પ્રાકૃત કલ્પતરુ (17મી સદી)

February, 1999

પ્રાકૃત કલ્પતરુ (17મી સદી) : પ્રાકૃત ભાષા-વિભાષાઓનો વ્યાકરણગ્રંથ. ‘પ્રાકૃત કલ્પતરુ’ની રચના રામશર્મા તર્કવાગીશ ભટ્ટાચાર્યે કરી હતી. તેમનો સમય સત્તરમી શતાબ્દી મનાય છે. ‘પ્રાકૃત કલ્પતરુ’ની સ્વોપજ્ઞવૃત્તિ મળે છે.

‘પ્રાકૃત કલ્પતરુ’ ત્રણ શાખામાં વિભાજિત છે : પ્રથમ શાખામાં મહારાષ્ટ્રી પ્રાકૃતનાં લક્ષણો નવ સ્તબકમાં આપવામાં આવ્યાં છે, જેમાં અજ્, હલ્, દ્વિત્વ, સન્ધિ, સુબન્ત, તિઙન્ત, ધાત્વાદેશ અને નિપાતના નિયમોનો સમાવેશ થાય છે. બીજી શાખામાં પહેલા સ્તબકમાં શૌરસેની, બીજા સ્તબકમાં પ્રાચ્યા, આવન્તી, વાલ્હીકી, માગધી, અર્ધમાગધી અને દાક્ષિણાત્યા તેમજ ત્રીજા સ્તબકમાં વિભાષાઓ જેવી કે શાકારી, ચાંડાલી, શાબરી, આભીરી અને ટક્કીનું વર્ણન છે. અહીં કઈ ભાષા કોના દ્વારા પ્રયોજાય છે તેનો ઉલ્લેખ પણ મળે છે; જેમ કે આવન્તી અને વાલ્હીકી ભાષા નગરાધિપ, દ્વારપાલ, ધૂર્ત, મધ્યમપાત્ર, દણ્ડધારી અને વ્યાપારીઓ બોલે છે; જ્યારે માગધીનો પ્રયોગ રાક્ષસ, ભિક્ષુ અને ક્ષપણક વગેરે કરે છે. રાજાનો સાળો, મદોદ્ધત, ચપલ અને  અતિમૂર્ખને શકાર કહેવાય છે. તેના દ્વારા પ્રયોજાતી ભાષા શાકારી છે; જે ગ્રામ્ય, નિરર્થક, ક્રમવિરુદ્ધ, ન્યાય-આગમવિહીન, ઉપમાનરહિત અને પુનરુક્તિઓવાળી હોય છે. શાબરીનો ઉપયોગ અંગારિક, પારધિ, નાવ અને કાષ્ઠોપજીવી કરે છે. પાત્રોના ભેદથી આભીરી, દ્રાવિડી, ઔત્કલી, વનૌકસી અને માન્દુરી નામની વિભાષાઓમાં માગધી વિભાજિત છે. ટક્કી ભાષા જુગારી અને ધૂર્તો બોલે છે. શાકારી, ઔડ્રી, દ્રાવિડી વિભાષાઓનો સમાવેશ અપભ્રંશમાં થાય છે; પણ જો તેનો પ્રયોગ નાટકમાં થયો હોય તો અપભ્રંશ ન કહેવાય.

ત્રીજી શાખામાં પહેલા સ્તબકમાં નાગર અપભ્રંશ, બીજા સ્તબકમાં વ્રાચડ અને ત્રીજા સ્તબકમાં પૈશાચીનું વર્ણન છે. વ્રાચડને સિન્ધુદેશની ભાષા કહેવાઈ છે. તેના વર્ણન પછી વિશિષ્ટ લાક્ષણિકતાઓ ધરાવતી વીસ પ્રકારની અપભ્રંશ ભાષાઓનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે. જેમાં પાંચાલી, માગધી (માલવી?), વૈદર્ભી, લાટી, ઔડ્રી, કૈકેયી, ગૌડી, કૌન્તલી, પાંડી, સૈપ્પલી (સૈંહલી?), કલિંગી, પ્રાચ્યા, આભીરી, કર્ણાટી, મધ્યદેશી, ગૌર્જરી, દ્રાવિડી, પાશ્ચાત્યા, વૈતાલી અને કાંચીનો સમાવેશ થાય છે.

ત્રીજા સ્તબકમાં સાત પ્રકારની શુદ્ધ પૈશાચી; જેવી કે કૈકેયી, શૌરસેની પાંચાલી, ગૌડી, માગધી, વ્રાચડ તેમજ ચાર પ્રકારની સંકીર્ણ પૈશાચી – સંકીર્ણભાષાશુદ્ધ, અર્ધપદશુદ્ધ, ચતુષ્પાદવિશુદ્ધ અને અશુદ્ધ વિશે ઉદાહરણ સાથે વર્ણન કરવામાં આવ્યું છે.

સલોની નટવરલાલ જોશી