પ્રાકૃતરૂપાવતાર : પ્રાકૃત ભાષાનો વ્યાકરણગ્રંથ. અજૈન સમુદ્ર-બન્ધયજ્વનના પુત્ર સિંહરાજે પંદરમા સૈકાના પૂર્વાર્ધમાં રચેલું પ્રાકૃત વ્યાકરણ. ઈ. હુલ્ત્શ વડે સંપાદિત આવૃત્તિ લંડનની રૉયલ એશિયાટિક સોસાયટી દ્વારા પ્રકાશિત, 1909. વૈયાકરણ વાલ્મીકિનાં મૂળ સૂત્રો ઉપરની ત્રિવિક્રમદેવની વૃત્તિ આનો મૂળ આધાર છે. આ લેખક ‘કૌમાર’ અર્થાત્ ‘કાતન્ત્ર’ અને પાણિનીય વ્યાકરણોનો ઉલ્લેખ કરે છે, પણ તેનો ખરો આધાર ત્રિવિક્રમ જ છે. વાલ્મીકિકૃત ‘મૂલસૂત્ર’ મૈસૂરથી તેલુગુ લિપિમાં પ્રકાશિત થયેલું. તેના ઉપરની લક્ષ્મીધરની ટીકા ‘ષડ્ભાષા-ચન્દ્રિકા’ની આવૃત્તિના પરિશિષ્ટ રૂપે ગણો, વાર્તિકો, દેશી અને ઇષ્ટિ સહિત સંપૂર્ણ પ્રગટ થયેલ છે, 1886માં. સંસ્કૃત વ્યાકરણમાં જે સ્થાન વરદરાજની ‘લઘુકૌમુદી’નું છે એવું જ સિંહરાજના ‘પ્રાકૃતરૂપાવતાર’નું પ્રાકૃત વ્યાકરણમાં છે. વરદરાજે પાણિનિનાં વધારે મહત્ત્વનાં સૂત્રોને વ્યાકરણનાં વિવિધ પ્રકરણોના ઉદાહરણાર્થે વ્યવસ્થિત ગોઠવ્યાં છે, તે જ પ્રમાણે સિંહરાજે મહત્ત્વનાં વાલ્મીકિસૂત્રો પસંદ કરી આ ગ્રંથમાં સુવ્યવસ્થિત રીતે ગોઠવ્યાં છે. આથી પ્રાકૃત નામ, સર્વનામ અને ધાતુની રૂપાવલિ માટે તે ખાસ મહત્ત્વ ધરાવે છે. આમાં ઉતારેલાં વાલ્મીકિસૂત્રો કુલ 575 છે. સિંહરાજે પ્રાકૃત શબ્દોના ત્રણ વિભાગ પાડ્યા છે : ‘સંસ્કૃતસમ’, સંસ્કૃતમાંથી આવેલા ‘તદભવ’ અને ‘દેશ્ય’. ત્રીજા પ્રકારના શબ્દોનો સમાવેશ આ વ્યાકરણમાં કર્યો નથી. પાણિનિની પારિભાષિક સંજ્ઞાઓ ઉપરાંત કેટલીક નવી સંજ્ઞાઓ પણ આમાં યોજવામાં આવી છે. પ્રત્યાહારોમાં સાતે કારકોની 7 સંજ્ઞાઓ, 10 સંક્ષેપો તથા 4 અનુબંધોની નવી સંજ્ઞાઓ ઉપજાવેલ છે. સંજ્ઞા, પરિભાષા, સંહિતા, સુબન્ત (નામાદિ), તિગન્ત (ધાતુ) અને શૌરસેન્યાદિ — એમ છ વિભાગમાં ચર્ચા કરેલી છે. એના 22 અધ્યાય છે. ક્રમ આ પ્રમાણે છે : સ્વરાન્ત, પુંલ્લિગં, સ્ત્રીલિંગ, નપુંસકલિંગ નામો; વ્યંજનાન્ત પુંલ્લિગં, સ્ત્રીલિંગ, નપુંસકલિંગ નામો; સર્વનામો युष्मत् અને अस्मत्. કેટલાંક નામોમાં પ્રાકૃત રૂપો; અવ્યયો; ગણો; વર્તમાનકાળ; વિધ્યર્થ; આજ્ઞાર્થ; ભવિષ્યકાળ; સંકેતિતાર્થ; અદ્યતન ભૂતકાળ; હ્યસ્તન ભૂતકાળ; પૂર્ણભૂતકાળ; કર્મણિ; પ્રેરક; કેટલાક ધાતુઓના પર્યાયો; ધાતુસાધિત નામો – આટલું 17 અધ્યાયમાં સમાવ્યું છે. પછીના પાંચ અધ્યાયોમાં અનુક્રમે શૌરસેની, માગધી, પૈશાચી અને ચૂલિકા પૈશાચી — એ ચાર પ્રાકૃત ભાષાઓ અને અપભ્રંશના નિયમો આપ્યા છે. આ રીતે ‘પ્રાકૃતરૂપાવતાર’ પ્રાકૃત-વ્યાકરણનો મહત્વનો ગ્રંથ છે.

જયન્ત પ્રે. ઠાકર