પ્રાકૃતકથાસંગ્રહ (14મી સદી)

February, 1999

પ્રાકૃતકથાસંગ્રહ (14મી સદી) : પ્રાકૃત કથાઓનો સંગ્રહ. પદ્મચંદ્રસૂરિના અજ્ઞાત શિષ્યે ‘વિક્કમસેણચરિય’ નામના પ્રાકૃત કથાગ્રંથની રચના કરી હતી. આની 14 કથાઓમાંથી 12 કથાઓ ‘પ્રાકૃતકથાસંગ્રહ’માં આપવામાં આવી છે. ગ્રંથકર્તાની અને સમયની બાબતમાં આનાથી વધારે કોઈ બીજી માહિતી  મળતી નથી. ‘પ્રાકૃતકથાસંગ્રહ’ની એક પ્રત સંવત 1398(ઈ. સ. 1342)માં લખાઈ હતી, જેનાથી અનુમાન થઈ શકે કે મૂળ ગ્રંથકારનો સમય એ પહેલાંનો હોવો જોઈએ. ઈ. સ. 1952માં વિજયાનંદસૂરીશ્વરજી જૈન ગ્રંથમાળામાં આ ગ્રંથ પ્રકાશિત થયો છે.

‘પ્રાકૃતકથાસંગ્રહ’માં દાન, શીલ, તપ, ભાવના, સમ્યકત્વ, નવકારમંત્ર, સંસારની અનિત્યતા, કર્મની પ્રધાનતા આદિ સંબંધિત પસંદગીની સ-રસ કથાઓ આપવામાં આવી છે. દાન અંગે ધનદેવ અને ધનદત્તની તથા સમ્યક્ત્વના પ્રભાવ અંગે ધનશ્રેષ્ઠીની કથાઓ છે. શીલવતી સુંદરીદેવીની કથામાં સુંદરીની કલાનિપુણતા અને બુદ્ધિ-ચાતુર્યનાં દર્શન થાય છે. સૌભાગ્યસુંદરીની કથા નવકારમંત્રનો, મૃગાંકરેખા અને અઘટકની કથાઓ તપનો, બહુબુદ્ધિની કથા ભાવનાનો અને સમુદ્રદત્તની કથા અનિત્યતાનો પ્રભાવ બતાવે છે. ઉપરાંત તે સમયે વેપારીઓ ધનોપાર્જન માટે પર્વતો, નદીઓ, ભયાનક જંગલો અને સમુદ્ર પાર કરી સાહસપૂર્ણ યાત્રાએ જતા તેની જાણકારી તેમાં મળે છે. આ લૌકિક અને ધાર્મિક કથાઓ અલંકારોથી વિભૂષિત અને સહૃદયજનોને આનંદ આપે તેવી છે.

કાનજીભાઈ પટેલ