાજ પ્રત્યેની ઉપેક્ષાવૃત્તિ વગેરે પર પણ સારો પ્રકાશ પડી શક્યો છે. આ નવલકથાને વાર્તાકારે ‘એ કૉમિક એપિક ઇન પ્રોઝ’ તરીકે ઓળખાવી છે. ‘ટૉમ જૉન્સ’નું વસ્તુ કંઈક વધારે સંકુલ છે. 1749માં એ પ્રગટ થઈ હતી. અહીં ટૉમ જૉન્સને એમણે સારા-નરસાના મિશ્રણરૂપ માનવ તરીકે આલેખીને વાસ્તવનું  પરિમાણ સિદ્ધ કર્યું છે. ટૉમ જૉન્સ ભલે જાતીય સુખનો સદાનો હિમાયતી અને બીજી અનેક પ્રકૃતિગત મર્યાદા ધરાવનારો છે, પણ એ ઉદાર ર્દષ્ટિકોણવાળો નમ્ર, નિષ્ઠાવાન અને હાસ્યવૃત્તિ ધરાવનારો પણ છે. એ પોતાની અનિર્ણયાત્મકતાને કારણે, ભોળપણને લીધે કાવતરાંબાજોની જાળમાં ફસાતો રહે છે.

જે વ્યક્તિ પોતે સજ્જન હોય છે, સત્યનિષ્ઠ હોય છે તે દુનિયાને પણ પોતાના જેવી જ સત્યનિષ્ઠ માની લે છે, અને આમ દુનિયાદારી વિશેનું અજ્ઞાન તેનાં દુ:ખોનું કારણ બને છે. એ બાબત પર ફિલ્ડિંગ તેની નવલકથાઓમાં ભાર મૂકે છે. ટૉમ જૉન્સના અનાથપણા વિશેનો ‘સસ્પેન્સ’ પણ વાચકોને રોચક બની રહે છે. અહીં પણ ટૉમ જૉન્સ અને સ્ક્વાયરનાં પાત્રો દ્વારા તેણે અજ્ઞાન, દંભ, સચ્ચાઈ વગેરેની ચર્ચા ગૂંથી લીધી છે.

તેમની ત્રીજી નવલકથા ‘જૉનાથન વાઇલ્ડ’માં સમાજમાં ઊંચા હોદ્દા ધરાવનારા મહાનુભવોનાં ખાનગી જીવન અને જાહેરજીવન વચ્ચે કેવો વિરોધ હોય છે તેનું ચિત્ર તેમણે આલેખ્યું છે. માણસની સારપ, સજ્જનતા, નિષ્ઠા, નિર્દંભતા અહીં નિર્બળતારૂપ ગણાય છે અને છેતરપિંડી, દુષ્ટતા તથા દંભનો મહિમા થાય છે. દુનિયાદારીનું આ ચિત્ર વાર્તાનાયકના પાત્રના વર્તનવ્યવહાર દ્વારા ઊપસી શક્યું છે.

તેમની ચોથી ને છેલ્લી નવલકથા ‘ઍમિલિયા’(1751)માં તેમનો સૂર અગાઉની નવલકથાઓ કરતાં સાવ જુદો છે. આ નવલકથામાં હાસ્યને સ્થાને કારુણ્ય છે, રમૂજી પરિસ્થિતિઓને સ્થાને નૈતિક ગાંભીર્ય છે. અહીં વિષયનું ફલક વિશાળ નથી; કુટુંબ પૂરતું સીમિત છે. ઍમિલિયા જેવી એક સુશીલ નારીને પોતાનામાં આંતરિક શક્તિની ઊણપ હોવાને કારણે કેવાં કષ્ટો વેઠવાનાં આવે છે તેનું વાસ્તવિક નિરૂપણ તેમણે કર્યું  છે.

તેમણે એના જમાનાના અંગ્રેજી સમાજને જે નિર્દંશ, કટુ કટાક્ષ વિનાનું પ્રસન્ન હાસ્ય માફક આવતું હતું તે ‘જૉસેફ ઍન્ડ્રૂઝ’, ‘ટૉમ જૉન્સ’ વગેરે નવલકથાઓ દ્વારા પૂરું પાડ્યું; એટલું જ નહિ, પોતાના સમાજની રીત-રસમોનો વાસ્તવિક ચિતાર પણ તે આપી શક્યો, એ તેની અનોખી સિદ્ધિ છે.

મધુસૂદન પારેખ