પ્રાકૃતિક ઔષધોનું મૂલ્યાંકન
February, 1999
પ્રાકૃતિક ઔષધોનું મૂલ્યાંકન
ઔષધિનાં અભિજ્ઞાન, શુદ્ધતા અને ગુણવત્તાનું નિર્ધારણ. શુદ્ધતા એ પદાર્થની અનુપસ્થિતિ અને ગુણવત્તા એ ઔષધિની સક્રિયતા તથા એના અંત:સ્થ ગુણો નક્કી કરે છે. ઔષધિનું મૂલ્યાંકન ત્રણ હેતુસર જરૂરી છે : (1) ઔષધિમાં જીવરાસાયણિક પરિવર્તન; (2) સંચયન દરમિયાન ઔષધિમાં અવનતિ (deterioration); (3) પ્રતિસ્થાપન અને અપમિશ્રણ.
વિશ્વ સ્વાસ્થ્ય સંગઠને (World Health Organization, WHO) હાલ પ્રાકૃતિક ઔષધોને રાષ્ટ્રીય સ્વાસ્થ્ય સંભાળ (national health care) કાર્યક્રમમાં મહત્તા આપી છે અને તેને અગ્રતાક્રમ આપવા ભલામણ કરેલ છે. પ્રાકૃતિક ઔષધો સરળતાથી, ઓછી કિંમતે મળી શકે છે. તે ઓછી આડઅસરોવાળાં અને આમજનતાને વિશ્વાસ પડે તેવાં હોય છે. આવાં પ્રાકૃતિક ઔષધો નવા વિકાસશીલ બજારમાં પૂરતા જથ્થામાં મળી શકતાં હોવાથી તેમની ગુણવત્તા નક્કી કરવા માટે આંતરરાષ્ટ્રીય માર્ગદર્શન તથા પદ્ધતિસરનું જ્ઞાન જરૂરી છે. WHOના ઠરાવોમાં આથી જ જણાવવામાં આવ્યું છે કે પ્રાકૃતિક ઔષધો અને તેમનાં ઉત્પાદનોની ગુણવત્તા નક્કી કરવા માટે આધુનિક પદ્ધતિઓ અને યોગ્ય માનકો (standards) જરૂરી છે.
WHOના માર્ગદર્શન સિવાય પણ વિશ્વના ઘણા ઔષધિસંગ્રહો(ઔષધક્રિયાકલ્પો, pharmacopoeia)એ પ્રાકૃતિક ઔષધોની ગુણવત્તા નક્કી કરવા અનેક રીતો જણાવી છે. WHOએ સૂચવેલાં બધાં જ અંકુશરૂપ પરિમાણોનો તેમાં સમાવેશ થઈ જાય છે. ઔષધિસંગ્રહોમાં બધાં જ ઔષધોનું વર્ણન, રોગનિવારક માહિતી, પ્રતિકૂળ પ્રતિક્રિયા તથા સંચયન-પદ્ધતિ વગેરે અંગે માર્ગદર્શન હોય છે. અગત્યના ઔષધિસંગ્રહો આ પ્રમાણે છે : ઇન્ડિયન ફાર્માકોપિયા; બ્રિટિશ ફાર્માકોપિયા; ઇન્ટરનૅશનલ ફાર્માકોપિયા; બ્રિટિશ હર્બલ ફાર્માકોપિયા; બ્રિટિશ હર્બલ કૉમ્પેડિયમ; ચાઇનીઝ ફાર્માકોપિયા; જાપાનીઝ સ્ટાન્ડર્ડ ફૉર હર્બલ મેડિસિન; આયુર્વેદિક ફૉર્મ્યુલરી ઑવ્ ઇન્ડિયા; ફાર્માકોપિયલ સ્ટાન્ડર્ડ્ઝ ફૉર આયુર્વેદિક ફૉર્મ્યુલેશન્સ; આયુર્વેદિક ફાર્માકોપિયા ઑવ્ ઇન્ડિયા.
શરૂઆતમાં ઔષધોનું મૂલ્યાંકન અથવા તેની પરખ સાહિત્યમાં આપેલ વર્ણન સાથે અથવા તેનાં માનકો સાથે સરખામણી કરીને કરવામાં આવતી હતી. હાલમાં આધુનિક રાસાયણિક જ્ઞાનને કારણે ઔષધમાં રહેલા ઘટકોનું પરિમાપન કરીને તેની ગુણવત્તા જાણી શકાય છે.
ઔષધિના મૂલ્યાંકનનો અભ્યાસ નીચે પ્રમાણેની જુદી જુદી પદ્ધતિઓથી થઈ શકે છે :
1. આકારકીય તથા સંવેદી લક્ષણ; 2. સૂક્ષ્મદર્શી લક્ષણ; 3. ભૌતિક મૂલ્યાંકન; 4. રાસાયણિક મૂલ્યાંકન; 5. જૈવિક મૂલ્યાંકન.
1. આકારકીય તથા સંવેદી લક્ષણ : ઔષધો જો આખાં હોય તો તેની ઓળખાણ તેનાં બાહ્ય લક્ષણો જેવાં કે કદ, આકાર, ભગ્નતા, સપાટી વગેરેથી થાય છે.
સંવેદી લક્ષણો તેનાં રંગ, વાસ, સ્વાદ અને સઘનતાનો નિર્દેશ કરે છે. ઔષધિઓમાં પર્ણનો રંગ લીલો હોય છે અને પ્રકાંડનો કથ્થાઈ. ફૂલોનો રંગ તેના પ્રકાર પ્રમાણે હોય છે. ઘણીખરી ઔષધિઓ, ખાસ કરીને બાષ્પશીલ ઘટકોવાળી ઔષધિઓ, તેની સુવાસથી તુરત જ ઓળખાય છે.
કેટલીક ઔષધિઓ સ્વાદે કડવી (દા.ત., ઝેરકચોળું), કેટલીક તિક્ત, (તીખી) (દા.ત., મરચું, સૂંઠ વગેરે), કેટલીક મીઠી (દા.ત., જેઠીમધ) તો કેટલીક તૂરી (દા.ત., હરડે) હોય છે. સઘનતા ગઠન અને વિભંગની પ્રકૃતિ જેવી કે સ્પર્શ, સ્ફુટન વગેરે દર્શાવે છે.
2. સૂક્ષ્મદર્શી લક્ષણ : ઔષધિઓ આખી, ભગ્ન અથવા ચૂર્ણ અવસ્થામાં હોય તો સૂક્ષ્મદર્શી લક્ષણથી ઓળખી શકાય છે. દરેક ઔષધિ પોતાની પેશીઓના અભિલાક્ષણિક વિન્યાસ અને નૈદાનિક અવયવો ધરાવે છે. નૈદાનિક ઘટકો જેવા રે રંધ્ર, લોમ, સ્ટાર્ચ, કૅલ્શિયમ ઑક્ઝલેટ, ઢકોશિકા, વાહિકા અને તંતુઓ ઔષધિમાં તથા તેના ચૂર્ણમાં દીર્ઘસ્થાયી હોય છે અને તેનાથી તે ઓળખી શકાય છે.
ઔષધિના ચૂર્ણમાં અથવા તો તેના છેદમાં અલ્પ પ્રમાણમાં રહેલા ઘટકો સૂક્ષ્મરાસાયણિક ક્રિયાથી શોધી શકાય છે. આને સૂક્ષ્મરસાયણ (microchemistry or chemomicroscopy) કહેવાય છે (આકૃતિ 1).
ઔષધિઓમાં બીજા યોગ્ય પ્રક્રિયક સાથે રંગ કે અવક્ષેપન આપતો ઘટક હોય તો તે પ્રક્રિયા સીધી સ્લાઇડ પર કરવામાં આવે છે; દા.ત., લિગ્નિન ફ્લોરોગ્લૂસિનૉલ અને જલદ હાઇડ્રોક્લૉરિક ઍસિડ સાથે ગુલાબી રંગ અને સ્ટાર્ચ આયોડીન સાથે વાદળી રંગ બતાવે છે.
રહૂબાર્બ જેવાં ઔષધોને જો ગરમ કરવામાં આવે તો તેમાં રહેલા ચોક્કસ ઘટકનું ઊર્ધ્વપાતન થાય છે. આ ઊર્ધ્વપાતન સ્લાઇડ ઉપર જ બીજી સ્લાઇડ સહેજ ઢળતી મૂકીને કરવામાં આવે છે.
માત્રાત્મક સૂક્ષ્મદર્શિકી (quantitative microscopy) : ઔષધિનાં અવયવ, પેશી, સ્ટાર્ચ-કણ વગેરેનું સૂક્ષ્મદર્શી રેખીય માપન તથા પૅલિસેડ ગુણોત્તર (pallisade ratio) જેવાં પર્ણનાં માત્રાત્મક નિયતાંક, શિરાદ્વીપ અંક (veinistet number), શિરિકાસમાપ્તિ-અંક (veintermination number), રંધ્રીય સૂચકાંક (stomatal index) અને લાયકોપોડિયમ સ્પોર-પદ્ધતિ ઔષધિનાં અભિજ્ઞાન અને શુદ્ધતા નિર્ધારિત કરવા માટે ઉપયોગી છે.
સૂક્ષ્મદર્શી રેખીય માપન : સ્ટાર્ચ-કણનાં વ્યાસ, કૅલ્શિયમ ઑક્ઝલેટ સ્ફટિકો, તંતુઓ, વાહિકા અને વાહિનિકાની લંબાઈ અને પહોળાઈ ઔષધિને ઓળખવામાં ઉપયોગી હોય છે.
શિરાદ્વીપ અંકરંધ્રીય સૂચકાંક અને પૅલિસેડ અનુપાત પર્ણની સમીપની સંબંધિત જાતિના અભિજ્ઞાન માટે ઉપયોગી છે. દર ચોમિમી.દીઠ ર્દઢકોશિકાની સંખ્યાથી ઇલાયચીની જુદી જુદી જાતો ઓળખી શકાય છે. જો ઔષધિમાં સ્ટાર્ચ, ર્દઢકોશિકા, પરાગરજ જેવા ગણી શકાય તેવા નૈદાનિક અવયવો હોય તો લાયકોપોડિયમ સ્પોર-પદ્ધતિથી ઔષધિની શુદ્ધતા નક્કી કરી શકાય છે. આ રીતથી લવિંગ, લવિંગની દાંડી, સૂંઠ, જાયફળ અને ઝેરકચોળાની પ્રતિશત શુદ્ધતા નક્કી કરી શકાય છે.
3. ભૌતિક મૂલ્યાંકન : ઔષધિનાં અભિજ્ઞાન, શુદ્ધતા અને ગુણવત્તા નિર્ધારિત કરવામાં ભૌતિક અચળાંકો ઉપયોગી નીવડે છે.
(ક) આર્દ્રતા (moisture content) : ઔષધિમાં આર્દ્રતા મર્યાદા કરતાં વધારે હોય તો ઔષધિ અવકૃષ્ટ લેખાય.
જ્ઞાત વજનવાળી ઔષધિને 105° સે. તાપમાને, તેનું વજન અચળ થાય ત્યાં સુધી ગરમ કરવાથી તેના વજનમાં જે ઘટ પડે તે તપાસીને તેની આર્દ્રતા નક્કી કરી શકાય છે; દા.ત., એળિયામાં ભેજ 10% (w/w)થી વધુ, ડિજિટાલિસમાં 5%(w/w)થી અને અર્ગોટમાં 8%(w/w)થી વધુ હોવો ન જોઈએ.
(ખ) શ્યાનતા (viscosity) : શ્યાનતા એ પ્રવાહી પદાર્થની તરલતા(fluidity)નો ખ્યાલ આપે છે. પ્રવાહી ઔષધિઓના માનકીકરણ માટે તે ઉપયોગી છે; દા.ત., પાયરૉક્સિલિનની શુદ્ધગતિક (kinematic) શ્યાનતા 1100થી 2450 સેન્ટિસ્ટોક (cm2 s–1) હોય છે. શ્યાનતા માપવા માટે વિસ્કોમિટર ઉપયોગમાં લેવાય છે.
(ગ) ગલનબિંદુ (melting point) : કોઈ પણ શુદ્ધ ઔષધિનું ગલનબિંદુ નિશ્ચિત હોય છે. તેથી જ ગલનબિંદુને પદાર્થની શુદ્ધતાના માપદંડ તરીકે ગણવામાં આવે છે; દા.ત., કોલોફોનીનું 75°થી 85°, મધમાખીના મીણનું 62°થી 65° સે. વગેરે.
(ઘ) દ્રાવ્યતા (solubility) : 1 ગ્રા. ઔષધિ કેટલાં મિલી. પાણીમાં અથવા તો આલ્કોહૉલમાં દ્રાવ્ય થઈ શકે છે તે જોઈ તેના પરથી તેની દ્રાવ્યતાનું માપન થાય છે અને ઔષધિની શુદ્ધતામાં માપદંડ તરીકે તે ઉપયોગી થાય છે; દા.ત., 1 ગ્રા. ઍટ્રોપીન સલ્ફેટ 0.4 મિલી. પાણીમાં, 4 મિલી. આલ્કોહૉલમાં અને 2.4 મિલી. ગ્લિસરીનમાં દ્રાવ્ય થઈ શકે છે.
(ઙ) પ્રકાશીય ઘૂર્ણન (optical rotation) : જેના અણુમાં કિરલ-કાર્બન હોય તેવા પદાર્થો ધ્રુવીભૂત પ્રકાશના અસમ તલનું ઘૂર્ણન કરે છે. તેના વડે પણ પદાર્થની શુદ્ધતા જાણી શકાય છે. પિપરમીટ અને તજનું તેલ જેવાં બાષ્પશીલ તેલો; ડેક્સ્ટ્રૉઝ, લૅક્ટોઝ જેવી શર્કરાઓ; વિટામિન સી અને રાઇબોફ્લેવિન જેવાં વિટામિનો; ક્લૉરોમ્ફેનિકોલ જેવાં પ્રતિજીવીઓ; કોલેસ્ટેરૉલ, કૉઇડ્રોકૉર્ટિઝોન જેવાં સ્ટીરૉઇડ અને કપૂર વગેરેની શુદ્ધતાની ચકાસણી માટે આ રીત અગત્યની છે. શુદ્ધતા ઉપરાંત ચિકિત્સામૂલ્ય નક્કી કરવામાં પણ તે અગત્યનો ભાગ ભજવે છે.
(ચ) વક્રીભવનાંક (refractive index) : સામાન્ય રીતે વક્રીભવનાંક 20° સે. તાપમાને માપવામાં આવે છે. આ માટે વક્રીભવનાંક-માપક (refractometer) ઉપયોગમાં લેવાય છે. વક્રીભવનાંકનાં મૂલ્યો 1.32થી 1.7 સુધીમાં હોય છે.
(છ) કુલ રાખ (total ash) : ઔષધનું ભસ્મીકરણ કર્યા પછી જે અવશેષ રહે તેને રાખ કહે છે. મહદંશે તે અકાર્બનિક દ્રવ્યનું પ્રતિનિધિત્વ ધરાવે છે.
કોઈ પણ જાતની અશુદ્ધિ કે રેતી જો ઔષધમાં હોય તો ઍસિડ-અદ્રાવ્ય રાખથી નક્કી કરી શકાય છે; દા.ત.,
ઔષધિ કુલ રાખ % w/w ઍસિડ–અદ્રાવ્ય રાખ % w/w
ભાંગ, ચરસ, ગાંજો 15% 5%
ઇલાયચી 6% 3.5%
લવિંગ 7% 0.75%
જળદ્રાવ્ય રાખ ઔષધિની શુદ્ધતા કરતાં તેની ગુણવત્તા નક્કી કરવામાં વધુ ઉપયોગી છે.
(જ) નિષ્કર્ષ (extract) : ઔષધોના ઘટકોની અનેકરૂપતા તેમનાં રાસાયણિક ગુણધર્મો અને પ્રકૃતિ નક્કી કરવા જુદા જુદા દ્રાવકો નિષ્કર્ષણ માટે ઉપયોગમાં લેવાય છે. (i) જળદ્રાવ્ય-નિષ્કર્ષ : તે ફક્ત પાણીમાં દ્રાવ્ય ઘટકો માટે જ વપરાય છે; દા.ત., શર્કરા, ટૅનિન, મ્યુસિલેજ વગેરે. જેઠીમધમાં 20%, જેન્શિયન(gentian)માં 33% અને સૂંઠમાં 10% કરતાં જળદ્રાવ્ય-નિષ્કર્ષ ઓછો હોતો નથી. (ii) આલ્કૉહોલ-દ્રાવ્ય-નિષ્કર્ષ : આલ્કોહૉલ એ નિષ્કર્ષણ માટે એક આદર્શ દ્રાવક છે. તે માટે લગભગ 95% આલ્કોહૉલ વપરાય છે. 90% આલ્કોહૉલમાં એળિયો 10% w/w, સૂંઠ 4.5% w/w અને હિંગ 40.0% w/wથી વધારે નિષ્કર્ષિત થતાં નથી. (iii) ઈથર-દ્રાવ્ય-નિષ્કર્ષ : તે બે પ્રકારના હોય છે : (1) બાષ્પશીલ ઈથર-દ્રાવ્ય નિષ્કર્ષ અને (2) અબાષ્પશીલ ઈથર-દ્રાવ્ય નિષ્કર્ષ. બાષ્પશીલ ઈથર-દ્રાવ્ય નિષ્કર્ષ બાષ્પશીલ તેલ કેટલું છે તે દર્શાવે છે, જ્યારે અબાષ્પશીલ ઈથર-દ્રાવ્ય-નિષ્કર્ષ બાષ્પશીલ ન હોય તેવાં રેઝિન, સ્થાયી (fixed) તેલ અથવા તો રંગીન દ્રવ્યો ઔષધિમાં કેટલાં છે તે દર્શાવે છે. બાષ્પશીલ ન હોય તેવાં દ્રવ્યો મરચામાં 12.0% w/w; જ્યારે જાયફળમાં 25.0% w/w હોય છે.
(ઝ) બાષ્પશીલ તેલના અંશ : સુગંધિત ઔષધિઓમાં બાષ્પશીલ તેલ હોય છે. તેની ગુણવત્તા તેમાં કેટલું બાષ્પશીલ તેલ હોય છે તેના પરથી નક્કી થાય છે; દા.ત., શાહજીરુંમાં 2.4% w/wથી વધારે નહિ, લવિંગમાં 15.0% w/wથી વધારે નહિ; ઇલાયચીમાં 4.0% w/wથી વધારે નહિ.
(ઞ) અવશેષી તંતુ : તે ઔષધિના ઍસિડ તથા ક્ષાર સાથેની અભિક્રિયા પછીનાં અવશેષી ઉત્તક છે. જો ઔષધિના અવયવો અથવા ઉત્તકો રંગ અથવા બીજા ઘટકથી ઢંકાયેલા હોય તો અવશેષી તંતુ ગુણાત્મક ર્દષ્ટિએ વપરાય છે. આ અભિક્રિયાથી વાહિકાઓ, તંતુઓ અને ઢકોશિકાઓ સારી રીતે દેખાય છે.
(ટ) પ્રતિદીપ્તિ વિશ્લેષણ : આ વિશ્લેષણમાં ઔષધિઓ આખી અથવા ચૂર્ણ અવસ્થામાં, દ્રાવણમાં અથવા નિષ્કર્ષમાં જોઈ શકાય છે. પ્રવાહી માટે અપ્રતિદીપ્ત પાત્ર હોવું જરૂરી છે. જો ક્વિનાઇનનું સલ્ફ્યુરિક ઍસિડ સાથેનું દ્રાવણ પ્રદીપ્ત કરવામાં આવે તો તે ભિન્ન પ્રકારના રંગ અને પ્રકાશનું ઉત્સર્જન કરે છે. આ ઉત્સર્જિત પ્રકાશને પ્રતિદીપ્તિ કહેવાય છે.
(ઠ) વર્ણલેખન (chromatography) : સ્થિર પ્રાવસ્થા ઉપરથી ગતિશીલ પ્રાવસ્થા પસાર થતાં ગતિશીલ પ્રાવસ્થાના વહેણની દિશામાં મિશ્રણના ઘટકો ભિન્ન ભિન્ન ગતિથી વહન કરે છે. બંને પ્રાવસ્થા વચ્ચે સતત વિનિમય થયા કરે છે અને ઘટકોની બંને પ્રાવસ્થા માટેની જુદી જુદી બંધુતા(affinity)ને કારણે ઘટકો અલગ પડે છે. વર્ણલેખન-પદ્ધતિમાં સ્થિર પ્રાવસ્થા કાં તો સક્રિય ઘન અધિશોષક હોઈ શકે અથવા તો આધારરૂપ ઘન પદાર્થ ઉપર અવશોષિત પ્રવાહીના પાતળા સ્તર રૂપે હોઈ શકે. સ્થિર પ્રાવસ્થા ઉપર અલગ પડેલ અવશોષિત ઘટકોના પટ્ટારૂપ ચિત્રણને વર્ણલેખન કહે છે. આ વર્ણલેખનમાંના ઘટકો ક્ષાલન(clution)થી મેળવી લેવાય છે. આમ, વર્ણલેખન-મિશ્રણમાંના ઘટકોને અલગ કરવાની બહુ જ સંવેદી રીત છે.
જૈવ ઘટકોને અલગ કરવા માટે દ્વિપરિમાણી (two dimensional) વર્ણલેખન-પદ્ધતિ જરૂરી છે. તેમાં બે અલગ દ્રાવકો ઉપયોગમાં લેવાય છે.
વર્ણલેખનના પ્રકારો આ પ્રમાણે છે : (i) સ્તંભ(column)-વર્ણલેખન; (ii) જેલ પારગમન (gel permeation), જેલ-ગાળણ (gel filtration)-વર્ણલેખન, આણ્વિક ચાળણી-વર્ણલેખન (molecular sieve chromatography), (iii) આયનવિનિમય(ion exchage)-વર્ણલેખન (iv) બંધુતા(affinity)-વર્ણલેખન; (v) પત્ર(paper)-વર્ણલેખન; (vi) વાયુ-વર્ણલેખન (gas chromatography); (vii) તનુસ્તર(thin layer)-વર્ણલેખન; (viii) ઉચ્ચ-નિષ્પાદન પ્રવાહી- વર્ણલેખન (high performance liquid chromatography – HPLC); (ix) ઉચ્ચ નિષ્પાદન તનુસ્તર-વર્ણલેખન (high performance thin layer chromatography – HPTLC)
(i) સ્તંભ-વર્ણલેખન : આ પદ્ધતિ ખૂબ જ જૂની છે; છતાં પણ તે નિષ્કર્ષણ માટે ઘણી ઉપયોગી છે. હાલના તબક્કે તે બીજી પદ્ધતિઓ જેવી કે જેલ-પારગમન, આયનવિનિમય-વર્ણલેખન, બંધુતા-વર્ણલેખન વગેરેમાં વ્યુત્પન્ન થઈ છે.
(ii) જેલ-પારગમન-વર્ણલેખન, જેલ-ગાળણ-વર્ણલેખન : આ પદ્ધતિનો ઉપયોગ પ્રોટીન અને પૉલિપેપ્ટાઇડ જેવા મોટા જૈવિક અણુઓને અલગ પાડવા માટે થાય છે. પ્રોટીનના દ્રાવણને વિલવણન (desalting) કરવા માટે, અણુનું કદ નક્કી કરવા માટે પણ તે વાપરી શકાય છે.
(iii) આયનવિનિમય-વર્ણલેખન : આ પદ્ધતિ વીસમી સદીના છેલ્લા દાયકાના ઉત્તરાર્ધથી ઘણી જ વિકસાવવામાં આવી છે. વિશિષ્ટ પ્રકારના કેટાયન અને એનાયન વિનિમય રેઝિન જેવા અદ્રાવ્ય અધિશોષક પદાર્થોનો આ રીતમાં ઉપયોગ કરવામાં આવે છે.
(iv) બંધુતા-વર્ણલેખન : આ એક ઉત્ક્રમણીયતા અધિશોષણ-પદ્ધતિ છે. તે પ્રોટીન, પેપ્ટાઇડ, ઉત્સેચકો, પ્રતિજન અને પ્રતિપિંડ, ન્યૂક્લીઇક ઍસિડ, રાઇબોઝોન વગેરેને અલગ કરવા માટે ઉપયોગી છે.
(v) પત્ર-વર્ણલેખન : સેલ્યુલોઝના તાંતણામાં રહેલું પાણી સ્થિર પ્રાવસ્થા તરીકે કામ કરે છે. ગતિશીલ પ્રાવસ્થા તરીકે કાર્બનિક પ્રવાહી વાપરવામાં આવે છે. સેલ્યુલોઝમાં રહેલાં પરિકલ્પિત (hypothetical) પાણીના કોષ અને ગતિમાન કાર્બનિક પ્રવાહી વચ્ચે પદાર્થના ઘટકોનું વિભાજન થાય છે.
(vi) વાયુ-વર્ણલેખન : આ પદ્ધતિમાં વાયુ ગતિશીલ પ્રાવસ્થા તરીકે કામ કરે છે. તેમાં બે પદ્ધતિઓ વધુ ઉપયોગી છે : (1) વાયુ-પ્રવાહી વર્ણલેખન (gas liquid chomatography – GLC) : ઘન આધાર પર પ્રસરેલ પ્રવાહી સ્થિર પ્રાવસ્થા તરીકે હોય તેવું વર્ણલેખન; અને (2) વાયુ-ઘનપદાર્થ વર્ણલેખન (gas solid chromatography – GSC) : નમૂનાનું ઘન, સ્થિર પ્રાવસ્થા પર અધિશોષણ થાય તેવું વર્ણલેખન.
આ પદ્ધતિઓનો ઉપયોગ બાષ્પશીલ તેલો, વાનસ્પતિક ઍસિડ, અફીણ, તમાકુ અને કોનિયમના આલ્કેલૉઇડ, ભાંગ, ચરસ અને ગાંજાના રેઝિન, શર્કરા, એમીનો ઍસિડ વગેરેના પરીક્ષણ માટે થાય છે.
(vii) તનુસ્તર-વર્ણલેખન : આ પદ્ધતિ અધિશોષણ-વર્ણલેખન પર આધારિત છે. તે પ્રાકૃતિક ઔષધિઓની ગુણવત્તા અને માત્રાત્મક વિશ્લેષણ કરવા માટે ખૂબ જ ઉપયોગી છે. આલ્કેલૉઇડ, ગ્લાયકોસાઇડ, આઇસોપ્રિનોઇડ, લિપિડ, શર્કરા અને જૈવ ઘટકોનું વિશ્લેષણ આ પદ્ધતિથી થઈ શકે છે.
આ પદ્ધતિથી થતું ઘટકોનું અલગીકરણ ખૂબ જ ચોકસાઈથી અને ઝડપથી થાય છે. ઘટકો અલ્પ પ્રમાણમાં હોય તોપણ તેમનું અલગીકરણ ચોક્કસપણે થઈ શકે છે.
(viii) ઉચ્ચ નિષ્પાદન પ્રવાહી-વર્ણલેખન : આ પદ્ધતિમાં ગતિશીલ પ્રાવસ્થાને બળપૂર્વક ઊંચા દબાણથી ઑટોક્રૅટિક-પ્રોદ્ધવન અથવા તો પ્રવણતા-પ્રોદ્ધવનથી પસાર કરાય છે. મૉર્ફીન, પોપાવરિન, કોડીન, ઇમેટિન, ઍન્ટિબાયૉટિક્સ, સ્ટીરૉઇડ, અરગટ, આલ્કૅલૉઇડ, કાર્ડિયાક ગ્લાયકોસાઇડ, સેનોસાઇડ, કૅપ્સાઇસિન, વિટામિન, રહૂબાર્બ વગેરેનું આ રીતે વિશ્લેષણ થઈ શકે છે. જૈવ તરલમાં ઔષધિનું પ્રમાણ કેટલું છે તેનો અભ્યાસ પણ થઈ શકે છે. આધુનિક સમયમાં ઘણી પ્રયોગશાળાઓ અને ફાર્માસ્યૂટિકલ કંપનીઓ ઔષધિઓના આમાપન માટે આ પદ્ધતિ ઉપયોગમાં લે છે.
(ix) ઉચ્ચ નિષ્પાદન તનુસ્તર-વર્ણલેખન : આ તનુસ્તર-વર્ણલેખનના સિદ્ધાંત પર આધારિત અત્યાધુનિક પદ્ધતિ છે. તે ટૂંક સમયમાં ઘણું સારું પરિણામ આપે છે. આ બંને પદ્ધતિઓમાં મૂળ તફાવત ફક્ત શોષાતા રજકણના અને રંધ્રના કદ અંગે છે.
આ પદ્ધતિ પ્રાકૃતિક ઔષધોનાં જીવરાસાયણિક અને જૈવ તરલના વિશ્લેષણ માટે ભેષજબલગતિકી(pharmacokinetics)ના ક્ષેત્રમાં અગત્ય મેળવી રહેલ છે. કાર્ડેનોલાઇડ, ટ્રોપેન આલ્કલૉઇડ, ફ્લેવાનોઇડ, સ્ટીરૉઇડલ પદાર્થો, ઍન્થ્રાસીન અગ્લાયકોન, લિપિડ વગેરેનાં પૃથક્કરણ આ પદ્ધતિથી શક્ય બન્યાં છે. આ પદ્ધતિ ઝડપી, સસ્તી, સાદી અને ગમે ત્યારે ઉપયોગી છે. તે રાસાયણિક પ્રજાતિ શોધવા માટે ખૂબ જ કીમતી છે.
ઉચ્ચ નિષ્પાદન પ્રવાહી-વર્ણલેખન અને ઉચ્ચ નિષ્પાદન તનુસ્તર-વર્ણલેખન જૈવ ઘટકોની માહિતી એકઠી કરવા લાગુ પડાય છે. દા.ત., બરબેરિન, ક્વિનાઇન અને તેને સંબંધિત આલ્કેલૉઇડ, કૉલ્ચિસીન, સર્પેન્ટીન ચેલિડોનિન, આસારોન, યુજેનોલ, થાયમૉલ, કુમારિન, R-સેપોજેનિન, બેનેટોસાઇડ, વાલ્ટ્રેટ, ગિબરલિન્સ અને બીજા અનેક પ્રાકૃતિક પદાર્થો.
4. રાસાયણિક મૂલ્યાંકન : ઘણાંબધાં પ્રાકૃતિક ઔષધો હાલના તબક્કે શોધાઈ રહ્યાં છે અને તેમાં રહેલા સક્રિય ઘટકો નક્કી કરાઈ રહ્યા છે. તેના માટે રાસાયણિક પરીક્ષણ અને રાસાયણિક આમાપન-પદ્ધતિઓ ઉપયોગી છે :
ઔષધિઓનું આમાપન : ઔષધિઓના સક્રિય ઘટકોની શુદ્ધતા ચકાસવા માટે આવા ઘટકોનું પરિમાપન કરવામાં આવે છે. તે માટેની જુદી જુદી પદ્ધતિઓ આકૃતિ 2માં દર્શાવવામાં આવી છે.
(A) ભૌતિક આમાપન : (1) રંગમિતિ (colorimetry) : દ્રાવણની સાંદ્રતા અને તેનો રંગ એકબીજાના સમપ્રમાણમાં હોય છે. તેથી સાંદ્રતા વધે તો રંગની તીવ્રતા વધે છે અને સાંદ્રતા ઘટે તો રંગની તીવ્રતા ધટે છે. રંગમિતીય પૃથક્કરણમાં જાણીતી સાંદ્રતાવાળા દ્રાવણના શોષણ સાથે અજ્ઞાત સાંદ્રતાવાળા દ્રાવણનું શોષણ સરખાવીને દ્રાવણમાંની પદાર્થની સાંદ્રતા શોધી શકાય છે. તે બે પ્રકારની હોય છે : (i) શ્યમાન રંગમિતિ(visual colorimetry)માં કુદરતી રંગહીન પ્રકાશકિરણોનો ઉપયોગ કરી કૅલરીમિટર દ્વારા પદાર્થનું પ્રમાણ નક્કી કરવામાં આવે છે. (ii) પ્રકાશવીજ રંગમિતિ(photoelectric colorimetry)માં રંગની તીવ્રતા પારખવા પ્રકાશશક્તિનું વિદ્યુતશક્તિમાં રૂપાંતર કરતાં ફોટોસેલનો ઉપયોગ કરવામાં આવે છે; પ્રમાણિત અને અજાણ્યા દ્રાવણની તીવ્રતા માપીને સરખાવવામાં આવે છે.
(2) વર્ણપટમિતીય પૃથક્કરણ અથવા સ્પેક્ટ્રમ પ્રકાશમિતિ : આ પદ્ધતિમાં એક રાસાયણિક જાતિ (species) વડે વિકિરણ-ઊર્જાના થતા અવશોષણનો અભ્યાસ કરવામાં આવે છે, જેથી તેમનું અભિલક્ષણ અને માત્રાત્મક માપન વધુ ચોકસાઈપૂર્વક કરી શકાય. આ પદ્ધતિનો ઉપયોગ પ્રાકૃતિક ઔષધોના આમાપનમાં વ્યાપક પ્રમાણમાં થાય છે. આ પદ્ધતિના વિવિધ પ્રકારો નીચે પ્રમાણે છે (આકૃતિ 3) :
(i) અવશોષણ (absorption) સ્પેક્ટ્રોફોટોમિતિ : પારજાંબલી (uv) કે ર્દશ્ય પ્રકાશ (190 to 900 nm) પદાર્થ કે દ્રાવણમાંથી પસાર થાય છે ત્યારે તેના વર્ણમૂલક સમૂહોના કારણે ચોક્કસ તરંગલંબાઈની ઊર્જાનું અવશોષણ થાય છે. જે તરંગલંબાઈની ઊર્જાનું શોષણ થાય તેનો આધાર પદાર્થના અણુના બંધારણ પર રહેલો છે; જ્યારે આ ઊર્જાના શોષણની માત્રાનો આધાર અવશોષણ કરનાર પદાર્થની સાંદ્રતા પર છે. આથી આ પદ્ધતિ ગુણદર્શક અને માત્રાત્મક પૃથક્કરણ માટે ઉપયોગી છે. આલ્કેલૉઇડ, એમીનો ઍસિડ, પ્રતિજીવીઓ, કાર્ડિયાક, ગ્લાયકોસાઇડ, પ્રોટીન, હૉર્મોન, રિસર્પીન વગેરેનાં ઓળખ, પરીક્ષણ તથા આમાપનમાં આ પદ્ધતિ ઉપયોગી છે.
(ii) પારરક્ત વર્ણપટ : પદાર્થમાં રહેલ ક્રિયાશીલ સમૂહોને કારણે પદાર્થ IR વિકિરણનું અવશોષણ કરે છે. આ અવશોષણ જે તે વિશિષ્ટ સમૂહોની હાજરી સાબિત કરે છે. આથી આ પદ્ધતિ પદાર્થની ઓળખ તથા માત્રાત્મક પૃથક્કરણમાં, બહુરૂપકતા તથા સમઘટકતાના પરીક્ષણમાં ઉપયોગી છે. માત્રાત્મક પૃથક્કરણમાં પ્રતિજીવીઓ, આલ્કેલૉઇડ, સ્ટીરૉઇડલ સેપોજિનિન વગેરે માટે ઉપયોગી છે. વર્ણપટ પારરક્ત પ્રદેશને ચાર વિભાગમાં વહેંચવામાં આવે છે : (ક) ફોટોગ્રાફિક વિભાગ : ર્દશ્યમાનથી 1·2 μ; (ખ) અતિનજીક પારરક્ત વિભાગ (ઓવરટોન વિભાગ) : ર્દશ્યમાનથી – 1·5 μ; (ગ) નજીકનો પારરક્ત વિભાગ (આંદોલનીય ભ્રામક વિભાગ): 2·5થી 25 μ; (ઘ) દૂરનો પારરક્ત વિભાગ (ભ્રામક વિભાગ) : 2·5થી 300–400 μ.
પૃથક્કરણ માટે અગત્યનો વિભાગ 2·5થી 25 μ એટલે કે 4000થી 400 સેમી.–1 તરંગસંખ્યાવાળો છે.
(iii) પ્રતિદીપ્તિ સ્પેક્ટ્રોફોટોમિતિ : કોઈ વાર વિકિરણ-ઊર્જાનું અવશોષણ થયા બાદ ઊર્જાનું પુન: ઉત્સર્જન થાય છે. મૂળ કરતાં લાંબી તરંગલંબાઈવાળું વિકિરણ પ્રતિદીપ્તિ તરીકે ઓળખાય છે. આપાતી વિકિરણની લંબ-દિશામાં આવતા આ વિકિરણનું માપન કરવામાં આવે છે. માપન કરવા માટે ફ્લોરિમિટર અથવા સ્પેક્ટ્રોફ્લોરિમિટર વપરાય છે. ફીનૉલ, ઍરોમૅટિક એમાઇન્સ, પૉલિસાયક્લિક સંયોજનો, સ્ટીરૉઇડ, આલ્કેલૉઇડ, ફલેવિન, ફ્લેવોન વગેરેનું પરીક્ષણ આ પદ્ધતિથી થઈ શકે છે.
(iv) આવિલતામાપી : નિલંબનમાંથી પસાર થાય ત્યારે પ્રકાશનું અવશોષણ, પરાવર્તન, પારગમન અને પ્રકીર્ણન થાય છે. ટર્બિડીમેટ્રીમાં પારગમન થયેલ પ્રકાશની માત્રાનું માપ કાઢવામાં આવે છે, જ્યારે પ્રકીર્ણન પામેલ પ્રકાશની માત્રા નેફેલોમિતિમાં મપાય છે. કણમય પદાર્થ તથા જીવાણુ કોષોના નિલંબનની માપણી કરી શકાય છે. આ પદ્ધતિથી ઔષધોની અસર સીધી જ માપી શકાય છે.
(v) ઉત્સર્જન-સ્પેક્ટ્રોસ્કૉપી અને જ્વાલા-પ્રકાશમિતિ : કોઈ તત્વને જ્યોત, વિદ્યુત-તણખા કે ચાપમાં ગરમ કરવામાં આવતાં પ્રકાશનું ઉત્સર્જન થાય છે. આ વર્ણપટ જે તે તત્વ માટે વિશિષ્ટ હોય છે. આનો ઉપયોગ ગુણદર્શક તથા માત્રાત્મક પૃથક્કરણમાં કરાય છે. આ પદ્ધતિ રોગલક્ષણ, ભૂસ્તરશાસ્ત્ર અને કૃષિવિદ્યા સાથે સંકળાયેલ પ્રયોગશાળાઓમાં ઉપયોગી છે. રક્તમાં સોડિયમ તથા લિથિયમ; ફાર્માસ્યૂટિક યોગોમાં કૅલ્શિયમ, પોટૅશિયમ અને સોડિયમ; લિથિયમ કાર્બોનેટમાં લિથિયમ અને ઇન્સ્યુલિનમાં ઝિંકના આમાપન માટે આ પદ્ધતિ વપરાય છે.
(vi) કેન્દ્રીય ચુંબકીય સ્પંદન : તે વિન્યાસ રસાયણ અને સંરૂપણમાં અણુબંધારણ વિશે જ્ઞાન આપે છે. મિશ્રણમાં કોઈ પણ જાતનું અપમિશ્રણ થયું હોય તો તે પણ તેથી શોધી શકાય છે.
(vii) માસ-સ્પેક્ટ્રોમેટ્રી : આ પદ્ધતિ ઇલેક્ટ્રૉનના આયનના સિદ્ધાંત પર અવલંબિત છે. તેનું પાછળથી અણુમાં વિખંડન થાય છે. તેના વિખંડનના નમૂના પરથી મૂળ અણુની રચના જાણી શકાય છે.
તે કોઈ પણ અણુનો (અણુ)ભાર નક્કી કરવા અથવા અણુની સંરચના જાણવા માટે ઉપયોગી છે. આ પદ્ધતિ એકલી અથવા તો વર્ણલેખન સાથે ઔષધોના સક્રિય ઘટકો શોધવામાં ખૂબ જ અસરકારક રહે છે.
(viii) એક્સ-કિરણોનું અપભવન અથવા વિવર્તન : ઘણાં સંયોજનો એક કરતાં વધારે સ્ફટિક-જાળીમાં સ્ફટિક-આકાર આપવાને શક્તિમાન હોય છે. એક ચોક્કસ તાપમાને તથા દબાણે ફક્ત એક જ સ્ફટિક-આકાર ઉષ્માગતિક ર્દષ્ટિએ સ્થિર હોય છે. પ્રાવસ્થા-સ્થાનાંતરનો, મિતસ્થાયી બહુરૂપીમાંથી સ્થાયી બનવાનો દર ખૂબ જ ધીમો હોય છે; છતાં પણ સ્ફટિકમય ફાર્માસ્યૂટિકલ પદાર્થોની બહુરૂપતા આ પદ્ધતિથી શોધવાનું ઘણું જ સામાન્ય છે.
(ix) રેડિયો-ઇમ્યુનો આમાપન : આ પદ્ધતિની લોકપ્રિયતા તેની ઉચ્ચ સંવેદનશીલતા, ઘણીબધી ઔષધિઓની વિશ્લેષણની રીતો તથા પ્રાથમિક નિષ્કર્ષણની બિનજરૂરિયાતને કારણે વધતી જાય છે. આ પદ્ધતિમાં ઔષધિના નિશ્ચિત પ્રતિપિંડનું આમાપન અને અંકિત થયેલાં તેવાં જ ઔષધોનો ઉપયોગ થાય છે. અંકન માટે ચોક્કસ સમસ્થાનિક ધરાવતું સંયોજન વપરાય છે.
આ પદ્ધતિ કાર્ડિયાક ગ્લાયકોસાઇડ, ઇન્સ્યુલિન લાયસર્જીડ, કેનાબિનોઇડ અને ઓપિયેટ જેવાં દ્રવ્યો માટે વપરાય છે. તે ઔષધિના દુરુપયોગના પરીક્ષણ, વિષાક્તતાની શોધ અને ઔષધની ચિકિત્સિતાર્થની માપકક્રિયા માટે પણ લાગુ પડાય છે.
(B) રાસાયણિક આમાપન : આ પદ્ધતિ અનુમાપન (titration) અને ભારમાપક (gravimetric) – એમ બે પ્રકારની હોય છે. તે પ્રાકૃતિક ઔષધિઓમાં આલ્કેલૉઇડ, બાષ્પશીલ તેલમાં એસ્ટર અને આલ્ડિહાઇડનું પ્રમાણ બાલ્ઝામમાં બેન્ઝોઇક અને સિનામિક ઍસિડનું પ્રમાણ, બાલ્ઝામિક ઍસિડનું પ્રમાણ વગેરે નક્કી કરવામાં ઉપયોગી છે.
5. જૈવિક મૂલ્યાંકન અથવા જૈવિક આમાપન : આ પરીક્ષણમાં ઔષધની જીવંત પ્રાણી કે તેના અંગ પર થતી અસરને પ્રમાણિત ઔષધથી થતી અસર સાથે સરખાવવામાં આવે છે. ભૌતિક કે રાસાયણિક પદ્ધતિઓ જ્યારે ઔષધની કે તેનાં ઉત્પાદનોની ગુણકારિતા યોગ્ય રીતે નક્કી ન કરી શકે ત્યારે જૈવિક પદ્ધતિ લાગુ પડાય છે.
આ પદ્ધતિ ત્રણ જાતની છે : વિષાલુ (toxic); લાક્ષણિક (symptomatic); ઉતક પદ્ધતિ (tissue method).
વિષાલુ અને લાક્ષણિક પદ્ધતિઓમાં પ્રાણીઓનો ઉપયોગ થાય છે, જ્યારે ઉતક પદ્ધતિમાં પૃથક્ કરેલાં અંગો વપરાય છે; દા.ત., ઇન્સ્યુલિનનું પ્રમાણ સસલાં પર જ્યારે ડિગૉક્સિનનું પ્રમાણ કબૂતર પર પ્રયોગ કરીને નક્કી થાય છે.
(C) સૂક્ષ્મ જીવાણુલક્ષી પદ્ધતિ : સૂક્ષ્મ જૈવિકીય આમાપન : (microbiologic assay) :
(ક) પ્રસરણ-આમાપન (diffusion assay) : આ પદ્ધતિમાં અગાર જેલમાં માઇક્રોબ્સની વૃદ્ધિ અટકાવતાં ક્ષેત્ર (zone of inhibition) માપી પ્રતિજીવીનું પ્રમાણ નક્કી કરી શકાય છે.
(ખ) આવિલતા-મિતીય પરીક્ષણ : આ પદ્ધતિમાં પ્રતિજીવીની હાજરીથી જીવાણુની વૃદ્ધિ ઘટવાથી દ્રાવણની આવિલતા ઘટે છે, જે ટર્બિડિટીમિટરથી માપી શકાય છે.
આ પદ્ધતિઓ જીવાણુ, કેટલાંક વિટામિનો જેવાં કે બી12, રાઇબોફ્લેવિન, નિકોટિનિક ઍસિડ અને પ્રતિજીવીઓની સક્રિયતાના નિર્ધારણ માટે વપરાય છે.
બકુલા શાહ