પ્રાકારમ્ : મકાનની અંદરના ભાગમાંનો ચોક અથવા દ્રવિડ સ્થાપત્યના સંદર્ભમાં, મંદિરોના નગરમાં મંદિરનો ફરતો બાંધવામાં આવતો કોટ. પ્રાકારમ્ની સંખ્યા ઘણી વાર ત્રણ-ચારથી પણ વધારે રહેતી. તેમાં મંદિરોના સમૂહને આવરી લેતી ખુલ્લી જગ્યાને પણ પ્રાકારમ્ તરીકે ઓળખવામાં આવતી. આ કોટ મંદિરના સંકુલના ઉત્તરોત્તર વિકાસને અનુલક્ષીને મંદિરોની હદ બાંધવા બંધાતા અને પ્રાકારમની જગ્યામાં વિવિધ ધાર્મિક મેળાવડા થતા. પ્રાકારમને ફરતા કોટમાં ખાસ કરીને 4 દિશામાં ગોપુરમ્ અથવા દરવાજાની રચના થતી. પ્રાકારમનું માપ મદુરાના મંદિરમાં 128 મી. અને 94.5 મી. છે અને દરેક બાજુએ મધ્યમાં ગોપુરમ્ બાંધવામાં આવ્યાં છે. શ્રીરંગમ્(ત્રિચિનાપલ્લી નજીક)નાં મંદિરોનો સમગ્ર વિસ્તાર 878 મી. અને 754.5 મી. છે અને આ વિસ્તારમાં 6 અલગ અલગ પ્રાકારમ્ છે, જેનાથી સમગ્ર સમૂહ 7 અલગ અલગ એકકેન્દ્રી વિસ્તારમાં વિભાજિત થાય છે. આવા દરવાજા, ઊંચી દીવાલો અને મંદિરનાં પટાંગણોવાળા વિસ્તાર ઓરિસાના સ્થાપત્યમાં પુરીમાં પણ જોવા મળે છે; તે મંદિરોના સમૂહને ફરતા બાંધવામાં આવેલ છે. આથી આ જાતની રચના દક્ષિણ અને ઉત્તર ભારતના સ્થાપત્યમાં પ્રચલિત રહેલ. આ સામ્ય નોંધવાયોગ્ય છે.

રવીન્દ્ર વસાવડા