પ્રત્યભિજ્ઞા (recognition) : કોઈ વસ્તુને પૂર્વપરિચિતતાની લાગણી દ્વારા જોવી તે. અંગ્રેજી શબ્દની વ્યુત્પત્તિ પ્રમાણે પ્રત્યભિજ્ઞા એટલે રેકૉગ્નિશન એટલે કે (જેને પૂર્વે અનુભવ્યું છે તેને) ફરીથી જાણવું. પ્રત્યભિજ્ઞા એટલે જે તે વસ્તુને પરિચિતતાની લાગણી સાથે, ‘તે પહેલાં જોયેલી છે’ એવી પ્રતીતિ સાથે, જોવી. વર્તમાનમાં રજૂ થયેલ ઉદ્દીપક અંગે ‘આ તો ભૂતકાળમાં અનુભવેલ ચોક્કસ વસ્તુ છે’ એવું જે જ્ઞાન થાય તે પ્રત્યભિજ્ઞા છે. તેથી પ્રત્યભિજ્ઞાને પ્રત્યક્ષીકરણ સાથે ગાઢ સંબંધ છે.

પ્રત્યભિજ્ઞા મુખ્યત્વે મોટા મગજમાં (અને કંઈક અંશે નાના મગજમાં) થયેલા સ્મૃતિ-રેખાંકન ઉપર આધાર રાખે છે. રાસાયણિક ફેરફારો દ્વારા મગજના ચેતાકોષો ઉપર અનુભવની છાપ અંકાઈ જવાની ક્રિયાને સ્મૃતિ-રેખાંકન કહે છે.

પ્રત્યભિજ્ઞા સ્મરણક્રિયાના છેલ્લા તબક્કામાં આવે છે. યાદ રાખવાની ક્રિયા (1) સંકેતાંકન, (2) સંચય અને (3) પુન:પ્રાપ્તિમાંથી પસાર થાય છે. સંકેતાંકનમાં પ્રત્યક્ષ માહિતીને માનવીનું મગજ સ્વીકારે એવો સંકેત અપાય છે. સંચયમાં સંકેતોનો મગજમાં સંગ્રહ થાય છે. સમય પસાર થયા પછી જ્યારે જરૂર પડે ત્યારે સંઘરાયેલા સંકેતોને સભાન મનમાં પાછા લાવવાની ક્રિયા પુન:પ્રાપ્તિ છે. પુન:પ્રાપ્તિ બે રીતે થાય છે : (1) પુનરાવહન અને (2) પ્રત્યભિજ્ઞા.

પુનરાવહનમાં આપણને જે ક્ષણે ભૂતકાળની વિગતની જરૂર હોય તે ક્ષણે તે વિગત ગેરહાજર હોય છે. તેથી એને મગજના સ્મૃતિસંચયમાંથી સક્રિય પ્રયત્નો વડે શોધી કાઢવી પડે છે. એ શોધખોળની ક્રિયા પુનરાવહનમાં મુખ્ય છે.

પ્રત્યભિજ્ઞામાં આપણે જેને શોધીએ છીએ એ વિગત (અને બીજી અપ્રસ્તુત વિગતો પણ) આપણી સામે હાજર હોય છે. તેથી પ્રત્યભિજ્ઞામાં આપણું કાર્ય શોધખોળ કરવાનું નથી, પણ પ્રત્યક્ષ હાજર વિગતોમાંથી પ્રસ્તુત અને અપ્રસ્તુત વિગતોનો ભેદ પારખીને સાચી (પ્રસ્તુત) વિગતને માત્ર ઓળખવાનું જ છે. પુનરાવહન કરતાં પ્રત્યભિજ્ઞા (ઓળખવાનું) કાર્ય સરળ હોય છે.

પુનરાવહન કરતાં પ્રત્યભિજ્ઞામાં સંકેતાંકનની પરિસ્થિતિ અને પુન:પ્રાપ્તિની પરિસ્થિતિ વચ્ચે વધારે સમાનતા હોય છે (જુઓ આ સાથેની આકૃતિ).

પુનરાવહન કરેલી વિગત સાચી છે કે ખોટી તેની ચકાસણી પ્રત્યભિજ્ઞામાં થાય છે.

નિષ્ણાતોના મતે પ્રત્યભિજ્ઞામાં તુલના, નિર્ણય, પરિચિતતાની લાગણી અને પ્રતીતિ સાથેની ઓળખ – એ ચાર પ્રક્રિયાઓનો સમાવેશ થાય છે. શરૂઆતમાં, પ્રત્યક્ષ માહિતીની સ્મૃતિમાં સંઘરાયેલી માહિતી સાથે તુલના થાય છે. પછી આપણે નક્કી કરીએ છીએ કે અત્યારે અનુભવાતી વસ્તુ પહેલાં અનુભવેલી વસ્તુ જેવી ‘છે’ (અથવા ‘નથી’). જો સરખી લાગે, તો તે પરિચિત છે એમ સમજાય છે. છેલ્લે, આ અમુક ચોક્કસ વસ્તુ (કે વ્યક્તિ) છે એમ તેની તેના નામ સાથે ખાતરીથી ઓળખ થાય છે.

કેટલીક વાર આપણને ‘જીભને ટેરવે’ એવો અનુભવ થાય છે. જેને યાદ કરવી છે તે વિગત જીભને ટેરવે આવીને અટકી જાય છે. તે કયા વર્ગની છે તે અંગે આપણે સ્પષ્ટ હોઈએ છીએ; દા.ત., કોઈ પુરુષનું નામ છે પણ કયું નામ તે યાદ આવતું નથી. ઘણી મથામણ પછી અને થોડો આરામ કર્યા પછી, એ મોટા વર્ગમાં સમાયેલો નાનો વર્ગ ઓળખાય છે. (દા.ત., એ નામ ‘ર’થી શરૂ થતું નામ છે.) છેલ્લે તેમાં સમાયેલું વિશિષ્ટ નામ (દા.ત., રમણલાલ) ઓળખાય છે. આમ પ્રત્યભિજ્ઞા ક્રમશ: સ્પષ્ટ બનતી જાય છે.

જાગ્રત અવસ્થામાં આપણે વિવિધ રીતે ઓળખવાનું કાર્ય કરતા જ રહીએ છીએ; દા.ત., વસ્તુ કે વ્યક્તિના નામની ઓળખ, ચહેરા અને શરીરના બાંધાની પહેચાન, ઉચ્ચારેલા શબ્દના ધ્વનિની ઓળખ, સંગીતની તરજો અને રાગોની ઓળખ, હસ્તાક્ષરો અને અંગૂઠાની છાપની ઓળખ, કદ, આકાર અને રંગ ઉપરથી વસ્તુની ઓળખ, શ્ય કે અવાજની સ્પષ્ટતા અને ઝડપી જ્ઞાન ઉપરથી વસ્તુની દિશા અંતર અને ગતિની ઓળખ, ગંધ સ્વાદ કે સ્પર્શની પરખ વગેરે.

આવી વિશિષ્ટ પ્રત્યભિજ્ઞાની શક્તિઓ નોંધપાત્ર હોય છે. પ્રયોગો દર્શાવે છે કે જુદાં જુદાં 612 ચિત્રો જોયા પછી તરત 97 ટકા, 1 સપ્તાહ પછી 87 ટકા અને 4 માસ પછી 58 ટકા ચિત્રો સાચી રીતે ઓળખાય છે. 2,500 ચિત્રો જોયા પછી 4 દિવસ બાદ તેમાંનાં 91 ટકા ચિત્રો સાચી રીતે ઓળખી શકાય છે. વિવિધ 194 જાતના અવાજો સાંભળ્યા પછી બીજે દિવસે તેમાંના 89 ટકા અવાજો બરાબર ઓળખી શકાય છે. વિવિધ 48 પ્રકારની ગંધ અનુભવ્યા પછી એક અઠવાડિયા બાદ તેમાંની 70 ટકા, અને 3 માસ પછી 68 ટકા ગંધો સાચી રીતે ઓળખી શકાય છે.

પ્રત્યભિજ્ઞાની ઝડપ અને ચોકસાઈનો આધાર ઘણી બાબતો ઉપર રહેલો છે. જો યાદ રાખવાના આશય સાથે અને વ્યવસ્થિત રીતે માહિતીનો સંચય કરવામાં આવે તો પ્રત્યભિજ્ઞા ચોક્કસ અને ઝડપી બને છે. મૂળ અનુભવની પરિસ્થિતિ અને પ્રત્યભિજ્ઞાની પરિસ્થિતિ વચ્ચે જેટલું વધુ સામ્ય હોય તેટલી પ્રત્યભિજ્ઞા ચોક્કસ બને છે. યંત્રોના પ્રદર્શનમાં રસ લેતી વખતે બાજુમાંથી આપણો મિત્ર પસાર થાય તો પણ સહેલાઈથી ઓળખાતો નથી, પણ સામાજિક પ્રસંગોમાં એ જ મિત્ર તરત ઓળખાય છે. જો પૂર્વે જોયેલા સંકેતો ફરી રજૂ થાય તો પ્રત્યભિજ્ઞા સરળ બને છે. સાક્ષીને ગુનાના સ્થળે લઈ જવાથી તે ગુના સંબંધી વસ્તુઓને/વ્યક્તિને ખાતરીથી ઓળખી બતાવે છે. કેટલીકવાર અન્ય વ્યક્તિએ આપેલી માહિતી પ્રત્યભિજ્ઞાને સરળ બનાવે છે; દા.ત., સામે બેઠેલા સજ્જનને પહેલાં જોયા છે એવા ખ્યાલ આવે પણ તેઓ કોણ છે તે ઓળખાતું ન હોય, તે વખતે જો કોઈ કહે કે ‘એ તો ઘીના વેપારી છે’ તો તરત તેમને ‘શાંતિલાલ’ તરીકે ઓળખી શકાય છે.

જ્યારે રજૂ થયેલી અન્ય વસ્તુઓની સંખ્યા અને સમાનતા વધી જાય ત્યારે ભેદ પાડવાનું મુશ્કેલ બનવાથી પ્રત્યભિજ્ઞામાં વાર લાગે છે. સંશોધનો દર્શાવે છે કે દરેક નવી વિગત ઉમેરાય ત્યારે પ્રત્યભિજ્ઞાનો સમય 40 મિલી સેકંડ જેટલો વધતો જાય છે. ક્રાઇમ બ્રાંચના પોલીસ-અધિકારીઓ અને ગુનાશોધકો ગુના અંગેની ઝીણી ઝીણી વિગતોનું નિરીક્ષણ કરીને ચોક્કસ ટેવ કે લક્ષણવાળા ગુનેગારને ઓળખવામાં સફળ થાય છે.

પ્રત્યભિજ્ઞા ઉપર સંદર્ભની નિર્ણાયક અસર થાય છે. તે નીચેનાં ર્દષ્ટાંતો પરથી સમજાશે :

            1           2          3                 અહિંસા પરમો ધર્મ:

            ય          ર           લ                અશોકનો 60માંથી 52મો નંબર

            ઉપરની લીટીમાં આસપાસ આંકડા       સંદર્ભને લીધે ઉપરની લીટીમાં

            હોવાથી બગડો વંચાય છે. નીચેની         પરમો એ શબ્દ ઓળખાય છે;

            લીટીમાં આસપાસ અક્ષરો હોવાથી        નીચેની લીટીમાં બાવનમો એમ

            ‘ર’ અક્ષર વંચાય છે.                      આંકડો ઓળખાય છે.

જો વસ્તુ તેની આસપાસના વાતાવરણથી જુદી પડી જાય તો તેની પ્રત્યભિજ્ઞા ઝડપથી થાય છે; પણ જો વસ્તુનાં રૂપરંગ આસપાસની વસ્તુઓ સાથે ભળી જાય, તો તેને ઓળખવામાં મુશ્કેલી પડે છે. કેટલાંક નાનાં કે નબળાં જીવજંતુઓ(દા.ત., તીતીઘોડો, કાચિંડો)ને શિકારી પ્રાણી ઓળખી ન શકે એ રીતે તેઓ પોતાના શરીરનો રંગ આસપાસના રંગ સાથે ભળી જાય એમ બદલી શકે છે. યુદ્ધ વખતે દુશ્મન ટૅંક વિમાન પોતાની લશ્કરની છાવણી વગેરેને ઓળખી ન શકે એ માટે તેના પર આજુબાજુના પ્રદેશ જેવા રંગોના ચટાપટા લગાવી છદ્મગોપન (camouflage) કરવામાં આવે છે.

પ્રત્યભિજ્ઞા અંગે ઍંડરસન અને બાવરનો માહિતી પ્રક્રિયનનો સિદ્ધાંત જણાવે છે કે પુન:પ્રાપ્તિમાં મગજ સંચિત માહિતી પર બે રીતે પ્રક્રિયા કરે છે : વિવિધ વિકલ્પોને સભાન મનમાં રજૂ કરે છે અને તેમાંથી એક વિકલ્પને સાચા જવાબ તરીકે સ્વીકારે છે. ટિમકેનના સંકેત-સિદ્ધાંત પ્રમાણે પ્રત્યક્ષ અનુભવ વખતે મનમાં તેનો શાબ્દિક સંકેત નોંધાય છે; પુન:પ્રાપ્તિ સમયે આ સંકેતને ઓળખવાથી ચોક્કસ પ્રત્યભિજ્ઞા થાય છે. તુલવિંગના મતે પ્રત્યભિજ્ઞાની સ્પષ્ટતા સ્મૃતિરેખાંકિત લક્ષણો અને વર્તમાન પરિસ્થિતિનાં લક્ષણો વચ્ચેની પરસ્પરવ્યાપ્તિ- (overlap)ના પ્રમાણ ઉપર આધાર રાખે છે.

હવે તો પ્રત્યભિજ્ઞાને અત્યંત ઝડપી અને એકદમ ચોક્કસ બનાવવા માટે વૈજ્ઞાનિક યંત્રો અને કમ્પ્યૂટરની મદદ લેવાય છે. એવા કેટલાક આધુનિક ઉપયોગો નીચે પ્રમાણે છે : કાપડના રંગોનું મૅચિંગ કરવું, ફોટોગ્રાફના પ્રિન્ટ આબેહૂબ રંગોવાળા કાઢવા, લોહીમાં રહેલાં સૂક્ષ્મ દ્રવ્યોને ઓળખવાં, રૉબોટ (યંત્રમાનવ) વડે ઉત્પાદનના છૂટા ભાગોના આકારોને ઓળખવા, ઉત્પાદિત ચીજોને તેનું કદ ઓળખીને તે પ્રમાણે છૂટી પાડવી, જૂના ફોટા ઉપરથી કે સાક્ષીએ આપેલા વર્ણન ઉપરથી ભાગેડુ ગુનેગારનો ચહેરો ઓળખવો, બૅંકોમાં ખાતેદારોની સહીઓ ઓળખવી, ગુનાશોધનમાં અંગૂઠાની છાપોને ઓળખવી અને હસ્તાક્ષરોના નમૂના સરખાવવા, જાહેર પરીક્ષાઓમાં ઉત્તરપત્ર પર નોંધેલા ઉત્તરોનું મૂલ્યાંકન કરવું, અનેક અવાજોમાંથી વિશિષ્ટ વ્યક્તિનો અવાજ તેનાં મોજાંની તરેહ ઉપરથી ઓળખવો, સંગીતની તરજો અને રાગોને ઓળખવા, પ્રકાશ અને અવાજના સમયના તફાવત ઉપરથી વસ્તુનું અંતર ઓળખવું, દૂરના સૅટેલાઇટની મદદથી જમીનનાં તાપમાન, ભેજ વગેરે ઓળખવાં (remote sensing), તૈયાર ઉત્પાદનમાં અને તેના કાચા માલમાં રહેલી ખામીઓ ઓળખવી, દૂરનાં મોટરવાહનો, જહાજો અને વિમાનોની દિશા, અંતર અને ગતિ ચોકસાઈથી ઓળખવાં વગેરે. ચોક્કસ પ્રત્યભિજ્ઞામાં મદદ કરવા માટે કમ્પ્યૂટરોમાં ફઝી લૉજિક, કૃત્રિમ ચેતાકીય જાળ કે જિનેટિક આલ્ગોરિધમ જેવી આધુનિક પદ્ધતિઓ વપરાય છે.

ચંદ્રાંશુ ભાલચંદ્ર દવે