ફકીર, શમ્સ (જ. 1843; અ. 1904) : ખ્યાતનામ અને પવિત્ર આધ્યાત્મિક કાશ્મીરી કવિ. તેઓ એક શ્રમજીવીના પુત્ર હતા. તેમનું પ્રથમ નામ મુહમ્મદ સિદ્દીક શેખ હતું. યુવાન-વયે તેઓ અમૃતસર ગયા. ત્યાં કોઈ કલંદર સાથે મેળાપ થયો અને તેમની ઝંખના મુજબ તે અધ્યાત્મવિદ્યાના સિદ્ધાંતો શીખ્યા.

ત્યાંથી તેઓ ખીણપ્રદેશમાં પાછા ફર્યા. અનંતનાગ ખાતે લગ્ન કરીને તેમના ભાઈ મુહમ્મદ શેખ રહેતા હતા ત્યાં ક્રીસપોર બડગામમાં સ્થાયી થયા. ત્યાં જ તેઓ અવસાન પામ્યા અને દફનાવાયા.

તેમની મોટાભાગની કવિતા જળવાઈ નથી; ફક્ત થોડાં ઊર્મિકાવ્યો જ સચવાયાં છે. તેમનાં કાવ્યોની શ્રેષ્ઠતા અને કલ્પનાશીલ ગરિમા તેમને કાશ્મીરના મોટા કવિઓમાં સ્થાન અપાવવા પર્યાપ્ત છે. તેમનાં અત્યંત લોકપ્રિય કાવ્યો પૈકીનું એક ‘પાડ’ તરીકે જાણીતું છે. તેનું શીર્ષક છે : ‘શૂન્યતાને પેલે પાર મારો નિવાસ હતો’. તે કાવ્ય રૂપકાત્મક કથાસ્વરૂપમાં લખાયું છે. તેમાં અનંતકાળથી વાસ્તવિકતા સુધી જીવનમાં સમાવિષ્ટ વિવિધરંગી સ્વપ્નો ગૂંથાયેલાં છે. શમ્સ ફકીરની કલ્પના અનંત અવકાશ અને કાળને ભરી દેવા વિજયાનંદ સાથે વિસ્તાર પામે છે અને ટૂંકા કાવ્ય રૂપે સંક્ષિપ્ત છતાં વિગતપૂર્ણ રીતે રજૂ થાય છે. કવિએ તેમની પોતાની રહસ્યમય રીતે માનવીની કપરી મનોદશા અને વિશ્વસંબંધી વિનાશક ઉત્પાતનું ચિત્ર રજૂ કર્યું છે.

તેમણે થોડી ગઝલો અને ‘વત્સન’ કાવ્યો લખ્યાં છે. તેમાં તેમણે પરંપરાગત ઉત્કટ શૃંગાર-તત્વનું ધાર્મિક–આધ્યાત્મિક તત્વ સાથે નિરૂપણ કર્યું છે. ઉચ્ચ કોટિના સંસ્કૃત શ્લોકો માટે પણ તેઓ જાણીતા છે. તે શ્લોકો ભાષાની વિવિધ તરેહોના છે તેમજ લાગણીવેડા અને છીછરાપણાથી મુક્ત રહ્યા છે.

બળદેવભાઈ કનીજિયા