પ્વાસોં સીમોં દેની

February, 1999

પ્વાસોં સીમોં દેની (જ. 21 જૂન 1781, બેથિવિયર્સ, ફ્રાન્સ; અ. 25 એપ્રિલ 1840) : ફ્રેંચ ગણિતશાસ્ત્રી અને ભૌતિકશાસ્ત્રી. તેઓ નિયત સંકલ (definite integral) વિદ્યુત-ચુંબકત્વના સિદ્ધાંતો અને સંભાવના  (probability) પરના તેમના સંશોધનકાર્ય માટે જાણીતા છે. તેમનાં કુટુંબીજનોએ તેમને આયુર્વિજ્ઞાનનો અભ્યાસ કરવાની ફરજ પાડી; પરંતુ ગણિતશાસ્ત્રમાં અભિરુચિને કારણે આયુર્વિજ્ઞાનનો અભ્યાસ છોડી દઈ, 1798માં પૅરિસના ઍકોલ પૉલિટૅકનિકમાં અભ્યાસ માટે જોડાયા. ત્યાં પેરી-સીમન-લાપ્લાસ અને જૉસેફ-લુઈ-લાગ્રાન્જની દોરવણી નીચે ગણિતનું શિક્ષણ મેળવ્યું. આ વિખ્યાત ગણિતશાસ્ત્રીઓ પાછળથી તેમના આજીવન મિત્રો બન્યા. તેમનું જીવન સમગ્રપણે ગણિતનું શિક્ષણ આપવામાં અને તેના સંશોધન પાછળ વીત્યું.

1802માં ‘ઍકોલ પૉલિટૅકનિક’માં મદદનીશ અધ્યાપક અને 1806માં પૂર્ણકાલીન અધ્યાપક થયા. તેમને 1808માં ‘બ્યુરો-દ-લૉન્જિત્યુદ’માં ખગોળશાસ્ત્રી તરીકે નીમવામાં આવ્યા. 1809માં ‘ફેકલ્તી-દ-સાયન્સ’ની સ્થાપના થઈ ત્યારે તેમને શુદ્ધ ગણિતશાસ્ત્રના અધ્યાપક તરીકે નીમવામાં આવ્યા.

પ્વાસોંએ વિદ્યુત, ચુંબકત્વ, યંત્રશાસ્ત્ર અને ભૌતિકશાસ્ત્રના બીજા ભાગોમાં ગણિતશાસ્ત્રનો મોટા પ્રમાણમાં વિનિયોગ કર્યો. 1811માં પ્રકાશિત થયેલો તેમનો ‘ટ્રીટાઇઝ ઑન મિકેનિક્સ’ નામનો ગ્રંથ વર્ષો સુધી યંત્રશાસ્ત્રમાં પ્રમાણભૂત ગ્રંથ ગણાતો હતો. તેમના 1812ના પ્રકાશનમાં વિદ્યુત-સ્થિતિશાસ્ત્રના અગત્યના અને ઉપયોગી નિયમોનો સમાવેશ થયેલો છે. સ્થિર ગ્રહકક્ષા અંગેના લાગ્રાન્જ અને લાપ્લાસના કાર્યને તેમણે આગળ ધપાવ્યું. તેમણે ઉપવલયજ (ellipsoid) અને ગોલાભીય (spheroidal) પદાર્થો વડે લાગુ પડતા ગુરુત્વાકર્ષીય બળની રજૂઆત કરી. વીસમી સદીના ઉત્તરાર્ધમાં પૃથ્વીની પ્રદક્ષિણા કરતા ઉપગ્રહોની કક્ષાના ચોક્કસ માપન દ્વારા પૃથ્વીના આકારનો વિસ્તૃત ખ્યાલ મેળવવામાં તેનો ઉપયોગ થયો.

પ્વાસોંના બીજા કાર્યમાં કેશાકર્ષણ ક્રિયા(capilliary action)નો સિદ્ધાંત અને ઉષ્માનો ગાણિતિક સિદ્ધાંત આવે છે. સંભાવનાશાસ્ત્રમાં પ્વાસોંનું વિતરણ અને પ્વાસોંની મોટી સંખ્યાઓ માટેના નિયમો શરૂઆતમાં પ્રસિદ્ધ થયા. શુદ્ધ ગણિતમાં નિયત સંકલ ઉપરના તેમના શ્રેણીબદ્ધ સંશોધનપત્રો અને ફુરિયેશ્રેઢી પરની કાર્યપ્રગતિથી પીટર દિરિશ્લે અને બનાર્ડ રિમાન્નના તે વિષય પરના કાર્યને તેમણે વેગ આપ્યો. તેમણે ગુરુત્વાકર્ષણનો સિદ્ધાંત અને ચુંબકત્વમાં પણ કામ કર્યું છે. દિરિશ્લે સમસ્યાના ઉકેલમાં પ્વાસોં સંકલનો ઉપયોગ કરવામાં આવે છે.

શિવપ્રસાદ મ. જાની