પ્રાકૃતલક્ષણ : પ્રાકૃત ભાષાનો વ્યાકરણગ્રંથ. ‘પ્રાકૃતલક્ષણ’ના કર્તા ચંડ છે. તેમના સમય વિશે કોઈ નિશ્ચિત માહિતી મળતી નથી.

‘પ્રાકૃતલક્ષણ’એ સંક્ષિપ્ત રચના છે, ક્યારેક અપૂર્ણ હોય તેમ પણ લાગે છે. અહીં જે સામાન્ય પ્રાકૃત ભાષાના નિયમો આપવામાં આવ્યા છે તે પ્રાચીન પ્રાકૃત ભાષાના હોય તેમ લાગે છે. અહીં મધ્યવર્તી અલ્પપ્રાણ વ્યંજનોનો લોપ દર્શાવવામાં આવ્યો નથી. ક્ વર્ગના વર્ણોમાં કેવળ ક્ અને તૃતીય વર્ણ ગના લોપનું વિધાન મળે છે.

આ ગ્રંથમાં કુલ 99 કે 103 સૂત્ર છે, જે ચાર પાદમાં વિભક્ત છે. પ્રારંભમાં પ્રાકૃત શબ્દનાં ત્રણ સ્વરૂપ તદભવ, તત્સમ અને દેશ્ય શબ્દોની સમજ આપવામાં આવી છે. પહેલા પાદનાં પાંચથી પાંત્રીસ સૂત્રો સુધી સંજ્ઞા અને સર્વનામની વિભક્તિ વિશે નિરૂપણ છે. બીજા પાદનાં ઓગણત્રીસ સૂત્રોમાં સ્વરૂપ-પરિવર્તન, શબ્દાદેશો અને અવ્યયનું કથન છે. ત્રીજા પાદનાં પાંત્રીસ સૂત્રોમાં વ્યંજન-પરિવર્તનના નિયમો આપવામાં આવ્યા છે. ચોથા પાદમાં માત્ર ચાર જ સૂત્રો છે. તેમાં અપભ્રંશ, પૈશાચી, માગધી અને શૌરસેની ભાષાનો એક એક સૂત્રમાં ઉલ્લેખ કરી તેમની સામાન્ય વિશેષતા દર્શાવવામાં આવી છે. કેટલાક વિદ્વાનો એને ઉપલબ્ધ પ્રાકૃત વ્યાકરણોમાં સૌથી પ્રાચીન વ્યાકરણગ્રંથ માને છે અને તેથી તેનું મહત્વ સવિશેષ છે.

સલોની નટવરલાલ જોશી