પ્રાકૃતાનુશાસન : એ નામનું પ્રાકૃત વ્યાકરણ. તેના લેખક બારમા શતકના બંગાળી પુરુષોત્તમ દેવ. બે વાર પ્રકાશિત : (1) શ્રીમતી એલ. નિત્તી ડૌલ્ચી દ્વારા સંપાદિત, પૅરિસ, 1938. ફ્રેંચ ભૂમિકામાં તેની તુલનાત્મક છણાવટ સારી રીતે થઈ છે. (2) મનમોહન ઘોષ દ્વારા સંપાદિત રામશર્માકૃત ‘પ્રાકૃતકલ્પતરુ’ના પરિશિષ્ટ 1 રૂપે, એશિયાટિક સોસાયટી, કલકત્તા, 1954. પ્રારંભ મળતો નથી. ત્રીજા અધ્યાયની અધવચ્ચેથી તે શરૂ થાય છે અને વીસમાએ સમાપ્ત થાય છે. કુલ 597 સૂત્રો છે. અધ્યાય 4માં સન્ધ્યાદિવિધિ, 5માં ‘સુબ્’-વિષય, 6–7–8માં મહારાષ્ટ્રી પ્રાકૃતના ‘તિઙ્’વિધિ, ધાત્વાદેશ તથા નિપાત ચર્ચ્યાં છે. 9મામાં શૌરસેની અને 10મામાં પ્રાચ્યા વિભાષાની વિગત છે. પ્રાચ્યાને લોકોક્તિબહુલ કહી છે. 11–12માં આવન્તી અને માગધી ભાષાઓનું વિવેચન છે. 13–14–15માં માગધીની વિભાષાઓ–શાકારી, ચાંડાલી અને શાબરી–ની માહિતી આપી છે. ચાંડાલીને માગધીની વિકૃતિ અને શાબરીને માગધીનો જ એક પ્રકાર ગણવામાં આવેલ છે. 16મામાં સંસ્કૃત તથા શૌરસેનીની ટક્કદેશામાં પ્રચલિત વિભાષા ટાક્કીની ચર્ચા છે. વૈયાકરણ હરિશ્ચન્દ્ર તેને પ્રાકૃત નહિ પણ અપભ્રંશ ગણે છે તેવી સ્પષ્ટતા અંતે છે.

અહીં પ્રાકૃત ભાષાઓની ચર્ચા પૂરી થાય છે. તે પછી બે અધ્યાયમાં  અપભ્રંશ અને બાકીના બેમાં પૈશાચી ભાષાની વિગત છે. પહેલાં 90 સૂત્રોમાં નાગર અપભ્રંશની સમજૂતી છે અને પછી 23 સૂત્રોમાં વ્રાચડ અપભ્રંશની ચર્ચા છે. પૈશાચીમાં પ્રથમ 19 સૂત્રોમાં કૈકય પૈશાચી અને પછી શૌરસેન પૈશાચી ભાષાઓની માહિતી છે. 16મા અધ્યાયના અંતે પ્રાકૃતાનુશાસન અને 18મા અધ્યાયના અંતે અપભ્રંશાનુશાસન પૂરું થાય છે તેવાં સ્પષ્ટ વિધાનો કર્યાં છે. 20મા પછી પૈશાચી સૂત્રની સમાપ્તિ દર્શાવે છે.

આવન્તીને મહારાષ્ટ્રી અને શૌરસેનીની એકતારૂપ જણાવી છે (11-1). મહારાષ્ટ્રીની ચર્ચા ત્રણ અધ્યાયમાં 88 સૂત્રોમાં કરી છે અને તે પછી શૌરસેનીને એક જ અધ્યાયનાં 93 સૂત્રો ફાળવ્યાં છે, એટલે બંનેને સમકક્ષ ગણી છે એમ કહી શકાય. શૌરસેની પ્રાકૃતને મહારાષ્ટ્રી કરતાં પૂર્વેની માનનારા માટે તુલનાત્મક અધ્યયન કરવા આ ગ્રંથ ઉપયોગી ગણી શકાય.

જયન્ત પ્રે. ઠાકર