પ્રત્યાયન : એક છેડાથી બીજા છેડા સુધી ભાવ, વિચાર કે માહિતીનું થતું સંપ્રેષણ. શરીરભાષાથી માંડીને ઇન્ટરનેટ સુધીની પ્રત્યાયનની અનેક રીતો હોઈ શકે. પ્રત્યેક પ્રત્યાયનની રીત માહિતીનું વહન કરે છે. આમ કરવામાં પ્રેષક (source), સંદેશ (message), સારિણી (channel) અને અભિગ્રાહક (receiver) એમ ચાર ઘટકો સંકળાયેલા હોય છે. એક છેડે માહિતી મોકલનાર કોઈ પ્રેષક હોય છે. આ માહિતી કોઈ સંદેશ રૂપે આગળ વધતી હોય છે, સંદેશને આગળ વધવા માટે સારિણી કામગીરી બજાવતી હોય છે અને બીજે છેડે સારિણી દ્વારા પહોંચતા સંદેશને ઝીલનાર કોઈ અભિગ્રાહક હોય છે. પ્રત્યાયનતંત્ર માહિતીનું કેટલી ક્ષમતાથી વહન કરે છે એને આધારે એનું મૂલ્યાંકન થઈ શકે છે. ઓછામાં ઓછી સમધિકતા (redundancy) અને ઓછામાં ઓછો ઘોંઘાટ એ સામાન્ય રીતે સફળ પ્રત્યાયનની અનિવાર્ય શરત છે.

હવે ભાષા એ એક પ્રત્યાયન છે અને સાહિત્ય જો ભાષા દ્વારા રચાતું હોય તો સાહિત્ય પણ પ્રત્યાયન છે. આથી ભાષાના પ્રત્યાયન અને સાહિત્યના પ્રત્યાયનને એક ગણીને ચાલી શકાય કે નહિ એ અંગે ઘણા મતભેદ પ્રવર્તે છે. કેટલાક સ્વીકારે છે કે સાહિત્યની ભાષાકીય પ્રવૃત્તિ સ્વરૂપગત રીતે અને કાર્યગત રીતે સહેજ પણ જુદી નથી, તો કેટલાક ભાષાકીય પ્રવૃત્તિને જુદી અને વિશિષ્ટ પ્રવૃત્તિ ગણીને ચાલે છે; એટલું જ નહિ, પણ સાહિત્યમાં પ્રત્યાયન અંગે અને સાહિત્યના પ્રત્યાયન અંગે પણ ભિન્ન ભિન્ન મતો પ્રવર્તે છે.

પ્રત્યાયન નહિ તો સાહિત્ય નહિ એવું માનનારાઓની સામે પ્રત્યાયન જો થયું તો સાહિત્ય નહિ એમ માનનારાઓ પણ છે. એવું પણ માનનારાઓ છે કે સાહિત્ય સમજાય એ પહેલાં સાહિત્યનું પ્રત્યાયન થઈ ચૂક્યું હોય છે.  કેટલાક સાહિત્યમાં પ્રેષકથી અભિગ્રાહક પર્યંતના સીધા પ્રત્યાયનને માન્ય ન રાખતાં પ્રેષકથી કૃતિ પર્યંત અને અભિગ્રાહકથી કૃતિ પર્યંત એમ થનારા દ્વિવિધ પ્રત્યાયનની ગુંજાશને માન્યતા આપે છે અને એ રીતે વ્યવહારજગતના પ્રત્યાયન-અંતરાલ(communication gap)ના સાહિત્યક્ષેત્રે વિધેયાત્મક ઉપયોગને આગળ ધરે છે.

માર્લો પૉન્તી માને છે કે જ્યાં સુધી વ્યક્તિ સંદેશ કે માહિતીનું વહન કરે છે ત્યાં સુધી એ પ્રણાલીગત સ્તરે વધારેમાં વધારે પ્રત્યાયનશીલ હોય છે, પણ વ્યક્તિ જેવી પોતાને વ્યક્ત કરવા મથે છે અને ભાષાની વ્યવસ્થાઓનો ભંગ કરે છે એ સાથે એ સર્જકસ્તરે વધારેમાં વધારે અભિવ્યક્તિશીલ હોય છે. એટલે કે સફળ પ્રત્યાયન સાથે ઓછી અભિવ્યક્તિ અને સફળ અભિવ્યક્તિ સાથે ઓછું પ્રત્યાયન નિહિત રીતે સંકળાયેલાં છે.

આમ, સાહિત્ય એ સહેતુક સંપૂર્ણ પ્રત્યાયનને બદલે અપૂર્ણ પ્રત્યાયનને ઉત્તેજન આપે છે. સામગ્રીનું વહન કરવાને બદલે સ્વરૂપોનું વહન કરે છે અને એ રીતે પ્રત્યાયન જેનું થાય છે એની સાથે સાથે ખુદ પ્રત્યાયન પણ સાહિત્યમાં ધ્યાનનો વિષય બને છે. આથી આઈ. એ. રિચર્ડ્સ જેવાને સાહિત્ય એ પ્રત્યાયન-કાર્યનું ચરમ સ્વરૂપ લાગ્યું છે.

ચન્દ્રકાન્ત ટોપીવાળા