ફારૂકી, ઝહીરુદ્દીન : ઔરંગઝેબના સમયના ઇતિહાસકાર. ઝહીરુદ્દીન તેમના ફારૂકી અંગ્રેજી પુસ્તક ‘Aurangzeb and His Times’ને કારણે દેશવ્યાપી ખ્યાતિ પામ્યા છે. તેઓ અલીગઢ મુસ્લિમ યુનિવર્સિટીના સ્નાતક અને બૅરિસ્ટર ઍટ લૉ હતા. તેમણે મુઘલ સમ્રાટ ઔરંગઝેબ આલમગીર તથા તેના સમયના હિન્દુસ્તાનના ઇતિહાસના અભ્યાસને નવો ર્દષ્ટિકોણ આપ્યો છે. એક તરફ તેમણે જમીનની આનાવારી પદ્ધતિ સહિત, તે સમયની સામાજિક અને આર્થિક પરિસ્થિતિની પણ વિસ્તૃત ચર્ચા કરી છે, તો બીજી તરફ મુઘલ સત્તાકાળના અંતસમયનાં વિવિધ રાજકીય પરિબળોના સંપૂર્ણ અભ્યાસ માટે ખૂટતી માહિતી પૂરી પાડી છે. ઝહીરુદ્દીન ફારૂકીના અભ્યાસનું મહત્વનું પાસું એ છે કે તેમણે પ્રાપ્ય એવાં બધાં ઐતિહાસિક સાધનોનો ઉપયોગ કર્યો છે. તેમણે ઉર્દૂ, ફારસી અને હિન્દી સાધનો ઉપરાંત અરબી, મરાઠી, અંગ્રેજી તથા ફ્રેંચ, જર્મન અને ઇટાલિયન જેવી વિદેશી ભાષાઓનાં પુસ્તકોનો પણ આશરો લીધો છે. આમ થવાથી તેઓ સ્વીકાર્ય તારણો કાઢવામાં સફળ થયા છે અને સાથે સાથે ગેરસમજ અને અનુચિત પક્ષપાતનાં જાળાં દૂર કરી શક્યા છે. તેમનું આ અભ્યાસપૂર્ણ પુસ્તક 1972માં પ્રગટ થયું હતું.
મેહબુબહુસેન એહમદહુસેન અબ્બાસી