ફિલ્ડેન, લિયોનેલ (જ. 1896; અ. –) : બી.બી.સી.ના રેડિયોકાર્યક્રમના નિર્માતા અને ઑલ ઇન્ડિયા રેડિયોના પ્રથમ પ્રસારણનિયામક. લિયોનેલ ફિલ્ડેન બ્રિટિશ સામ્રાજ્યવાદી શાસન દરમિયાન ભારતમાં રેડિયો-પ્રસારણના પાયા ઊંડા નાખવા માટે, અથાગ પ્રયત્ન કરનાર તરીકે જાણીતા છે. 1935માં ઓગણચાલીસ વર્ષની ઉંમરે, બી.બી.સી.ના રેડિયોકાર્યક્રમ-નિર્માતા તરીકેની સફળ કારકિર્દી તજી બ્રિટિશ સરકારની માલિકીની ઇન્ડિયન સ્ટેટ બ્રૉડકાસ્ટિંગ સર્વિસમાં પ્રથમ પ્રસારણનિયામક તરીકે જોડાયા. એ વખતે પ્રસારણખાતું અંગ્રેજોનું પ્રચારવાજું હતું અને શાસનના ઉદ્યોગખાતાના એક વિભાગ તરીકે ચાલતું હતું. જેમને રેડિયોપ્રસારણ કે શ્રાવ્યકાર્યક્રમકલાની ગતાગમ નહોતી એવા સરકારી અધિકારીઓ સામે ફિલ્ડેન સતત પાંચ વર્ષ સુધી બાખડતા રહ્યા અને રેડિયોપ્રસારણની કલાના વિકાસ માટેના નવા વિચારોને અને એવા કાર્યક્રમનિર્માતાઓને ટેકો આપતા રહ્યા. સરકારી અધિકારીઓ આરોગ્ય જેવા નિર્દોષ વિષયોમાં પણ માથું મારતા હતા. ફિલ્ડેન તત્કાલીન સ્વાતંત્ર્યઆંદોલનના નેતાઓ ગાંધીજી, નેહરુ, મૌલાના અબુલ કલામ આઝાદ, વિજયાલક્ષ્મી પંડિત અને રાજગોપાલાચારી જેવા નેતાઓના ગાઢ સંપર્કમાં રહેતા હતા, જે સ્વાભાવિક રીતે જ અંગ્રેજ અધિકારીઓને રુચતું નહોતું. એમની વિરુદ્ધ જઈને ગાંધીજી અને નેહરુને પોતાને મદદ કરવા ફિલ્ડેને વિનંતી પણ કરી જોઈ હતી. ઇન્ડિયન સ્ટેટ બ્રૉડકાસ્ટિંગ સર્વિસ જેવા સરકારી નામે ઓળખાતી ભારતીય પ્રસારણસેવાનું 1936માં ‘ઑલ ઇન્ડિયા રેડિયો’ જેવું ઉચિત અને કાવ્યાત્મક નામકરણ કરવાનો યશ ફિલ્ડેનને ફાળે જાય છે. તેમણે પ્રસારણમાં ઉચ્ચ વ્યાવસાયિક ધોરણ પ્રસ્થાપિત કર્યાં અને બુખારી બંધુઓ, લુથરા, ચેટર્જી અને ચંદ્રવદન મહેતા જેવા પ્રસારકોને બીજી હરોળમાં તાલીમ આપી પ્રસારણતંત્રની ઊજળી પરંપરા શરૂ કરી. ફિલ્ડેન કે બુખારીના પોતે શિષ્ય હોવું એને ભારતીય પ્રસારકો ગૌરવ માનતા રહ્યા છે. ફિલ્ડેને પોતાના પ્રસારણના અનુભવો ‘ધ નૅચરલ બૅન્ટ’ નામના પુસ્તકમાં આલેખ્યા છે.

હસમુખ બારાડી