પ્રાકૃતસર્વસ્વ : સોળમી શતાબ્દીમાં રચાયેલ માર્કણ્ડેયકૃત વ્યાકરણગ્રંથ. પ્રારંભમાં હર, હરિ અને વાગ્દેવતાને પ્રણામ કરીને મંગલ કરવામાં આવ્યું છે. શાકલ્ય, ભરત, કોહલ, વરરુચિ, ભામહ, વસંતરાજ વગેરે પૂર્વસૂરિઓના ગ્રંથોનું અવલોકન કરીને ‘પ્રાકૃતસર્વસ્વ’ની રચના કરવામાં આવી છે તેમ કર્તા જણાવે છે.
પ્રારંભના આઠ પાદમાં મહારાષ્ટ્રી પ્રાકૃતનાં લક્ષણો આપવામાં આવ્યાં છે; જેમાં અજવિધિ, અયુક્તવર્ણવિધિ, યુક્તવર્ણવિધિ, સંકીર્ણવિધિ, સુબ્વિધિ, તિઙ્વિધિ, ધાતુપરિણતિ અને અનુશાસન આપવામાં આવ્યાં છે. મહારાષ્ટ્રી પ્રાકૃતના વર્ણનમાં વરરુચિના ‘પ્રાકૃતપ્રકાશ’નો સ્પષ્ટ પ્રભાવ વરતાય છે. અહીં મહારાષ્ટ્રી પ્રાકૃત માટે અપાયેલાં 487 સૂત્રોમાંથી 418 ‘પ્રાકૃતપ્રકાશ’માંથી શબ્દશ: લેવાયેલાં છે.
શૌરસેનીનું વર્ણન નવમા પાદમાં નવ પ્રકરણમાં 158 સૂત્રોમાં મળે છે, જે મહારાષ્ટ્રી પ્રાકૃતના વર્ણન અનુસાર છે. પિશેલ નોંધે છે કે માર્કણ્ડેયે મહારાષ્ટ્રી અને શૌરસેની પ્રાકૃત વચ્ચેની પાતળી ભેદરેખાને સ્પષ્ટતાથી દર્શાવી આપી છે. દસમા પાદમાં પ્રાચ્યાનું વર્ણન બાર સૂત્રોમાં મળે છે. અગિયારમા પાદમાં આવન્તી અને વાલ્હીકીનું અનુશાસન તેર સૂત્રોમાં અપાયું છે. બારમા પાદમાં માગધીનાં લક્ષણો 37 સૂત્રોમાં મળે છે. અર્ધમાગધી માટે એક સૂત્રમાં જણાવાયું છે કે શૌરસેનીથી નજીક હોવાને કારણે આ અર્ધમાગધી છે. વૃત્તિમાં જણાવ્યું છે કે દાક્ષિણાત્યનાં લક્ષણ કે ઉદાહરણ ક્યાંય દેખાતાં નથી, માત્ર અનિરુદ્ધ ભટ્ટમાં જ છે. અહીં ઉદાહરણ પણ આપવામાં આવ્યું છે.
તેરથી સોળ પાદ સુધી અનુક્રમે શાકારી (9 સૂત્ર), ચાંડાલી (9 સૂત્ર), શાબરી (8 સૂત્ર), આભીરી (1 સૂત્ર) અને ટક્કી (13 સૂત્ર) નામની પાંચ વિભાષાઓનું વર્ણન મળે છે. ઔડ્રીને અલગ વિભાષા ન ગણતાં શાબરીની અંતર્ગત માની છે. તે અંગે 1 સૂત્ર (15-9) પણ છે.
સત્તરમા અને અઢારમા પાદમાં નાગર, વ્રાચડ અને ઉપનાગર – એમ ત્રણ પ્રકારની અપભ્રંશનાં લક્ષણો આપવામાં આવ્યાં છે. અપભ્રંશ ભાષાઓના મૂળ તરીકે નાગર અપભ્રંશને ગણાવી છે (78 સૂત્રો). વ્રાચડનાં લક્ષણો 11 સૂત્રોમાં મળે છે. વ્રાચડને તેઓ સિંધી બોલી માને છે. નાગર અને વ્રાચડના મિશ્રણને ઉપનાગર નામ અપાયું છે (1 સૂત્ર). પૈશાચીના ત્રણ પ્રકારોનું વર્ણન ઓગણીસમા અને વીસમા પાદમાં મળે છે. કૈકયી (20 સૂત્ર), શૌરસેન પૈશાચિકા (13 સૂત્ર) અને પાંચાલી પૈશાચી વિશે 1 સૂત્રમાં કહેવાયું છે.
જે તે ભાષાનાં લક્ષણો આપતી વખતે માર્કણ્ડેય વિખ્યાત વૈયાકરણોના મતને વારંવાર ઉદ્ધૃત કરે છે. નિયમોનાં ઉદાહરણોમાં તેણે ઘણી જ્ઞાત-અજ્ઞાત કૃતિઓનાં ઉદ્ધરણો નોંધ્યાં છે. એ રીતે પ્રાકૃત બોલીઓના નિયમોની જાણકારી માટે ‘પ્રાકૃતસર્વસ્વ’ મૂલ્યવાન ગ્રંથ છે.
સલોની નટવરલાલ જોશી