પ્રાકૃત વ્યાકરણો : પ્રાકૃત ભાષા વિશે લખાયેલા વ્યાકરણ-ગ્રંથો. પ્રાકૃત ભાષાના વ્યાકરણને વ્યવસ્થિત રૂપ બહુ પાછળથી મળ્યું છે. પાણિનિ, કાત્યાયન અને પતંજલિ જેવા વૈયાકરણો પ્રાકૃતમાં થયા નથી. પ્રાકૃત વૈયાકરણોની બે પરંપરાઓ રહી છે : પૂર્વી અને પશ્ચિમી.
પ્રાકૃતપ્રકાશ : પશ્ચિમી પ્રાકૃત વ્યાકરણોમાં વરરુચિ(ઈ. સ. છઠ્ઠી શતાબ્દી)નું ‘પ્રાકૃતપ્રકાશ’ સૌથી પ્રાચીન, વ્યવસ્થિત અને પ્રમાણભૂત છે. રામશાસ્ત્રી તેલંગનું 1899માં, સી. કુન્હન રાજાનું 1946માં, હાર્ટ ફૉર્ડનું 1954માં, કોવેલનું 1968માં વગેરે અનેક સંસ્કરણો તે વ્યાકરણનાં બહાર પડ્યાં છે. 1927માં સરસ્વતીભવન સીરિઝ બનારસથી તથા ડૉ. પી. એલ. વૈદ્ય, દિનેશચંદ્ર સરકાર અને કે. પી. ત્રિવેદીનાં સંપાદનો પણ અનુક્રમે 1931, 1943 અને 1957માં પ્રકાશિત થયાં છે.
‘પ્રાકૃતપ્રકાશ’ પર કાત્યાયનની ટીકા ‘પ્રાકૃતમંજરી’, ભામહની ટીકા ‘મનોરમા’, વસંતરાજની ટીકા ‘પ્રાકૃતસંજીવની’, સદાનંદની ‘સદાનંદા’, નારાયણ વિદ્યાવિનોદની ‘પ્રાકૃતપાદ’ ટીકા, દક્ષિણ ભારતમાં પ્રચલિત રામપાણિવાદની ટીકા વગેરે જાણીતી છે.
પ્રાકૃતલક્ષણ : પ્રાકૃતનું બીજું વ્યાકરણ ચંડ(ઈ. સ.ની ત્રીજી-ચોથી શતાબ્દી)નું ‘પ્રાકૃતલક્ષણ’ છે, જેના ત્રણ અધ્યાયો અને 99 સૂત્રોમાં પ્રાકૃતનું વિવેચન છે. ભૂમિકા સહિત હોર્નેલ દ્વારા 1980માં કલકત્તાથી તેનું પ્રકાશન થયું છે. સત્યવિજય જૈન ગ્રંથમાળા, અમદાવાદથી પણ તેનું એક સંસ્કરણ બહાર પડ્યું છે.
સિદ્ધહેમશબ્દાનુશાસન : પ્રાકૃતના પશ્ચિમી પ્રદેશના વિદ્વાનોમાં આચાર્ય હેમચંદ્ર(1088–1172)નું નામ મોખરે છે. તેમનું પ્રાકૃત વ્યાકરણ એટલે ‘સિદ્ધહેમશબ્દાનુશાસન’નો આઠમો અધ્યાય.
પિશેલ-સંપાદિત 1877–80માં અને ડૉ. પી. એલ. વૈદ્ય-સંપાદિત 1936માં તથા તેનું સંશોધિત સંસ્કરણ 1958માં બહાર પડેલ છે. હેમચંદ્રાચાર્યે તેની ઉપર ‘પ્રકાશિકા’ નામે ટીકા લખી છે. તેની ઉપર બીજી પણ ટીકાઓ લખાઈ છે. ઉદયસૌભાગ્યગણિએ હેમચંદ્ર-વૃત્તિ પર ‘હૈમપ્રાકૃતવૃત્તિઢૂંઢિકા’ નામે ટીકા લખી છે. નરચન્દ્રસૂરિએ પણ હેમચંદ્રના પ્રાકૃત વ્યાકરણ પર ટીકા લખી છે.
પ્રાકૃતકામધેનુ : લંકેશ્વરે ‘પ્રાકૃતકામધેનુ’ અથવા ‘પ્રાકૃતલંકેશ્વર-રાવણ’ની રચના કરી છે. ડૉક્ટર મનમોહન ઘોષ દ્વારા સંપાદિત ‘પ્રાકૃતકલ્પતરુ’ સાથે તેનું પ્રકાશન થયું છે. 34 સૂત્રોમાં પ્રાકૃતના નિયમોનું વિવેચન છે. ઘણાં સૂત્રો અસ્પષ્ટ છે. અન્ય ગ્રંથની સંક્ષિપ્ત કૃતિ હોય એમ લાગે છે.
સંક્ષિપ્તસાર : ઈ. સ. બારમી-તેરમી શતાબ્દીમાં થઈ ગયેલા ક્રમદીશ્વરે ‘સંક્ષિપ્તસાર’ નામે પ્રાકૃત વ્યાકરણની રચના કરી છે. સૌથી પહેલાં લાસ્સને તેનો ઉલ્લેખ કર્યો છે. 1839માં ડેલાઉસ દ્વારા અને ત્યારબાદ રાજેન્દ્રલાલ મિત્ર દ્વારા તેનું પ્રકાશન થયું છે. 1889માં કલકત્તાથી પણ તેનું એક સંસ્કરણ બહાર પડ્યું છે.
‘સંક્ષિપ્તસાર’ના ‘પ્રાકૃતપાદ’ નામના આઠમા અધ્યાયમાં પ્રાકૃત વ્યાકરણનું વિવરણ છે. સામગ્રી, સજાવટ, પારિભાષિક શબ્દો આદિમાં હેમચંદ્રનું નહિ; પણ વરરુચિનું અનુકરણ છે. ‘સંક્ષિપ્તસાર’ પર ઘણી ટીકાઓ લખાઈ છે. ક્રમદીશ્વરે સ્વોપજ્ઞ ટીકા લખી છે, જેની ઉપર પણ ટીકા લખાઈ છે.
પ્રાકૃતશબ્દાનુશાસન : તેરમી શતાબ્દીમાં થઈ ગયેલા ત્રિવિક્રમે ‘પ્રાકૃતશબ્દાનુશાસન’ની રચના કરી છે. તેઓ દિગંબર જૈન હતા. ‘પ્રાકૃતશબ્દાનુશાસન’માં તેમણે હેમચંદ્રનું અનુસરણ કર્યું છે. તેનો પ્રથમ અધ્યાય ગ્રંથપ્રદર્શિની વિશાખાપટ્ટનથી 1896માં પ્રકાશિત થયેલ છે. ઉપરાંત ટી. લડ્ડૂ દ્વારા 1912માં અને પી. એલ. વૈદ્ય દ્વારા 1954માં તે સંપાદિત અને પ્રકાશિત થયેલ છે.
ત્રિવિક્રમે પોતાના વ્યાકરણ પર સ્વોપજ્ઞ વૃત્તિ લખી છે. પ્રાકૃત રૂપોના વિવેચનમાં તેમણે હેમચંદ્રનો આધાર લીધો છે. એમાં ત્રણ અધ્યાય છે અને દરેક અધ્યાયના ચાર ચાર પાદ છે.
પ્રાકૃતરૂપાવતાર : ‘પ્રાકૃતરૂપાવતાર’ના કર્તા પંદરમી શતાબ્દીના પૂર્વાર્ધમાં થઈ ગયેલા સિંહરાજ મનાય છે. હૉબ્સ દ્વારા સંપાદિત આ ગ્રંથનું રૉયલ એશિયાટિક સોસાયટીએ પ્રકાશન કર્યું છે. સિંહરાજે પૂર્વ (12–42), કૌમાર (કાંતંત્ર) અને પાણિનીય વ્યાકરણોનો ઉલ્લેખ કર્યો છે. વસ્તુત: ત્રિવિક્રમને આધાર માની આ વ્યાકરણની રચના કરવામાં આવી છે, જે છ ભાગ અને 22 અધ્યાયોમાં વિભાજિત છે.
ષડ્ભાષાચંદ્રિકા : આંધ્રપ્રદેશના વતની લક્ષ્મણસૂરિના નામે ઓળખાતા લક્ષ્મીધરે ‘ષડ્ભાષાચંદ્રિકા’માં પ્રાકૃતોનું તુલનાત્મક અધ્યયન કર્યું છે. કમળાશંકર પ્રાણશંકર ત્રિવેદી દ્વારા 1916માં આનું પ્રકાશન થયેલું છે. આ ગ્રંથમાં પ્રાકૃત, શૌરસેની, માગધી, પૈશાચી, ચૂલિકાપૈશાચી અને અપભ્રંશનું વિસ્તારથી વિવેચન છે. લક્ષ્મીધરે ત્રિવિક્રમ, હેમચંદ્ર અને ભામહને ગુરુ માન્યા છે.
પ્રાકૃતમણિદીપ : ‘પ્રાકૃતમણિદીપ’ના કર્તા અપ્પય્ય દીક્ષિત (ઈ. સ. 1553થી ઈ. સ. 1636) શૈવ ધર્માનુયાયી હતા. શ્રીનિવાસ ગોપાલાચાર્યની ટિપ્પણી સહિત, મૈસૂરથી 1954માં તેનું પ્રકાશન થયું છે. અપ્પય્ય દીક્ષિતે પોતાના ગ્રંથમાં ત્રિવિક્રમ, હેમચંદ્ર અને લક્ષ્મીધરનો ઉલ્લેખ કર્યો છે.
પ્રાકૃતાનન્દ : અઢારમી શતાબ્દીમાં થઈ ગયેલા પંડિત રઘુનાથે ‘પ્રાકૃતાનન્દ’ની રચના કરી છે. તેનાં 419 સૂત્રો છે. તેમણે વરરુચિના ‘પ્રાકૃતપ્રકાશ’નો આધાર લીધો છે.
પ્રાકૃતાનુશાસન : પૂર્વી વ્યાકરણોમાં ‘પ્રાકૃત શબ્દાનુશાસન’ સૌથી પ્રાચીન છે. બારમી શતાબ્દીમાં બંગાળમાં થઈ ગયેલા પુરુષોત્તમે આની રચના કરી છે. શ્રીમતી એલ. નિત્તી ડૌલ્ચી દ્વારા ફ્રેન્ચ ભૂમિકા સાથે 1938માં પૅરિસથી અને ડૉ. મનમોહન ઘોષ દ્વારા સંપાદિત ‘પ્રાકૃત-કલ્પતરુ’ સાથે અંગ્રેજી અનુવાદસહ આનું પ્રકાશન પણ થયું છે. તેના 3થી 20 અધ્યાય છે. ત્રીજો અધ્યાય અધૂરો છે.
પ્રાકૃતકલ્પતરુ : બંગાળના રામશર્મા ભટ્ટાચાર્યે (ઈ. સ. સત્તરમી શતાબ્દી) ‘પ્રાકૃતકલ્પતરુ’ની રચના કરી છે. ડૉ. મનમોહન ઘોષ દ્વારા સંપાદિત ‘પ્રાકૃતાનુશાસન’, ‘પ્રાકૃતકામધેનુ’ અને ‘પ્રાકૃતલક્ષણ’ સાથે 1954માં આનું પ્રકાશન થયું છે. રામશર્મા પુરુષોત્તમના ‘પ્રાકૃતાનુશાસન’ને અનુસર્યા છે. પ્રાકૃતકલ્પતરુ ઉપર લેખકની સ્વોપજ્ઞ ટીકા પણ છે.
પ્રાકૃતસર્વસ્વ : ઈ. સ. સત્તરમી શતાબ્દીમાં ઓરિસામાં થઈ ગયેલા માર્કણ્ડેય તથા શાકલ્ય, ભરત, કોહલ, વરરુચિ, ભામહ વગેરેનું અવલોકન કરી ‘પ્રાકૃતસર્વસ્વ’ની રચના કરી છે. ભટ્ટનાથ સ્વામીએ સંપાદન કરીને 1927માં આને પ્રકાશિત કરાવ્યું છે.
આ ઉપરાંત કેટલાક જૈન અને અજૈન વિદ્વાનોએ પ્રાકૃત વ્યાકરણોની રચના કરી છે. હેમચંદ્રનું અનુસરણ કરી શુભચંદ્રે ‘શબ્દચિંતામણિ’ની, શ્રુતસાગરે ‘ઔદાર્યચિંતામણિ’ની, સમન્તભદ્રે ‘પ્રાકૃતવ્યાકરણ’ની અને દેવસુંદરે ‘પ્રાકૃતયુક્તિ’ની રચના કરી છે. અજૈન વિદ્વાનોમાં નરસિંહે ‘પ્રાકૃતશબ્દપ્રદીપિકા’ની, શેષકૃષ્ણ પંડિતે ‘પ્રાકૃતચંદ્રિકા’ની અને ‘પ્રાકૃતપિંગલટીકા’ના રચયિતા વામનાચાર્યે ‘પ્રાકૃતચંદ્રિકા’ની રચના કરી છે. આ ઉપરાંત ‘પ્રાકૃતકૌમુદી’, ‘પ્રાકૃતસાહિત્યરત્નાકર’, ‘ષડ્ભાષા-સુબન્તાદર્શ’, ‘ભાષાર્ણવ’ આદિ વ્યાકરણવિષયક રચનાઓ થઈ છે.
આધુનિક પદ્ધતિથી પ્રાકૃત વ્યાકરણોનો અભ્યાસ કરી યુરોપના વિદ્વાનોએ કરેલી કેટલીક રચનાઓ પણ નોંધપાત્ર છે; જેમાં હોએફ (ઈ. સ. 1836), લાસ્સન (ઈ. સ. 1839), કોવેલ (ઈ. સ. 1875), હોગ (ઈ. સ. 1869) વગેરેની રચનાઓનો સમાવેશ થાય છે. એડવર્ડ મ્યુલરે અર્ધમાગધી પર, હરમન યાકોબીએ મહારાષ્ટ્રી પર અને વેબરે મહારાષ્ટ્રી અને અર્ધમાગધી પર કામ કર્યું છે. રિચર્ડ પિશલનું 1990માં સ્ટ્રૅસબર્ગથી પ્રકાશિત થયેલ વ્યાકરણ ખૂબ જાણીતું છે. ડૉ. હેમચંદ્ર જોશીએ કરેલું તેનું હિન્દી રૂપાંતર ‘प्राकृत भाषाओ का व्याकरण’ બિહાર રાષ્ટ્રભાષા પરિષદ દ્વારા પ્રકાશિત થયેલ છે.
કાનજીભાઈ પટેલ