પ્રત્યભિજ્ઞાદર્શન (ઈ. સ. 1000થી)

February, 1999

પ્રત્યભિજ્ઞાદર્શન (ઈ. સ. 1000થી) : કાશ્મીરમાં જાણીતો શૈવદર્શનનો સૌથી મહત્વનો અને અંતિમ વિભાગ. કાશ્મીરમાં પ્રચલિત શૈવદર્શનના ત્રણ વિભાગો છે : (1) આગમશાસ્ત્ર, (2) સ્પન્દશાસ્ત્ર અને (3) પ્રત્યભિજ્ઞાશાસ્ત્ર. શૈવદર્શનના પ્રથમ વિભાગ આગમશાસ્ત્રમાં શૈવદર્શનની અનુશ્રુતિ રજૂ થઈ છે; બીજા વિભાગ સ્પન્દશાસ્ત્રમાં શૈવદર્શનના સિદ્ધાન્તોને વિસ્તારથી રજૂ કરવામાં આવ્યા છે; જ્યારે ત્રીજો અને અંતિમ વિભાગ પ્રત્યભિજ્ઞાશાસ્ત્ર અથવા પ્રત્યભિજ્ઞાદર્શન કહેવાય છે, જેમાં શૈવદર્શનના સિદ્ધાન્તોની અને ખાસ કરીને પ્રત્યભિજ્ઞાના ખ્યાલની તર્કબદ્ધ રજૂઆત છે.

પ્રત્યભિજ્ઞાદર્શનનો આરંભ આચાર્ય વસુગુપ્ત અને તેમના શિષ્ય આચાર્ય સોમાનંદે લખેલા ‘શિવર્દષ્ટિ’ નામના ગ્રંથથી થયો છે. આથી આ બંને આચાર્યોને પ્રત્યભિજ્ઞાદર્શનના પ્રવર્તક આચાર્યો ગણવામાં આવ્યા છે. આ ‘શિવર્દષ્ટિ’ ગ્રંથ પરથી ઉત્પલ નામના આચાર્યે ‘પ્રત્યભિજ્ઞાસૂત્ર’ અથવા ‘ઈશ્વરપ્રત્યભિજ્ઞા’ નામથી ઓળખાતી સંક્ષિપ્ત અને સૂત્રબદ્ધ રચના કરી છે. આચાર્ય ઉત્પલનાં પ્રત્યભિજ્ઞાસૂત્રો એટલાં બધાં પ્રસિદ્ધ થયાં કે કાશ્મીરના શૈવદર્શનનું નામ જ પ્રત્યભિજ્ઞાદર્શન એવું પડ્યું. આચાર્ય ઉત્પલનાં પ્રત્યભિજ્ઞાસૂત્રો પર પ્રસિદ્ધ આચાર્ય અભિનવગુપ્તે ‘પ્રત્યભિજ્ઞાવિમર્શિની’ અને ‘પ્રત્યભિજ્ઞાવિવૃત્તિવિમર્શિની’ – એ બે અલગ ટીકાઓ રચી. આચાર્ય અભિનવગુપ્તની ટીકા પર ભાસ્કર નામના આચાર્યે ‘ભાસ્કરી’ નામની ટીકા લખી છે; તદુપરાંત, આચાર્ય અભિનવગુપ્તે ‘તંત્રાલોક’ નામનો ગ્રંથ રચ્યો છે, જેના પર જયરથ નામના વિદ્વાને ટીકા લખી છે. પ્રત્યભિજ્ઞાદર્શનના પ્રમુખ ગણાતા ગ્રંથોમાં ‘તંત્રસાર’, ‘પરમાર્થશાસ્ત્ર’ અને ક્ષેમરાજે લખેલા ‘પ્રત્યભિજ્ઞાહૃદય’નો સમાવેશ થાય છે.

શૈવદર્શનની સ્થાપના દ્વૈતમૂલક છે. તેના પર શંકરાચાર્યના અદ્વૈતવાદની અસર ઝીલીને અદ્વૈતની સ્થાપના કરવાનું કાર્ય પ્રત્યભિજ્ઞાદર્શને કર્યું છે. શંકરાચાર્યના અદ્વૈતવાદનો સ્વીકાર કરવા છતાં તેમના માયાવાદનો અસ્વીકાર કરી ર્દશ્ય પાર્થિવ જગતની સ્વીકૃતિ પ્રત્યભિજ્ઞાદર્શન કરે છે. પરિણામે શંકરાચાર્ય માયાને અનિર્વચનીય માને છે, તેને બદલે પ્રત્યભિજ્ઞાદર્શન માયાને સત્ માને છે. શક્તિ કે પ્રકૃતિને પ્રત્યભિજ્ઞાદર્શન જડ માનવાને બદલે ચિત્ માને છે. આ દર્શનની એવી જ એક વિશિષ્ટતા એ છે કે મોક્ષને મોટો પુરુષાર્થ માનવાને બદલે સ્વવિમર્શને મોટો પુરુષાર્થ ગણવામાં આવ્યો છે.

વળી આ દર્શનમાં પ્રત્યભિજ્ઞા – એ શબ્દનો અર્થ ‘પુન: સ્વરૂપની પ્રાપ્તિ’ એવો છે. આ દર્શનનો મહત્વનો સિદ્ધાન્ત એ છે કે દરેક મનુષ્ય પોતાના વ્યાવહારિક જીવનમાં પોતાના સ્વરૂપના જ્ઞાન દ્વારા સ્વાતંત્ર્ય એટલે મોક્ષ પ્રાપ્ત કરી શકે છે. આવો મોક્ષ કે સ્વાતંત્ર્ય પ્રાપ્ત કરવાનું સાધન વિમર્શ છે. વિમર્શ એટલે વ્યક્તિની આંતરિક સત્તા કે શક્તિ. જ્યારે શિવ શક્તિમાં પ્રતિબિંબિત થાય છે ત્યારે સતને હાથે ‘અહંવિમર્શ’ જાગે છે. આ ‘અહંવિમર્શ’ જ મૂળ ‘બિંબ’ છે અને તેનું પ્રતિબિંબ અથવા આભાસ એ વિશ્વ છે. આમ વિશ્વ ગ્રાહ્ય અને ગ્રાહક બંને છે. વળી શિવ અને શક્તિ વચ્ચે તાદાત્મ્ય કે સામરસ્ય સંબંધ રહેલો છે. જીવ મલની સીમાથી વીંટળાયેલો હોવાથી બદ્ધ બનીને અજ્ઞાનમાં પડ્યો રહે છે. જીવમાં પ્રકાશ ન હોવાથી તેમાં અર્થબોધ નથી હોતો અને વિમર્શ ન હોવાથી તેમાં સ્વાતંત્ર્ય પણ નથી હોતું. જીવનો શિવ સાથે યોગ થાય તો જીવ બુદ્ધ અને મુક્ત બને. આવો યોગ થવા માટે (1) અનુપાય, (2) શાંભવ, (3) શાક્ત અને (4) આણવ – એ ચાર ઉપાયો છે. આ ઉપાયો વડે જીવ સ્વાતંત્ર્ય કે મોક્ષ પામે છે. આ જોતાં સાંખ્યદર્શનની આત્મગત અને વસ્તુગત જ્ઞાનની વાત સાથે વેદાન્તદર્શનમાં શંકરાચાર્યના કેવલાદ્વૈતના નિરપેક્ષ બ્રહ્મવાદનું સામંજસ્ય સ્થાપવાનો પ્રયત્ન પ્રત્યભિજ્ઞાદર્શને કર્યો છે.

પ્રત્યભિજ્ઞાદર્શનનું મુખ્ય લક્ષ્ય વ્યક્તિને તેની સીમામાંથી મુક્ત કરી વિરાટનો–શિવનો–બોધ કરાવવાનું છે. આ દાર્શનિક સિદ્ધાન્તનો આધાર લઈને આચાર્ય અભિનવગુપ્તે ભરતમુનિના રસસૂત્રને સમજાવવા પોતાનો અભિવ્યંજનાવાદ રજૂ કર્યો છે. આચાર્ય અભિનવગુપ્તે તેમાં રસને શિવની જગ્યાએ મૂક્યો છે, કારણ કે શિવ મિત અને અમિત બંને પ્રકાર યોગીઓના જ્ઞાનથી પણ આગળ સ્વસંવિદગોચર છે, એ રીતે રસને પણ તેમણે સ્વસંવિદગોચર માન્યો છે. પ્રત્યભિજ્ઞાદર્શનના મુખ્ય લક્ષ્ય મુજબ રસના અભિવ્યંજનાવાદમાં પણ નટ અને પાત્ર પરથી સામાજિકને વિરાટ કે સામાન્યનો અનુભવ કરાવવાની જે વાત અભિનવગુપ્તે કરી છે, એ અભિવ્યંજનાવાદનો પાયાનો મુદ્દો છે. આથી પોતાના પ્રત્યભિજ્ઞાદર્શનના સિદ્ધાન્તને આધારે જ આચાર્ય અભિનવગુપ્તે રસના અભિવ્યંજનાવાદને પ્રસ્તુત કર્યો છે એ નોંધવું જોઈએ.

પ્ર. ઉ. શાસ્ત્રી