ફિલ્ટર : છબી નરી આંખે જેવી દેખાય તેના કરતાં વધુ આકર્ષક દેખાય તે માટેનું છાયાપ્રકાશ તથા રંગો ગાળીને ઇષ્ટ પરિણામ મેળવવા માટેનું સાધન. છબીકાર સામાન્ય રીતે છબી વધુ આકર્ષક દેખાય એવું ઇચ્છતો હોય છે; પરંતુ એ માટે કુદરતી પ્રકાશની વ્યવસ્થા સાનુકૂળ હોવી જોઈએ. બારીમાંથી બહાર નજર કરીએ તો બહારનો પ્રકાશ સફેદ દેખાય છે, કારણ કે કુદરતી પ્રકાશના વર્ણપટમાં લાલ, કેસરી, પીળો, લીલો, વાદળી, જાંબલી વગેરે વિવિધ રંગો સમાયેલા હોય છે અને એ બધા રંગો જ્યારે ભેગા થાય ત્યારે એ મિશ્રિત રંગ સફેદ દેખાય છે. તેમાંથી કોઈ પણ એક રંગ નીકળી જાય કે ઉમેરાય તો છબી ક્યારેક વધારે પડતી સૌમ્ય કે તદ્દન ભડકભરી દેખાય નહિ, પરંતુ વધુ આકર્ષક દેખાય, પણ કુદરતી વર્ણપટમાંથી કોઈ પણ એક રંગને કેવી રીતે તારવી કે છૂટો પાડી શકાય ? આ માટે વિજ્ઞાનીઓએ ‘ફિલ્ટર’ નામના ગળણી કે ચાળણી જેવા સાધનની શોધ કરી છે.

આમ તો ફિલ્ટર એટલે ગળણી; પરંતુ આ ગળણી પ્રવાહી ગાળવા માટેની નહિ, પ્રકાશના વર્ણપટમાં સમાયેલા વિવિધ રંગોને શોષવાની ગળણી છે. કુદરતનો નિયમ છે કે જ્યારે બે કે વધુ રંગો ભેગા થાય ત્યારે મૂળ રંગ બદલાઈ જાય અથવા એમાંનો એકાદ રંગ શોષાઈ જાય. ફિલ્ટર એક પારદર્શક રંગવાળો અથવા જિલેટિન જેવો પારદર્શક રંગ લગાડેલો ગોળ પારદર્શક કાચ હોય છે, જેને કૅમેરાના લૅન્સની આડે મૂકવામાં આવે છે; તેથી પ્રકાશ ફિલ્ટર અને લેન્સમાં થઈને ફિલ્ટરના રંગની અસર સાથે કૅમેરાની અંદર રહેલ ફિલ્મ પર પડે છે અને છબીમાં જોઈતી અસર ઉપસાવે છે.

આકાશમાંથી પુષ્કળ પ્રકાશ આવે છે. વળી, વાદળી રંગ શ્વેત જેવો લાગે છે. તેથી સાદી છબીમાં આકાશ શ્વેત આવે છે. પણ, જો પીળું કે રાતું ફિલ્ટર – કાચ આડું રાખ્યું હોય તો આકાશનો વાદળી રંગ લીલો કે જાંબલી બનતાં નિષ્પ્રભાવી બને છે અને છબીમાં ઘેરું આકાશ પકડાય છે. આવી રીતે જે રંગ ઘેરો કરવો હોય તેનું વિરોધી ફિલ્ટર વપરાય છે.

કુદરતી પ્રકાશના કોઈ પણ રંગને વધુ ઘેરો કે વધુ આછો મેળવવો હોય અથવા તેની અતિભિન્ન કે અતિસૌમ્ય અસર દેખાડવી હોય તો યોગ્ય ફિલ્ટર વાપરવાથી છબીમાં જોઈતી અસર પેદા કરી શકાય છે. જોઈતી અસર મેળવવા માટે આછા અથવા ઘેરા વિવિધ રંગનાં ‘ફિલ્ટર’ મળે છે. આ રીતે છબીકળામાં ફિલ્ટર અગત્યનું સાધન છે.

રમેશ ઠાકર