પ્રાકૃતિક અને સાંશ્લેષિક ઔષધો

વનસ્પતિ કે સમુદ્ર જેવા કુદરતી સ્રોતોમાંથી મળી આવતા (પ્રાકૃતિક) તથા પ્રયોગશાળામાં રાસાયણિક પ્રક્રિયા દ્વારા સંશ્લેષણ કરીને મેળવાતાં (સાંશ્લેષિક) ઔષધો. પ્રાકૃતિક ઔષધો મુખ્યત્વે વનસ્પતિમાંથી – નાના છોડ (herb), થોડાક મોટા છોડ (shrub), વૃક્ષ કે વેલમાંથી મળે છે. સાંશ્લેષિક ઔષધો એ રાસાયણિક સંયોજનો છે અને રાસાયણિક પ્રક્રિયા દ્વારા તેમનું સંશ્લેષણ કરવામાં આવે છે.

પ્રાકૃતિક ઔષધો પારંપરિક ઔષધશાસ્ત્ર(traditional medicine)માં વપરાય છે. આ ઔષધો છોડ યા ઝાડનાં મૂળ યા પર્ણો વગેરેને સૂકવીને બનાવેલ ચૂર્ણ સ્વરૂપમાં, મૂળ યા પર્ણોને છૂંદીને તેના પાણી યા આસવમાં બનાવેલ અર્ક (extract) યા ઉકાળાના સ્વરૂપમાં તેમજ હવે આધુનિક ચિકિત્સામાં વપરાય છે તેવી ટીકડી, સંપુટ (capsule) કે સિરપ જેવાં ઔષધરૂપોમાં અપાય છે.

સાંશ્લેષિક ઔષધો તેના કાચા સ્વરૂપમાં જથ્થાબંધ ઔષધ (bulk drug) તરીકે ઓળખાય છે. ત્યારબાદ તેને ચોક્કસ માત્રા ધરાવતાં વિવિધ પ્રકારનાં ટીકડી, સંપુટ, ઇંજેક્શન, નાની કોથળીઓ (sachet), નિયંત્રિત મોચન ટીકડી (controlled release tablets) જેવાં સ્વરૂપોમાં ઢાળીને આપવામાં આવે છે.

પ્રાકૃતિક ઔષધો : પ્રાકૃતિક ઔષધો મોટાભાગે જમીન પર થતા છોડ, ઝાડ, વેલ વગેરેનાં મૂળ, પર્ણો તથા ખોરાકનો સંગ્રહ કરનાર થડ યા પ્રકંદ (rhizome)  આદિનાં સૂકવ્યા પછી બનાવેલ ચૂર્ણ, ઉકાળા અથવા અર્ક દ્વારા પ્રાપ્ત થાય છે. તેઓ કુદરતી સ્વરૂપમાં અન્ય પદાર્થો સાથે મળતાં હોઈ તેમની આડઅસરનાં પ્રતિકારકો (antidote) તેમાં હાજર હોવાથી તેમની આડઅસર નહિવત્ હોય છે. હવે તો પ્રાકૃતિક ઔષધો આયુર્વેદિક તથા આધુનિક એમ બંને પ્રકારની ચિકિત્સામાં વાપરવામાં આવે છે (જુઓ આકૃતિ 1).

આકૃતિ 1 : આયુર્વેદિક તથા આધુનિક ચિકિત્સામાં પ્રાકૃતિક રસાયણો

પ્રાકૃતિક ઔષધો તેમનાં કુદરતી સ્વરૂપમાં સીધાં અપાય છે. વળી તેમના અર્કનો ઉપયોગ કરી આધુનિક રીતે ગોળીઓ બનાવીને પણ દરદીને આપવામાં આવે છે. કેટલીક વાર પ્રાકૃતિક વનસ્પતિમાંથી ક્રિયાશીલ રસાયણો અર્ક-પદ્ધતિથી જુદાં પાડીને ચિકિત્સામાં વપરાય છે.

સાંશ્લેષિક ઔષધ : સાંશ્લેષિક ઔષધો મેળવવા માટે વર્ષોની સાધના, શ્રમ અને પુષ્કળ પૈસાનો ખર્ચ થાય છે. સૌપ્રથમ તો ઔષધ તરીકે ક્રિયાશીલ નીવડે તેવા પ્રકારનાં રાસાયણિક સંયોજનો બનાવવાનો રસાયણશાસ્ત્રી વિચાર કરે છે. ત્યારબાદ વિવિધ રાસાયણિક પ્રક્રિયાઓની શૃંખલાને અંતે અમુક ચોક્કસ સંયોજનો (compounds) મેળવવામાં આવે છે. આ સંયોજનો બનાવવામાં સમય, ધીરજ અને પૂરતી સાવધાની જરૂરી છે અને તેમાં ખાસ્સો ખર્ચ પણ થાય છે. ત્યારબાદ સંયોજનની ચકાસણી શરૂ થાય છે. સંયોજન સ્થાયી (stable) છે કે નહિ તે ચકાસાય છે. ઘણાં સંયોજનો પ્રકાશ યા હવાના સહેજ યા વધુ સંસર્ગમાં આવતાં જ રાસાયણિક પ્રક્રિયા થઈ મૂળ સંયોજનને બદલે તે બીજા પ્રકારનાં સંયોજનોમાં ફેરવાતાં હોય છે અને તેમના ગુણધર્મ પણ બદલાઈ જાય છે. જો આવાં સંયોજનો બજારમાં ઔષધ તરીકે આવે તો તે મુશ્કેલી સર્જી શકે. આથી જ ઔષધની શીશીનાં લેબલ પર બનાવ્યા તારીખ અને વાપરવાની છેલ્લી તારીખ (expiry date) ખાસ જણાવવામાં આવે છે.

સંયોજનોમાં રહેલ સંદૂષણ (contamination) સ્ફટિકીકરણ (crystallisation) જેવી વિવિધ પદ્ધતિથી દૂર કરવામાં આવે છે. આ શુદ્ધતા તેના ચોક્કસ ગલનબિંદુ (melting point) પરથી નક્કી થાય છે. સંયોજનો બનાવ્યા પછી તેઓ ઔષધ તરીકે કાર્ય કરશે કે નહિ તે જાણવા તેમના પર અમુક ચોક્કસ પ્રયોગો કરાય છે. ઔષધગુણવિજ્ઞાનને લગતા વિભાગમાં આ સંયોજનોનો  ઉંદર, ગિનીપીગ, સસલાં, કૂતરાં જેવાં વિવિધ પ્રાણીઓ પર જીવાણુરહિત રોગો(દા.ત., રક્તચાપ, મધુપ્રમેહ વગેરે)ની ચિકિત્સા માટે પ્રયોગ કરી તેમની અસરો તપાસાય છે.

સૂક્ષ્મજીવાણુ વિભાગમાં આ સંયોજનોની અસર ફૂગ (fungi) તથા સૂક્ષ્મજીવાણુઓ (micro-organisms) ઉપર તપાસાય છે. તેમાં સંયોજનોની સૂક્ષ્મજીવાણુનો નાશ કરવાની ક્રિયાશીલતા (activity) માપવામાં આવે છે. ત્યારબાદ આ સંયોજનો ક્ષય, ટાઇફૉઇડ, કૉલેરા વગેરેમાંથી કયા જીવાણુજન્ય રોગ માટે કામ આવી શકશે તે નોંધાય છે.

ઉપર્યુક્ત બંને પ્રકારની ચકાસણીમાં જો સંયોજનો એકાદમાં પણ નોંધપાત્ર પ્રગતિ બતાવે તો પછી તેમની વિષાળુતા (toxicity) ચકાસી પ્રાણીઓ પર પ્રયોગો કરી તેમની ઝેરી અસરો અંગેની સંવેદિતા અને મારકમાત્રા (lethal dose, LD50) નક્કી કરવામાં આવે છે. ત્યારબાદ તેમની ક્રિયાશીલતા તથા કાર્યશક્તિ (potency) લાંબા સમય સુધી જળવાશે કે નહિ તે શોધાય છે. અન્ય ચકાસણીમાં તેમની શુદ્ધતા માટે વર્ણપટ યા સ્પેક્ટ્રમ, શરીરમાં થતા શોષણમાં અગત્યનો ભાગ ભજવનાર શ્યાનતા (viscosity) તથા પૃષ્ઠતાણ (surface tension) જેવા ગુણધર્મો ચકાસાય છે. ઔષધ જ્યારે ઇંજેક્શનના રૂપમાં હોય ત્યારે તેની હાઇડ્રોજન-આયન-સંકેન્દ્રિતતા (pH) જાળવવી પડે છે. વળી સંયોજનો આંખમાં બળતરા જેવી અસર ન કરે તે પણ ચકાસાય છે.

પ્રાણીઓ ઉપર પ્રયોગો કરી લોહી, મૂત્ર વગેરેની તપાસ કરી પૃથક્કરણની જૈવિક વિગતોના આંકડા મેળવાય છે. આ વિધિ ચારેક અઠવાડિયાં લે છે. ત્યારબાદ અઠ્ઠાવીસ દિવસ પછી પ્રાણીના પ્રત્યેક અંગને વાઢકાપથી જુદાં તારવીને અભ્યાસ કરવામાં આવે છે. જો કોઈ અંગમાં નોંધપાત્ર વિકૃતિ થઈ હોય તો તે નોંધાય છે. આને આડ-અસરો (side effects) કહેવાય છે. તે પછી આ બધી વિગતો, પરિણામો આંકડાસહિત ઔષધનિયામક(Drugs Controller)ને તપાસ અર્થે મોકલી ઔષધ બનાવવાની રજા માગવામાં આવે છે.

આ પછી પ્રાયોગિક ચિકિત્સાની કાર્યવહી (clinical trials) ત્રણથી ચાર તબક્કાઓમાં કરવામાં આવે છે. પ્રથમ બે તબક્કાઓમાં ઔષધની સહ્યશક્તિ (tolerability), ઔષધમાં અન્ય પદાર્થો ભેળવતાં તેની ભળી જવાની ક્ષમતા (miscibility) તથા માન્ય સ્વાદ યા ખાદ્યતા (palatibility) ચકાસવામાં આવે છે. જો ઔષધનો સ્વાદ કડવો હોય તો તે લાગે નહિ તે માટે ટીકડી પર મીઠા દ્રાવ્યનું પડ (coating) ચઢાવવામાં આવે છે. આ કસોટીઓમાં સોથી બસો સ્વયંસેવકો (volunteers) ઉપર પ્રયોગો કરવાની બાબત મુખ્ય હોય છે.

બીજા બે તબક્કાઓમાં અનુભવી તબીબોને એક બિનઅસરકારક પદાર્થ (placebo), એક જાણીતું તથા એક નવું બનાવેલ ઔષધ અપાય છે. કયું ઔષધ નવું છે તેની તેમને ખબર હોતી નથી. પાંચસોથી હજાર દરદીઓ પર તેના પ્રયોગો થાય છે, જે ઘણી વાર ત્રણથી ચાર વર્ષ જેટલો સમય લે છે. આ પછી જ ઔષધને બજારમાં મૂકવાની છૂટ મળે છે. આમ એક ઔષધની શોધ પાછળ 13થી 14 વર્ષ તથા આશરે પચીસ કરોડ રૂપિયા ખર્ચાય છે.

શરૂઆતમાં સંયોજનોનાં જે આડેધડ સંશ્લેષણ થતાં તેને બદલે હવે આણ્વિક પ્રતિરૂપ (molecular modeling), સંચયવિન્યાસ-લાઇબ્રેરી (combinational library), ઔષધ-અભિકલ્પ (drug design) જેવાં આધુનિક સંશોધનો વડે તથા ગણકયંત્રના ઉપયોગ વડે ઔષધો સંશ્લેષિત થાય છે. આથી સમય તથા પૈસા બચે છે અને કાર્યશક્તિ વેડફાતી નથી. આજે વિશ્વના પેટન્ટના કાયદામાં સુધારો થઈ રહ્યો છે ત્યારે ઉપર્યુક્ત રીતે ઔષધ-સંશોધન થાય એ ઇષ્ટ બની રહે છે.

પ્રાકૃતિક અને સાંશ્લેષિક ઔષધો વચ્ચેનો સંબંધ : કોઈ પણ ઔષધ સંશ્લેષિત કરવું હોય તો તે તેનાં મૂળભૂત રસાયણ પર પ્રક્રિયા કરી બનાવાય છે. આ રાસાયણિક પ્રક્રિયા એક યા અનેક વાર કરવી પડે છે. પ્રાકૃતિક રસાયણો આ પ્રક્રિયા ઘટાડવામાં મદદ કરે છે; દા.ત., કોઈ એક રસાયણ સંશ્લેષિત કરવા માટે વીસથી પચીસ પ્રક્રિયાઓ કરવી પડતી હોય તો તેના બદલે પ્રાકૃતિક રસાયણોને જુદાં પાડી તેમાંથી જરૂરી રસાયણ મેળવી આગળ પ્રક્રિયાઓ કરી આધુનિક ઔષધ ઓછા તબક્કાઓ(steps)માં બનાવી શકાય છે. આમ પ્રાયોગિક તબક્કા ઘટી જતાં સમય અને પૈસા બંનેની બચત થાય છે. દા.ત., ડેક્સામિથાસોન નામક સ્ટીરૉઇડનું પ્રયોગશાળામાં સંપૂર્ણ સંશ્લેષણ ઘણી બધી પ્રક્રિયાઓ દ્વારા કરવું પડે છે. આથી ઊલટું, જો ડાયોસ્કોરિયા ફ્લોરીબંદા અથવા સોલેનમ ખાસિયેનમ નામના છોડમાંથી ડાયોસ્જેનિન યા સોલાસોડિન નામક રસાયણ પ્રાપ્ત કરી તેની ઉપર આગળ પ્રક્રિયાઓ કરવામાં આવે તો તે ઓછી પ્રક્રિયા તથા ઓછા ખર્ચમાં પ્રાપ્ત થાય છે. આવા સ્ટીરૉઇડ જે કૉર્ટિકોસ્ટીરૉઇડ તરીકે ઓળખાય છે તે પહેલાં પ્રાણીઓમાંથી અર્ક-પદ્ધતિ (extraction) દ્વારા મેળવાતાં હતાં અને ત્યારબાદ આંશિક સંશ્લેષણ (partial synthesis) દ્વારા કૉલેસ્ટેરૉલમાંથી બનાવાતાં હતાં (જુઓ આકૃતિ 2).

આકૃતિ 2

બીજી અગત્યની વાત એ છે કે પ્રાકૃતિક ઔષધો સંપૂર્ણ શુદ્ધ હોતાં નથી, પણ કુદરતી તત્વોનું મિશ્રણ હોય છે. આથી તેમની આડઅસરો ઓછી હોય છે. સાથે સાથે તેમની ક્રિયાશીલતા પણ ઓછી હોય છે; દા.ત., સર્પગંધામાંથી મળતો આલ્કેલૉઇડ રિસર્પીન શુદ્ધ માત્રામાં તરત જ અસર કરશે અને વધુ લેવાથી આડઅસર પણ થશે; જ્યારે સર્પગંધાનાં મૂળનું ચૂર્ણ લેવાથી એની ક્રિયાશીલતા ઘટશે, પણ સાથે સાથે આડઅસર પણ ઘટશે.

પ્રાકૃતિક ઔષધોને આધારભૂત બનાવવાં : પ્રાકૃતિક ઔષધો આડઅસરો કરતાં નથી તો તેમની અસર પણ ખાસ્સી ઓછી હોય છે. પ્રાકૃતિક રસાયણોમાં ઔષધીય ગુણો પૂરતા ન હોવાનું યા ઓછા હોવાનું એક કારણ એ છે કે તેમાં ક્રિયાશીલ ઔષધનું પ્રમાણ જળવાતું નથી. ઘણી વાર કાચાં યા પ્રાપ્ત કરેલ દ્રવ્યો યા વનસ્પતિ પારખવામાં પણ થાપ ખાઈ જવાય તો તેની વિષમય અસરો થાય છે. જરૂરી ક્રિયાશીલ રસાયણનું માનકીકરણ (standardization) જળવાતું નથી. આથી આ માનકીકરણ પદ્ધતિ વિકસાવવા અને આ ઔષધો આધારભૂત બને તે માટે નીચેનાં પગલાં જરૂરી છે :

(1) વનસ્પતિ યા છોડના ગર્ભ(germplasm)નું પદ્ધતિસરનું સંકલન અને નિરીક્ષણ (screening) કરી તેની સૂચિ બનાવવી જોઈએ. તે દેશ યા રાજ્યના કયા વિભાગમાંથી લેવાયાં છે તેની જરૂરી નોંધ પણ થવી જોઈએ. આયુર્વેદનાં વર્ષોજૂનાં ઔષધીય સંરૂપણો (formulas) અંગે સંશોધન કરી તેમાંથી ખાસ અગત્યનાં સંયોજિત સંરૂપણોનો સંગ્રહ થવો જોઈએ.

(2) આવાં સંરૂપણોનું આધુનિક ચિકિત્સા પદ્ધતિ મુજબ સંશોધન થવું જોઈએ દા.ત., સાંશ્લેષિક ઔષધો માટે વપરાતી ચિકિત્સા-અજમાયશ (clinical trials) જેવી ડબલ બ્લાઇન્ડ ટ્રાયલ-પદ્ધતિઓ આ સંરૂપણોને લાગુ પાડી તેમના આયુર્વેદિક સાહિત્યમાં જણાવેલ ગુણો ચકાસવા જોઈએ. ઘણી વાર આવાં સિદ્ધહસ્ત આયુર્વેદિક યા પ્રાકૃતિક ઔષધ સંરૂપણો વિજ્ઞાનના આધાર વગરનાં હોવાથી નકામાં ગણાય છે. આથી આધુનિક સાધનો તથા પદ્ધતિઓથી તેમનું પરીક્ષણ કરી તેમને પ્રમાણિત (standardize) કરવાં જોઈએ.

(3) ક્રિયાશીલ રસાયણનાં સંરૂપણને પ્રમાણિત કરવા તેનું માનકીકરણ જરૂરી છે અને આ માટે ઉત્પાદન તકનીક(production technology)ને આધુનિક બનાવવી જરૂરી છે. સાંશ્લેષિક ઔષધોમાં જેને જી.એમ.પી. (good manufacturing practices) કહે છે તે મુજબ પ્રાકૃતિક ઔષધો પણ બનાવવાં ઘટે. વળી આવાં સંરૂપણમાં ઘણાંબધાં રસાયણો કાચાં દ્રવ્યો તરીકે એકસાથે આવતાં હોવાથી માનકીકરણ તકલીફભર્યું બની રહે છે. પારજાંબલી યા યુ.વી. (ultraviolet), આઇ.આર. (Infra-red), જી.એલ.સી. (gas-liquid chromatography), એચ.પી.એલ.સી (high pressure liquid chromatography), તથા એચ.પી.ટી.એલ.સી. જેવી આધુનિક પરીક્ષણ-પદ્ધતિઓ વડે તેની ગુણવત્તાનું નિયમન થઈ શકે.

(4) નવાં નવાં સંરૂપણો બનાવવા : આધુનિક ઔષધો અમુક રોગોમાં અમુક કિસ્સાઓમાં કામ આવતાં નથી, જ્યારે આયુર્વેદિક ઔષધો યા કુદરતી રસાયણો ત્યાં કામ આવે છે. દા.ત., મલેરિયા, ફાઇલેરિયા, વા, વિષાણુનો હુમલો; ઘા રુઝાવવો વગેરે માટે આયુર્વેદિક યા પ્રાકૃતિક ઔષધો વધુ કાર્યશીલ છે. ચીનમાં સ્વીટ વર્મવુડ નામે એક છોડ થાય છે, જે ગિન્ગાઓ તરીકે પણ ઓળખાય છે અને વાનસ્પતિક ભાષામાં તેને આર્ટેમિસિયા એન્યુઆ કહે છે. તેમાંથી આર્ટેસ્યુનેટ નામક ક્રિયાશીલ રસાયણ મળે છે, જે ઝેરી મલેરિયા (Falsiparum) માટે ખૂબ જ અસરકારક છે. જાણીતું ઔષધ ક્લૉરોક્વીન આવા મલેરિયામાં નિષ્ફળ રહે છે.

(5) કુદરતી ઔષધો અને સાંશ્લેષિક ઔષધો દરદીને સમજપૂર્વક જરૂરિયાત મુજબ આપવાં જોઈએ, જેથી દરદીને કોઈ વધુ પડતી આડઅસર ન થાય; દર્દ ઓછું થાય યા નાબૂદ થઈ જાય તથા તેનો ઔષધીય ખર્ચ પણ વાજબી રહે.

(6) પ્રાકૃતિક રસાયણો જેમાંથી પ્રાપ્ત થતાં હોય તેવી વનસ્પતિના ઉછેરની બધા પ્રકારની જરૂરિયાતો શોધીને નોંધાવી જોઈએ. આ જરૂરિયાતો પૂર્ણ થતાં ચોક્કસ પ્રકારનું રસાયણ ચોક્કસ સમયે અર્કપદ્ધતિ યા કાચા દ્રવ્ય રૂપે વધુ પ્રમાણમાં પ્રાપ્ત થાય છે.

જે કોઈ પ્રાકૃતિક ઔષધો યા તેમનાં સંયોજનો ઔષધો માટે વપરાતાં હોય, તે અંગેનું સંપૂર્ણ સાહિત્ય, આધુનિક તથા પ્રાચીન આધારભૂત પુસ્તકો, સામયિકો વગેરેમાંથી શોધી કાઢી તેને આધાર તરીકે ચિકિત્સકોને ઉપલબ્ધ કરાવવું જોઈએ. આવા આધારના અભાવે જ જૂનું ને જાણીતું સર્પગંધાનું ઔષધ જે રિસર્પીન કહેવાય છે તેનો યોગ્ય લાભ લઈ શકાયો નથી.

આ ઉપરાંત જરૂર પડ્યે નવાં નવાં ઔષધો પણ વિકસાવવાનાં રહે છે. તે માટેનાં સંશોધન અને વિકાસ (R & D) માટે બધી કંપનીઓ હવે વધુ ને વધુ નાણાં ફાજલ પાડે છે. આ માટે હવે પેટન્ટના કાયદામાં ફેરફાર કરી અત્યાર સુધી ચલાવાતા પ્રોસેસ પેટન્ટના બદલે પ્રૉડક્ટ-પેટન્ટનો નિયમ અપનાવવો જરૂરી બન્યો છે. આને કારણે મૂળભૂત સંશોધન (basic research) તથા તેના ખર્ચમાં વધારો અનિવાર્ય બનતાં સરકારી, અર્ધસરકારી તથા ખાનગી ઉદ્યોગો/પ્રયોગશાળાઓએ સંશોધન માટે વધુ નાણાં ફાજલ પાડવાં જરૂરી થયાં છે. ઔષધ-ઉત્પાદન ક્ષેત્રે ઉજ્જ્વળ ભવિષ્ય માટે પ્રાકૃતિક તથા સાંશ્લેષિક ઔષધોનો સમન્વય જરૂરી છે.

ભવિષ્યનાં સૂચનો : (1) નવાં નવાં ઔષધો વિકસાવવા માટે એવા વિજ્ઞાનીઓ તૈયાર કરવા જરૂરી છે કે જે આધુનિક તકનીકો જેવી કે આણ્વિક પ્રતિરૂપ, ઔષધ-અભિકલ્પ વગેરેથી પૂરા માહિતગાર હોય અને સ્વતંત્ર રીતે વિચારીને પ્રયોગશાળામાં ઓછા પ્રયોગો દ્વારા અમુક ચોક્કસ ક્રિયાશીલ રસાયણો તૈયાર કરી શકે. આ રસાયણો ઔષધ તરીકેની પ્રક્રિયાઓમાં આગળ જઈ શકે. એક નોંધ મુજબ પ્રયોગશાળામાં સાંશ્લેષિક કરાતાં દર 10,000 રસાયણોમાંથી માંડ એક રસાયણ ઔષધ તરીકેના ગુણ દર્શાવે છે. હવે માત્ર થોડાંક રસાયણો સંશ્લેષિત કરીને આવાં ઔષધકીય રસાયણ ત્વરાથી મેળવવાં જરૂરી બન્યાં છે. આ માટે સંચયવિન્યાસ-પુસ્તકાલય, ગણકયંત્ર વગેરેનો સઘન ઉપયોગ થઈ શકે.

(2) વનસ્પતિમાંથી ક્રિયાશીલ રસાયણ શુદ્ધ સ્વરૂપે મેળવી શકાય તેવી નિષ્કર્ષણ તથા સ્ફટિકીકરણની આધુનિક પ્રક્રિયાઓ વિકસાવવી જરૂરી છે.

(3) ઘણી વાર ઔષધ એક જ હોય છે પણ તે બે પ્રકારના સ્ફટિકોનું મિશ્રણ હોય છે. આવા પદાર્થો પ્રકાશ-ક્રિયાશીલતા (optical activity) નામનો ભૌતિક ગુણધર્મ ધરાવે છે. આવાં ઔષધોને કિરલ (chiral) અને આ ઘટનાને કિરૅલિટી (chirality) કહે છે. ધ્રુવીભૂત પ્રકાશ પસાર કરાતાં પ્રકાશનું ધ્રુવીભવન જમણી યા ડાબી બાજુ થાય છે અને તે મુજબ જે તે ઔષધને વામેતર(dextro) યા વામ-ભ્રમણીય (laevo-rotatory) કહેવાય છે. આવા પદાર્થો સમઘટકો (isomer) કહેવાય છે. ઔષધમાંના બે સમઘટકો પૈકી ઔષધ તરીકે એક જ ક્રિયાશીલ હોય છે. આથી આવા સમઘટકો છૂટા પાડતી પ્રક્રિયા પણ વિકસાવવી જરૂરી બને છે.

(4) વનસ્પતિમાંથી ક્રિયાશીલ રસાયણો શુદ્ધ સ્વરૂપે મેળવી આવાં રસાયણોની આગળ પ્રક્રિયા કરી તેમાંથી વધુ સંકીર્ણ ક્રિયાશીલ રસાયણો બનાવવાની આધુનિક પદ્ધતિઓનો વિકાસ કરવો જરૂરી છે, જેથી પ્રક્રિયાઓની સંખ્યા ઓછી થતાં ખર્ચ ઓછો થાય અને શરૂઆતનાં રસાયણો  બનાવવાની ગૂંચવણભરેલ પદ્ધતિઓમાંથી છુટકારો મળે.

(5) દેશના પ્રાચીન વારસા જેવાં ઔષધકીય છોડ તથા ઝાડનું જતન કરવું, તેનો વ્યવસ્થિત ઉછેર કરવો તથા તેમાંથી પ્રાપ્ત થતાં ક્રિયાશીલ રસાયણોની બને તેટલી ઝડપથી પેટન્ટ લેવી જરૂરી છે. આમ ન થાય તો વર્ષોથી ઔષધ તરીકે ઉપયોગમાં લેવાતી પ્રાકૃતિક ઔષધિની અન્ય દેશો પેટન્ટ લઈ એ ઔષધિના મૂળ ઉત્પાદક દેશને ભવિષ્યમાં તેનો ઉપયોગ કરવા ન દે એવું થાય.

આજે વર્લ્ડ ટ્રેડ ઑર્ગેનાઇઝેશન તરફથી જ્યારે પેટન્ટ અંગેનો પડકાર થયો છે ત્યારે જો પ્રાચીન વારસા જેવા વનસ્પતિનાં ક્રિયાશીલ રસાયણોનો ઉપયોગ કરી નવાં ઔષધોનું સંશ્લેષણ સમજપૂર્વક થાય તો કદાચ ઔષધોના સંશોધનક્ષેત્રે ભારત પણ આગળ વધી શકે અને સાથે સાથે તેનો પ્રાચીન વારસો પણ સચવાઈ રહે. આ માટે વાનસ્પતિક ક્રિયાશીલ રસાયણો અને આધુનિક રસાયણોનો સમન્વય જરૂરી છે.

યોગેન્દ્ર કૃ. જાની

મૂકેશ પટેલ