ફારૂકી, ખ્વાજા અહમદ (જ. 30 ઑક્ટોબર 1917, બછરાયૂં, જિ. મુરાદાબાદ, ઉ.પ્ર.) : ઉર્દૂના વિદ્વાન અધ્યાપક તથા વિવેચક. પિતાનું નામ મૌલવી હસન અહમદ હતું. તેમણે ઉર્દૂ તથા ફારસી બંનેમાં એમ.એ.ની ડિગ્રી તથા ઉર્દૂમાં પીએચ.ડી.ની ડિગ્રી મેળવી હતી. તેમણે જીવનપર્યંત દિલ્હી યુનિવર્સિટીમાં ઉર્દૂના અધ્યાપક તથા વિભાગાધ્યક્ષ તરીકે કામ કર્યું હતું. ખ્વાજા અહમદ ફારૂકીએ ઉર્દૂના પ્રશિષ્ટ સાહિત્યના સંશોધન-વિવેચનક્ષેત્રે નવી ભાત પાડી હતી. તેમની કૃતિઓ ‘ક્લાસિકી અદબ’, ‘મીર તકી મીર’, ‘ઝૌક વ જુસ્તુજૂ’, ‘યાદે યારે મહરબાન’ તથા ‘ઉમદએ મુનતખિબા’ તેમના નવીન વિચારો અને નવીન ગદ્યશૈલી માટે પ્રખ્યાત છે. સાહિત્યક્ષેત્રની તેમની સેવાઓ બદલ 1957માં દિલ્હી સાહિત્ય અકાદમી તરફથી ખ્વાજા અહમદ ફારૂકીને સન્માનવામાં આવ્યા હતા તથા ઉત્તરપ્રદેશ સરકાર, ઉ. પ્ર. ઉર્દૂ અકાદમી, બિહાર ઉર્દૂ અકાદમી અને મીર અકાદમી – લખનૌ તરફથી તેમને પુરસ્કારો અપાયા હતા. ખ્વાજા અહમદ ફારૂકીએ ભારતીય યુનિવર્સિટીઓના ઉર્દૂના અધ્યાપકોનું મંડળ ‘અંજુમને ઉસ્તાદાને ઉર્દૂ જામિઆતે હિન્દ’ સ્થાપ્યું હતું અને વિવિધ સ્થળોએ સફળ સંમેલનોનું આયોજન કર્યું હતું. આ મંડળે ઉર્દૂના અધ્યાપન તથા સંશોધનના પ્રશ્ને ઘણી પ્રશંસનીય કામગીરી બજાવી છે. તેમની વિદ્વત્તાની કદર કરીને યુ.એસ.માં પણ તેમને અધ્યયન-સંશોધનની તક અપાઈ હતી.

મેહબુબહુસેન એહમદહુસેન અબ્બાસી