ફકીર : ઇસ્લામ ધર્મના ત્યાગી કે વૈરાગી સાધુ. પવિત્ર કુરાનમાં (35:15) બધા મનુષ્યોને અલ્લાહના ‘ફકીર’ અર્થાત્ જરૂરતમંદ અને અલ્લાહને ‘ગની’ અર્થાત્ અ-જરૂરમતમંદ બતાવવામાં આવેલ છે. મુસ્લિમ સૂફીઓએ તેની વ્યાખ્યા આ રીતે કરી છે : ફકીર એ છે જે અલ્લાહ સિવાય કોઈ વસ્તુથી સંતોષ પામતો નથી.

આધ્યાત્મિક રીતે જોઈએ તો ફકીર એ છે જે માત્ર અલ્લાહ ઉપર ભરોસો રાખે અને સંસારથી નિર્લેપ રહે.

ભૌતિક રીતે જોતાં ફકીર સંપૂર્ણપણે રાંક નથી હોતો; બલ્કે તેની પાસે જે કાંઈ ઓછું-વધતું હોય તેનાથી તે સંતુષ્ટ હોય છે. જેની પાસે કાંઈ ન હોય તેને ‘મિસ્કીન’ કહેવાય છે.

મુસ્લિમ સમાજમાં ‘ફકીર’નો અર્થ ભિક્ષુક (ભિખારી), નાદાર કે દરવેશ (સંસારનો ત્યાગ કરનાર) – એવો કરવામાં આવે છે.

પયગંબરસાહેબે ફકીરીને ગૌરવાસ્પદ બાબત ગણાવી છે. આનો ભાવાર્થ એ કે અલ્લાહે જે જરૂરતમંદ પરિસ્થિતિમાં રાખ્યો હોય તેનાથી સંતોષ માનવો; એટલું જ નહિ, તેને માટે ગૌરવની લાગણી પણ થવી જોઈએ. પયગંબરસાહેબના આ વચનને આધારે ઇસ્લામમાં ફકીરી અવસ્થાને મહિમાવાળું સ્થાન મળ્યું છે.

ફકીરી એક નૈતિક આદર્શ છે. તે સ્વાર્થ, ધન-પ્રેમ અને દુનિયાદારીથી માણસનું રક્ષણ કરવા માટે છે. નિ:સ્વાર્થ, સંસારથી વિરક્ત અને આધ્યાત્મિક જીવને ફકીર કહી શકાય. ફકીરી એક પ્રકારની માનસિક નિ:સ્પૃહતા છે, જે ધનદોલત પાસે હોવા છતાં તેનાં દૂષણો – ક્રોધ, અભિમાન, અત્યાચાર, શોષણ, અસત્ય, હિંસા, દંભ વગેરેથી મુક્તિ અપાવે છે.

માણસ ફકીર એટલે કે જરૂરતમંદ હોય; પરંતુ લોકો સમક્ષ હાથ ફેલાવે નહિ અને જે મળે તે લઈને સંતોષ પામે તથા અલ્લાહનો પાડ માને તે પણ સાચો ફકીર કહેવાય. આધુનિક સમયમાં દરેક પ્રકારના ભિક્ષુકને પણ ફકીર કહેવામાં આવે છે. આવા ફકીરોની જમાત હોય છે; તે એકબીજા સાથે સંકળાયેલા રહે છે અને અંદરોઅંદર લગ્ન કરે છે – ઘરસંસાર પણ માંડે છે.

ભારતમાં ફકીરોની જમાતમાંથી ‘ફકીરજ્ઞાતિ’નો ઉદભવ થયો છે. તેમને સમાજશાસ્ત્રીઓ તથા કાયદામાં મુસ્લિમ ફકીર કહેવામાં આવે છે.

ભારતમાં ફકીરો ઠેકઠેકાણે રહે છે. તેમના બે મુખ્ય વર્ગો છે : (1) બાશર અને (2) બેશર. બાશર ફકીરો વિવાહિત હોય છે, જ્યારે બેશર ફકીરો કુટુંબકબીલા વગરના હોય છે. ધાર્મિક પંથ અનુસાર તેમના પેટાવિભાગ પડેલા છે. તેમાં (1) ચિશ્તિયા, (2) નિઝામિયા, (3) સુહરાવરદી, (4) મદારી, (5) કલંદર, (6) રફઈ, (7) જલાલી, (8) બેનવા, (9) મેવાતી, (10) દરવેશી, (11) રસૂલશાહી, (12) મૂસાસોહાગ, (13) હુસેની વગેરેનો સમાવેશ થાય છે. અન્ય દેશોમાં કાદિરિયા, મૌલવિયા, બેકતાશી, સન્યૂસી વગેરે પંથો પણ સ્થપાયેલા. તુર્કસ્તાનમાં મુસ્તફા કમાલ પાશાએ મૌલવિયા અને બેકતાશી પંથોને સરકારી રાહે રદ કરેલા.

મેહબુબહુસેન એહમદહુસેન અબ્બાસી

પ્ર. ઉ. શાસ્ત્રી