ફિલિબસ્ટરિંગ : ધારાગૃહ દ્વારા નિર્દેશિત ખરડા પસાર થતા અટકાવવા કે તેને વિલંબમાં નાંખવા ધારાગૃહના લઘુમતી પક્ષના સભ્ય દ્વારા ચાલુ રાખવામાં આવતું અંતહીન અને અર્થહીન વક્તવ્ય. સંસદ કે ધારાસભાના કોઈ પણ ગૃહમાં, બહુમતી સભ્યો ખરડાની તરફેણ કરતા હોય તોપણ પ્રલંબ, લગાતાર અને અર્થહીન વક્તવ્ય ચાલુ રાખી ખરડાને મંજૂર થતો અટકાવવાની તે એક યુક્તિ છે.
અમેરિકાની સેનેટ–ઉપલાગૃહ–માં આવી અમર્યાદ ચર્ચાની પ્રણાલિકા છે. સેનેટના સામાન્ય ધારાધોરણ અનુસાર કોઈ પણ સેનેટરનું વક્તવ્ય ચાલુ હોય ત્યારે તેને ખલેલ પહોંચાડ્યા વિના બોલવાની છૂટ હોય છે. આ ધારાધોરણનો અતિરેક ફિલિબસ્ટરિંગ દ્વારા થાય છે. આવા અર્થહીન સંભાષણકારો સાથે અનૌપચારિક સમાધાન કરીને સેનેટ દ્વારા તેનો અંત લાવી શકાય છે. તેનો અંત લાવવાની એક અન્ય પદ્ધતિ ‘ક્લોટર રૂલ’ની છે. તે એક પ્રકારની દરખાસ્ત છે, જે ઈ. સ. 1917થી સ્વીકારવામાં આવી છે. આ દરખાસ્ત અનુસાર ઓછામાં ઓછા 60 સેનેટરો એટલે કે ત્રણ પંચમાંશ સેનેટ-સભ્યોની સંમતિથી નિર્ણય કરવામાં આવે કે કોઈ પણ સેનેટર ખરડા અંગે ચર્ચા કરે ત્યારે તે સભ્ય તે ખરડા અંગે વધુમાં વધુ એક કલાક પૂરતું જ વક્તવ્ય સીમિત રાખે, બીજું, આ દરખાસ્ત દ્વારા ખરડા પર કરવામાં આવતા સુધારાઓને પણ મર્યાદિત કરી શકાય છે. ત્રીજું, ખરડા પર આ દરખાસ્ત મૂકવામાં આવે ત્યારબાદ 30 કલાકમાં ખરડા પરનું મતદાન હાથ ધરી શકાય. વીસમી સદીના આઠમા દાયકાથી ‘ક્લોટર રૂલ’ની દરખાસ્ત મૂકવાની પદ્ધતિ ર્દઢ બની.
1917થી 1962 સુધીમાં ખાસ કરીને નાગરિક અધિકારોનો ખરડો મંજૂર થતો અટકાવવા માટે અમેરિકાનાં દક્ષિણ રાજ્યોના સેનેટરો ફિલિબસ્ટરિંગનો વારંવાર ઉપયોગ કરતા હતા. આમ છતાં, આ વર્ષો દરમિયાન ‘ક્લોટર રૂલ’ દરખાસ્તનો ઉપયોગ માત્ર ચાર વાર જ કરવામાં આવ્યો હતો. આ ખરડા વિરુદ્ધ 1964માં 75 દિવસ સુધી ચાલેલ ચર્ચા ફિલિબસ્ટરિંગનો લાંબામાં લાંબો બનાવ હતો. અડધા દિવસથી પૂરા દિવસ સુધી ચાલતું ફિલિબસ્ટરિંગ અમેરિકી સેનેટ માટે સામાન્ય બાબત ગણાય છે. ફિલિબસ્ટરિંગ અને ‘ક્લોટર રૂલ’ની પદ્ધતિઓનો અમેરિકાની સેનેટમાં વારંવાર ઉપયોગ થતો હોય છે.
રક્ષા મ. વ્યાસ