પ્રત્યર્પણ (extradition) : કોઈ આરોપી કે ગુનેગાર એક દેશમાંથી છટકીને બીજા દેશમાં નાસી ગયો હોય તો તેને પકડીને પરત કરવાની પ્રક્રિયા. આમાં જે દેશના કાયદા મુજબ ગુનો થતો હોય તે દેશ, જે દેશમાં ગુનેગાર રહેતો હોય તે દેશ પાસે, તે આરોપી કે ગુનેગારની પોતાના દેશના કાયદા મુજબ અદાલતી કાર્યવહી ચલાવવા માટે માગણી કરે છે.

સામાન્ય આંતરરાષ્ટ્રીય કાયદામાં પ્રત્યર્પણની માગણી કરવાનો હક સ્વીકારાયેલો નથી. વીસમી સદીની શરૂઆતથી જ્યારે વાહનવ્યવહારમાં ક્રાંતિ આવી અને એક દેશના ગુનેગારો બીજા દેશમાં છટકી જવા લાગ્યા ત્યારથી પ્રત્યર્પણ માટેની દ્વિપક્ષીય કે બહુપક્ષીય સંધિઓ થવા લાગી. આંતરરાષ્ટ્રીય કાયદાના ખ્યાતનામ લેખક ગ્રોટિયસના મંતવ્ય મુજબ સામાન્ય ગુનાઓ માટે સજા કરવાની કે પ્રત્યર્પણ કરવાની રાજ્યોની આંતરરાષ્ટ્રીય ફરજ છે.

પ્રત્યર્પણ સામાન્ય ગુનાઓ માટે થઈ શકે, રાજકીય ગુનાઓ માટે નહિ. સામાન્ય ગુનાઓની વ્યાખ્યા બાબતમાં રાજ્યો વચ્ચે ઘણા મતભેદો ઊભા થતા હોય છે. રાજકીય ગુનાઓ માટે શરણસ્થાન (asylum) આપવામાં આવે છે, તેથી જેને શરણસ્થાન મળ્યું હોય તેનું પ્રત્યર્પણ થઈ શકે નહિ. પ્રત્યર્પણ માટે બીજો સિદ્ધાંત ‘દ્વિપક્ષીય ગુનેગીરી’નો છે, એટલે કે જે કૃત્ય માટે પ્રત્યર્પણ માગવામાં આવ્યું હોય તે કૃત્ય માગનાર અને સોંપણી કરનાર બંને દેશોમાં ગુનો લેખાતું  હોવું જોઈએ. ત્રીજો સિદ્ધાંત ‘વિશિષ્ટતા’નો છે. તેમાં જે ગુના માટે પ્રત્યર્પણ માગવામાં આવ્યું હોય તે જ ગુના માટે આરોપી પર કામ ચલાવવું જોઈએ.

પ્રત્યર્પણ હંગામી કે શરતી પણ હોઈ શકે; દા.ત., જે દેશે મોતની સજા રદ કરી હોય તે ખૂનના આરોપીને મોતની સજા ન થાય તે શરતે તેનું પ્રત્યર્પણ કરે.

છોટાલાલ છગનલાલ ત્રિવેદી