પ્રત્યામ્લો (antacids) : જઠરમાંના ઍસિડનું તટસ્થીકરણ કરતાં ઔષધો. તેમનો મુખ્ય ઉપયોગ જઠર કે પક્વાશય(duodenum)માં પડેલું ચાંદું કે અજીર્ણની સારવારમાં થાય છે. મોટે ભાગે તે જરૂર કરતાં ઓછી માત્રામાં વપરાય છે. ઓછી માત્રામાં લેવાય છતાં ધારી અસર ઉપજાવે તેવી અસરને અનૌષધીય અસર (placebo effect) કહે છે. જ્યારે કોઈ અસરકારક ઔષધને સ્થાને કોઈ બિનઅસરકારક કે નિષ્ક્રિય દ્રવ્યને આપવામાં આવે તેમ છતાં તે જો ધારી અસર ઉત્પન્ન કરે તો તેને પણ અનૌષધીય અસર કહે છે અને તેવા દ્રવ્યને અનૌષધ  અથવા છદ્મઔષધ (placebo) કહે છે. આ રીતે પ્રત્યામ્લો ઘણી વખત ઓછી માત્રામાં વપરાયા હોવા છતાં અજીર્ણ(dyspepsia)ની તકલીફ દૂર કરે છે. આ પ્રકારના તેમના કાર્યને અનૌષધીય કાર્ય કહે છે. આ જ કારણસર દર્દીઓ જાતસારવાર(self medication)ના રૂપમાં તેનો ઘણી વખત ઉપયોગ કરે છે.

પ્રત્યામ્લોની ઍસિડનું તટસ્થીકરણ કરવાની ક્ષમતાને અમ્લ-તટસ્થન-ક્ષમતા (acid neutralising capacity) કહે છે. જેટલા કદના પ્રત્યામ્લથી 1N હાઇડ્રોક્લૉરિક ઍસિડની અમ્લતાને 15 મિનિટમાં 3.5 pH-મૂલ્ય સુધી ઘટાડી શકાય તેટલા તેના કદને તેની અમ્લ-તટસ્થન-ક્ષમતા કહે છે. તેને મિલિઇક્વિવેલન્ટ(mEq)ના એકમમાં દર્શાવવામાં આવે છે. મોટા ભાગનાં હાલ વપરાતાં પ્રત્યામ્લોનાં મિશ્રણોના 5 મિલી. પ્રવાહીની અમ્લ-તટસ્થનક્ષમતા 10થી 25 mEq હોય છે.

પ્રત્યામ્લોમાં બે પ્રકારના આયનો હોય છે : ઋણભારિત આલ્કલીલક્ષણ (alkalinity) ધરાવતા આયનો અને ધનભારિત ધાતુના આયનો. આલ્કલીલક્ષણ ધરાવતા ઋણભારિત આયનોમાં હાઇડ્રૉક્સાઇડ, બાયકાર્બોનેટ, કાર્બોનેટ, સાઇટ્રેટ, ફૉસ્ફેટ અને ટ્રાઇસિલિકેટનો સમાવેશ થાય છે. હાઇડ્રૉક્સાઇડ આયનનો સૌથી વધુ વપરાશ છે. પ્રત્યામ્લોના ક્ષારોની સ્થિરતાનો આધાર તેમાંના ધાતુ આયનો પર છે. ઍલ્યુમિનિયમ અને મૅગ્નેશિયમના ક્ષારો સામાન્ય વપરાશમાં હોય છે. સોડિયમ, પોટૅશિયમ જેવી આલ્કલી ધાતુઓ(alkali metals)ના ક્ષારો પાણીમાં ઘણા તીવ્ર આલ્કલી બનાવે છે માટે તેમનો સારવારમાં ઉપયોગ કરાતો નથી. મૅગ્નેશિયમ કાર્બોનેટ MgCO3 ધીમો પણ દ્રાવ્ય પ્રક્રિયક છે. મૅગ્નેશિયમ હાઇડ્રૉક્સાઇડ Mg(OH)2 લગભગ અદ્રાવ્ય પદાર્થ છે. પરંતુ તે ખૂબ ઝડપથી તટસ્થીકરણ કરે છે. તેથી તે જઠરની દીવાલનું ક્ષારણ (corrosion) કરતો નથી. મૅગ્નેશિયમ ટ્રાઇસિલિકેટ ધીમે કાર્ય કરે છે અને તેથી જઠર ખાલી થઈ જાય ત્યાં સુધીમાં તેણે પૂરતું તટસ્થીકરણ કર્યું ન હોય એવું પણ બને છે. ઍલ્યુમિનિયમ હાઇડ્રૉક્સાઇડ Al(OH)3 અદ્રાવ્ય પદાર્થ છે. તે મૅગ્નેશિયમના હાઇડ્રૉક્સાઇડ અને કાર્બોનેટ Mg(OH)2 અને MgCO3 તથા કૅલ્શિયમ કાર્બોનેટ CaCO3 કરતાં પણ અતિશય ધીમો પ્રક્રિયક છે. વળી તે આંતરડામાં ખોરાકમાંથી આવતા ફૉસ્ફેટના આયનો સાથે અદ્રાવ્ય ક્ષારો પણ બનાવે છે. CaCO3 ઝડપથી અને અસરકારક રીતે ઍસિડનું તટસ્થીકરણ કરે છે. જોકે તેમાંનાં કૅલ્શિયમના આયનો પક્વાશય અને નાના આંતરડામાં ફૉસ્ફેટ સાથે અદ્રાવ્ય ક્ષારો અને કૅલ્શિયમના સાબુ (soap) બનાવે છે.

ઔષધશાસ્ત્રીય અસરો : તેમની મુખ્ય અસરો જઠર અને આંતરડામાં જોવા મળે છે. તે જઠરમાંનું pH-મૂલ્ય વધારે છે, જઠર અને આંતરડામાં પચિતકલાવ્રણ(peptic ulcer)ને નામે ઓળખાતા ચાંદા પર અસર કરે છે, પ્રતિક્રિયા રૂપે જઠરમાં ઍસિડનો સ્રાવ વધારે છે, જઠર અને આંતરડાનું સંચલન (હલનચલન) વધારે છે તથા કેટલીક પ્રકીર્ણ અસર પણ ઉપજાવે છે. જઠરમાં ખોરાક હોય ત્યારે તે પણ ત્યાંનું pH-મૂલ્ય વધારે છે. તે પ્રત્યામ્લોનો ક્રિયાકાળ વધારીને 2 કલાક કરે છે. ખાલી જઠરમાંથી પ્રત્યામ્લને લગભગ 30 મિનિટમાં નાના આંતરડામાં ઠાલવી દેવાય છે. જઠરમાંના શ્લેષ્મિલ નત્રલો (mucoproteins) Al(OH)3નું કાર્ય ધીમું કરે છે. પરંતુ તેની સાથે ઝડપી કાર્ય કરનાર Mg(OH)2 આપવામાં આવે તો તે ઝડપી અને લાંબી ચાલતી અસર ઉપજાવવામાં મદદરૂપ રહે છે.

જઠરમાં પ્રોટીનને પચવતા ઉત્સેચકને જઠરીય પ્રોટીનપાચક (pepsin) કહે છે. જો પ્રત્યામ્લો અપૂરતા પ્રમાણમાં અપાય તો જઠરીય પોટીનપાચકની ક્રિયા વધે છે અને તેથી પચિતકલાવ્રણ નામનું ચાંદું સક્રિય રહે છે. પરંતુ જો પૂરતા પ્રમાણમાં તટસ્થીકરણ થયું હોય તો જઠરીય પ્રોટીનપાચકની અસર રહેતી નથી અને તેનું સક્રિયીકરણ પણ ઘટે છે. તેથી જઠર કે પક્વાશયમાંનું ચાંદું રુઝાય છે. જઠરના pH-મૂલ્ય વધવાને કારણે જઠરમાં ઍસિડનો સ્રાવ પણ વધે છે. ખાસ કરીને પક્વાશયના ચાંદાના દર્દીને જો સોડાબાયકાર્બ (NaHCO3) આપેલો હોય તો તેવું થાય છે. તેને વિપરીત અસરી અતિસ્રવણ (rebound hypersecretion) કહે છે. તેવું Al(OH)3, Mg(OH)2 કે NaHCO3 કરતાં CaCO3 સાથે વધુ બને છે. તેનું કારણ તેમાં રહેલાં કૅલ્શિયમ-(Ca++)ના આયનો ગણાય છે.

જઠરમાંના પ્રવાહીનું આલ્કલીકરણ (alkalinisation) થાય ત્યારે જઠરનું હલનચલન (સંચલન, motility) વધે છે. ઍલ્યુમિનિયમનાં આયનો જઠરના સ્નાયુઓને શિથિલ કરીને જઠરની ખાલી થવાની ક્રિયા (જઠરીય રિક્તીકરણ, gastric emptying) ધીમી પાડે છે. જ્યારે મૅગ્નેશિયમના આયનો તેને ઝડપી બનાવે છે. તેથી તે બંનેને સાથે લેવાય ત્યારે જઠરની ખાલી થવાની ક્રિયા સમઘાત રહે છે. જઠરમાં આલ્કલીનું પ્રમાણ વધે એટલે અન્નનળી પણ ઝડપથી ખાલી થાય છે તથા જઠરમાંનું દ્રવ્ય પાછું અન્નનળીમાં જતું અટકે છે. તેનું કારણ અન્નનળી અને જઠરની વચ્ચે આવેલા દ્વારરક્ષક(sphincter)નું દબાણ વધે છે તે છે. મૅગ્નેશિયમના આયનોની આંતરડા પરની અસરને કારણે જુલાબ (laxation) થાય છે. તેનાથી વિપરીત ઍલ્યુમિનિયમના આયનો કબજિયાત (constipation) કરે છે. આમ તે બંનેનું મિશ્રણ કોઈ જાતનો સંચલનલક્ષી વિકાર (motility disorder) કરતું નથી.

આ ઉપરાંત ઍલ્યુમિનિયમ શ્લેષ્મનો સ્રાવ વધારે છે અને ચાંદાને રુઝવવામાં મદદ કરે છે. પ્રત્યામ્લોને કારણે બનતા અદ્રાવ્ય ક્ષારો ખોરાકના કેટલાક ઘટકોના અવશોષણમાં અવરોધ કરે છે, જેમ કે ઍલ્યુમિનિયમ અને કૅલ્શિયમના આયનો ફૉસ્ફેટ અને ફ્લોરાઇડના અવશોષણને ઘટાડે છે. વધુ પ્રમાણમાં કૅલ્શિયમવાળા પ્રત્યામ્લો દૂધ-આલ્કલી સંલક્ષણ(milk-alkali syndrome)નો વિકાર સર્જે છે. ઍલ્યુમિનિયમના ક્ષારો પિત્તક્ષારો અને જઠરીય પ્રોટીનપાચકનું અધિશોષણ (adsorption) કરીને ચરબી તથા પ્રોટીનનું પાચન ઘટાડે છે. તે પ્રોટીનનો નિક્ષેપ (precipitation) કરે છે, જે ચરબીના ઍસિડ અથવા મેદામ્લો (fatty acids) સાથે સંયોજાઈને સાબુ બનાવે છે. કૅલ્શિયમ અને મૅગ્નેશિયમવાળા પ્રત્યામ્લોમાં આ પ્રકારની અસર ઓછી થાય છે.

અવશોષણ, વિતરણ અને ઉત્સર્ગ : સોડાબાયકાર્બ અને સોડિયમ સાઇટ્રેટ લગભગ પૂરેપૂરા અવશોષાય છે. તેથી તે ક્યારેક લોહીની આલ્કલિતા (alkalinity) વધારીને ચયાપચયી આલ્કલિતાવિકાર (metabolic alkalosis) નામનો વિકાર કરે છે. ઍલ્યુમિનિયમ, મૅગ્નેશિયમ અને કૅલ્શિયમવાળા પ્રત્યામ્લો ઓછા પ્રમાણમાં અવશોષાય છે તેથી તે મોટેભાગે આંતરડામાં થઈને મળ દ્વારા બહાર નીકળી જાય છે. તેઓ કેટલાક અદ્રાવ્ય ક્ષારો કે સાબુ બનાવે છે. જો દર્દીને મૂત્રપિંડની નિષ્ફળતાનો વિકાર હોય તો તેના શરીરમાં આ ધાતુઓના આયનોનો ભરાવો થાય છે. આ ત્રણે પ્રકારના ધન આયનો મુખ્યત્વે મળ દ્વારા શરીરની બહાર લઈ જાય છે.

આડઅસરો : સોડાબાયકાર્બ અને કૅલ્શિયમ કાર્બોનેટની મોટી માત્રાને દૂધ સાથે આપવાથી દૂધ-આલ્કલી સંલક્ષણનો વિકાર થાય છે. તેને કારણે લોહીમાં કૅલ્શિયમનું પ્રમાણ વધે છે. તેને અતિકૅલ્સિરુધિરતા (hypercalcaemia) કહે છે. તેને કારણે પરાગલગ્રંથિ(parathyroid gland)નું કાર્ય ઘટે છે, શરીરમાં ફૉસ્ફેટનો ભરાવો થાય છે, મૂત્રપિંડમાં કૅલ્શિયમ જમા થાય છે અને મૂત્રપિંડની નિષ્ફળતાનો વિકાર સર્જાય છે. લાંબા સમય સુધી જો મૂત્રમાં આલ્કલિતા આવે તો મૂત્રમાર્ગમાં પથરી થવાનો ભય રહે છે. ઍલ્યુમિનિયમના ક્ષારોથી ભાગ્યે જ મૂત્રપિંડનો વિકાર થાય છે. ઍલ્યુમિનિયમના ક્ષારો કબજિયાત અને મૅગ્નેશિયમના ક્ષારો પાતળા ઝાડા કે જુલાબ કરે છે. કૅલ્શિયમથી મોટેભાગે કબજિયાત પણ ક્યારેક પાતળા ઝાડા એમ બંને પ્રકારની અસરો જોવામાં આવેલી છે. સોડાબાયકાર્બોનેટને હૃદયરોગ કે લોહીના ઊંચા દબાણવાળા દર્દીને આપવામાં હૃદયની નિષ્ફળતા થવાનો કે લોહીનું દબાણ વધી જવાનો ભય રહેલો છે.

ઔષધીય આંતરક્રિયા (drug interaction) : પ્રત્યામ્લો જઠર તથા પેશાબના pH-મૂલ્ય તેમજ આંતરડાનું સંચલન બદલી કાઢીને અનેક દવાઓ સાથે આંતરક્રિયા કરે છે અને તેમની અસરમાં ફેરફાર આણે છે. તેથી મોં વાટે અપાતી બીજી દવાઓને મોટેભાગે પ્રત્યામ્લો સાથે ન લેવાની સલાહ અપાય છે. સામાન્ય રીતે તેમની વચ્ચે 2 કલાકનો સમયગાળો હોય એવું સૂચવાય છે. મૅગ્નેશિયમ ટ્રાઇસિલિકેટ અને ઍલ્યુમિનિયમના ક્ષારો ઘણાં ઔષધો સાથે ભૌતિક ક્રિયા કરીને તેમનું અધિશોષણ કરે છે અથવા રાસાયણિક રીતે સંયોજાય છે. તેને કારણે તેમનું અવશોષણ ઘટે છે. તેથી લોહ, ટેટ્રાસાઇક્લિન, આઇસોનિઍઝિડ, ઇથેમ્બ્યુટોલ, બેન્ઝોડાયાઝેપિન્સ, ફિનોથાયેઝાઇન્સ, રૅનિટિડિન, ઇન્ડોમિથેસિન, ફેનિટોઇન, નાઇટ્રોફ્યુરેન્ટોઇન, વિટામિન-એ, ફ્લોરાઇડ અને ફૉસ્ફેટનું અવશોષણ ઘટે છે. પેશાબના આલ્કલીકરણને કારણે સેલિસિલેટ અને ફિનોબાર્બિટોનનો ઉત્સર્ગ વધે છે તથા ઍમ્ફેટેમિન, એફિડ્રિન, ક્વિનિડિન વગેરે દવાઓનો ઉત્સર્ગ ઘટે છે. જો ઉત્સર્ગ વધે તો તે દવાની અસર ઘટે છે અને જો તે વધે તો જે-તે દવાની ઝેરી અસર પણ થઈ શકે છે. પ્રત્યામ્લો રૅનિટિડિનનો યકૃતીય ચયાપચય (hepatic metabolism) ઘટાડે છે. તે પેશાબમાંનો ચેપ મટાડવાની નાઇટ્રોફ્યુરેન્ટોઇનની ક્ષમતા ઘટાડે છે. જો દર્દી થાયેઝાઇડ જૂથનો મૂત્રવર્ધક (diuretic) લેતો હોય અને સાથે કૅલ્શિયમવાળો પ્રત્યામ્લ પણ લેતો હોય તો લોહીમાં કૅલ્શિયમનો વધારો થાય છે.

ઔષધિસ્વરૂપો, માત્રા (dose) અને ઉપયોગો : કેટલાંક ઔષધિસ્વરૂપોમાં  વાયુના  પરપોટા ફોડતું સૅમિથિકોન નામનું દ્રવ્ય તથા અન્નનળીમાં ચચરાટ ઘટાડતું ઍલ્જિનિક ઍસિડ નામનું દ્રવ્ય પણ હોય છે. તે ઍસિડનું તટસ્થીકરણ કરતા નથી અને ચાંદાને રુઝવતા નથી. તેમનો ઉપયોગ વાયુપ્રકોપ ઘટાડવા અને છાતીમાંની બળતરા ઘટાડવા પૂરતો સીમિત હોય છે. સામાન્ય રીતે ઍલ્યુમિનિયમ અને મૅગ્નેશિયમના હાઇડ્રૉક્સાઇડવાળાં મિશ્રણો વધુ વપરાશમાં છે. તેમને જમ્યા  પછી 1થી 3 કલાકે અને રાત્રે આપવામાં આવે છે જેથી તેમના દિવસ આખાની કુલ માત્રા 1000 mEq બને. મોટાભાગનાં મિશ્રણોની દર 5 મિલી.ની માત્રામાં અમ્લ-તટસ્થન-ક્ષમતા 10થી 25 mEqની હોય છે. તેથી તેમની 24 કલાકમાંની કુલ માત્રા 200થી 500 મિલી. જેટલી થાય. આ માત્રામાં તે પક્વાશયમાંનું ચાંદું રુઝવે છે. જોકે આ પદ્ધતિમાં મધ્યરાત્રિએ થતા દુખાવા સાથે પૂરતું રક્ષણ મળતું નથી. કેટલાંક આધુનિક સંશોધનોએ ઓછી માત્રામાં એટલી જ સારી અસર થાય છે એવું દર્શાવ્યું છે. તે પ્રમાણે 80થી 400 મિલી. દવા એટલે કે 400 mEqની માત્રા પૂરતી થઈ પડે તેમ છે. જો દર્દીને ઝોલિંગર-ઍલિસનનો રોગ હોય તો તેણે 1000 mEqથી વધુ માત્રા લેવી જરૂરી બને છે.

હિસ્ટામીન-2-રોધકો, જેવાં કે રૅનિટિડિન, ફેમોટિડિન વગેરેએ અને ધનકણીય દાબ-પ્રચાલક (proton pump) જૂથનાં નવાં ઔષધોએ હાલ પ્રત્યામ્લોનો ચાંદાને રુઝવવા માટેનો ઉપયોગ લગભગ નહિવત્ કર્યો છે. તેથી તેઓ મુખ્યત્વે અજીર્ણ (dyspepsia), વાયુપ્રકોપ (flatulence), છાતીમાં બળતરા અથવા વક્ષદાહ (heart burn) વગેરે જેવી તકલીફોમાં ખાસ ઉપયોગમાં લેવાય છે. ગાઢ બેભાન-અવસ્થા (coma), શસ્ત્રક્રિયા માટે કરાતી બેહોશી (નિશ્ચેતના, anaesthesia), જઠરની અંદર નિરીક્ષણ કરવાની જઠરનિરીક્ષા (gastroscopy) નામની નિદાનતપાસ તથા જઠરમાંના દ્રવ્યને નળી વાટે બહાર કાઢવાની ક્રિયા કરતાં પહેલાં પ્રત્યામ્લ આપીને જઠરમાંના પ્રવાહીનું pH-મૂલ્ય 3.5 કે વધુ કરાય છે. તેને કારણે તે ક્રિયા કરતી વખતે જો જઠરમાંનું પ્રવાહી ફેફસામાં પ્રવેશે તોપણ તે કોઈ જોખમી વિકાર કરતું નથી.

સુધાંશુ પટવારી

શિલીન નં. શુક્લ