ફારૂકી, શમ્સુર્રહમાન (જ. 1936, પ્રતાપગઢ, ઉત્તરપ્રદેશ) : ઉર્દૂના જાણીતા વિવેચક અને કવિ. તેમને તેમની કૃતિ ‘તનકીદી અફકાર’ નામક નિબંધ-સંગ્રહ માટે 1986ના વર્ષનો કેન્દ્રીય સાહિત્ય અકાદમી ઍવૉર્ડ પ્રાપ્ત થયો છે. અલ્લાહાબાદ યુનિવર્સિટીમાંથી અંગ્રેજીમાં એમ. એ.ની ડિગ્રી મેળવ્યા બાદ તેઓ થોડો વખત અંગ્રેજીના પ્રાધ્યાપકપદે રહ્યા. 1958માં કેન્દ્રીય ટપાલ સેવામાં અધિકારી-પદે નિમણૂક પામીને સંયુક્ત સચિવ તરીકે તેઓ સેવાનિવૃત્ત થયા છે.

સાહિત્યિક સિદ્ધાંતો અને વિવેચન અંગે તેમના 12 ગ્રંથો, 3 કાવ્યસંગ્રહો તથા તેમની કેટલીક અનૂદિત કૃતિઓ પ્રગટ થયાં છે. તેમના પ્રસિદ્ધ ગ્રંથોમાં ‘દર્સે બલાગત’ (1981) ‘ઉર્દૂ કી નઈ કિતાબ’ ઉલ્લેખનીય છે. આ ઉપરાંત તેઓ ઉર્દૂ સામયિક ‘શબખૂન’ના સ્થાપક-સંપાદક છે. તેમણે વ્યાપક પ્રવાસ ખેડ્યો છે અને તેઓ રાષ્ટ્રીય કક્ષાની સંખ્યાબંધ સાહિત્યિક સંસ્થાઓ સાથે જોડાયેલા રહ્યા છે.

તેમના સાહિત્યિક પ્રદાન બદલ ઉત્તર પ્રદેશ ઉર્દૂ અકાદમી; ઑલ ઇન્ડિયા મીર અકાદમી, લખનઉ ઑલ ઇન્ડિયા કરીમિયા સોસાયટી, જમશેદપુર અને દિલ્હી ઉર્દૂ અકાદમી તરફથી તેમને સન્માન અને પુરસ્કારો એનાયત થયાં છે.

શમ્સુર્રહમાન ફારૂકી

તેમની પુરસ્કૃત કૃતિ ‘તનકીદી અફકાર’ વિવિધ વિષયો પર લખેલ વિદ્વત્તાપૂર્ણ વિવેચનાત્મક નિબંધોનો સંગ્રહ છે. તેમાં કાવ્યશાસ્ત્રીય સિદ્ધાંતોનું નિરૂપણ કરવામાં આવ્યું છે. વિચારકની મૌલિકતા અને વેધકતાને કારણે આ સંગ્રહ સમકાલીન ઉર્દૂ સાહિત્યમાં વિશિષ્ટ સિદ્ધિરૂપ લેખાય છે.

બળદેવભાઈ કનીજિયા