પ્રતિષ્ઠાન : પ્રાચીન કાળમાં ભારતમાં પ્રતિષ્ઠાન નામે ત્રણ નગર આવેલાં હતાં : (1) ઉત્તરમાં પ્રયાગ પાસે ગંગા-યમુનાના સંગમ પાસે આવેલ પ્રતિષ્ઠાનપુર આજે ઝૂસી તરીકે ઓળખાય છે. આ સ્થળ અલાહાબાદને સામે કાંઠે ગંગા ઉપર આવેલું છે. બ્રહ્મપુરાણ, હરિવંશ અને કૂર્મપુરાણ તેને ગંગાને કાંઠે હોવાનું કહે છે, જ્યારે લિંગપુરાણ તેને યમુનાને કાંઠે આવેલું હોવાનું કહે છે. પણ બંને ઉલ્લેખો પ્રયાગના સંદર્ભમાં જણાય છે. મત્સ્યપુરાણ મુજબ આ નગર મનુ-વૈવસ્વતની પુત્રી ઇલાએ વસાવ્યું હતું અને તેને પોતાનું પાટનગર બનાવ્યું હતું. નહૂષ, યયાતિ તથા પુરુરવાનું પણ એ પાટનગર હતું. આ સ્થળની ઉત્તરે હંસપ્રયત્તન અને દક્ષિણે ગંગાકિનારે ઉર્વશીતીર્થ ઇત્યાદિ યાત્રાધામો આવેલાં હતાં. પ્રયાગમાં પ્રતિષ્ઠાનપુરથી વાસુકિ સુધીના બ્રહ્માક્ષેત્રમાં કંબલ, અશ્વતર અને બહુમૂલક નામે નાગનાં સ્થાનક હોવાનું મત્સ્યપુરાણમાં વર્ણન છે. આ ક્ષેત્રમાં આવેલા પાંચ પવિત્ર કૂપ (કુંડ) પૈકીનો સમુદ્રકૂપ પ્રતિષ્ઠાનપુર(ઝૂસી)માં આવેલો છે. તેથી ઝૂસીને સમુદ્રકૂપ તરીકે ઓળખવામાં આવે છે.
સમુદ્રગુપ્તે આ નગરને ફરતો દુર્ગ બંધાવ્યો હતો. એના ભગ્નાવશેષ ત્યાં મોજૂદ છે. થોડાં વર્ષ પહેલાં ગુપ્ત સમ્રાટ કુમારગુપ્ત પહેલાના 24 સિક્કા ત્યાંથી નીકળ્યા હતા.
(2) બીજું પ્રતિષ્ઠાન દખ્ખણના સાતવાહન વંશના રાજાઓનું પાટનગર હતું. એ ગોદાવરી નદીના કિનારે આવેલું હતું. હાલમાં તે પૈઠણ નામથી ઓળખાય છે. આંધ્રપ્રદેશમાં એ વેપારનું મોટું મથક હતું. એ અશ્મક પ્રદેશનું પાટનગર હતું અને ‘મુલક’ પણ કહેવાતું. ઔરંગાબાદની દક્ષિણે 45 કિમી.ના અંતરે ગોદાવરી નદીના ઉત્તર કિનારા પર તે આવેલું હતું. તે રાજા શાલિવાહનની રાજધાની હતી. ટૉલેમીની ‘ભૂગોળ’ અનુસાર ત્યાં મહારાજ પુલોમાવી રાજ્ય કરતા હતા.
(3) ત્રીજું પ્રતિષ્ઠાનપુર રાજા ઉત્તાનપાદના સમયનું મનાય છે. એ મથુરા પાસે બિથુર છે ત્યાં આવેલું હતું. એ રાજા ઉત્તાનપાદ વિષ્ણુભક્ત ધ્રુવના પિતા તરીકે જાણીતા છે.
હરિપ્રસાદ ગં. શાસ્ત્રી
પ્રવીણચંદ્ર પરીખ