પૅગોડા : બૌદ્ધ ધર્મના આચાર્યોની સ્મૃતિ માટે બાંધેલાં ટાવર જેવાં મંદિરો. ખાસ કરીને ચીન, જપાન, મ્યાનમાર(બર્મા), ભારત અને અગ્નિ એશિયાના દેશોમાં પૅગોડા બાંધવામાં આવ્યા છે. પૅગોડામાં ઘણુખરું 3થી 15 માળ હોય છે. પ્રાચીન ભારતના ઘુમ્મટ આકારનાં સ્મારકો તરીકે બંધાતા સ્તૂપમાંથી ધર્મગુરુઓના અવશેષો ઉપર પૅગોડા બાંધવાનો વિચાર ઉદભવ્યો. તે પથ્થરના, લાકડાના કે ઈંટોના બનાવવામાં આવે છે. તેનું ભોંયતળિયું વિશાળ છે અને ઉપરના માળનું ક્ષેત્રફળ ક્રમશ: ઘટતું જાય છે. તેના દરેક માળમાં કોતરણી કરીને શણગારવામાં આવે છે. ઘણા ચીનાઓ માનતા હતા કે પૅગોડા બાંધવાથી આસપાસના લોકોનાં સુખ અને સમૃદ્ધિ વધે છે. ભારતમાં સૌથી જાણીતો પૅગોડા પેશાવર પાસે, કનિષ્ક પહેલાએ 2જી સદીમાં બુદ્ધનાં અસ્થિ સાચવી રાખવા બંધાવ્યો હતો. તેમાંથી ચીન, કોરિયા અને જાપાનમાં પૅગોડા બાંધવાની પ્રેરણા મળી હતી. તે ચોરસ, ષટ્કોણ, અષ્ટકોણ કે વર્તુલાકાર બાંધવામાં આવ્યા છે. ચીનમાં મોટાભાગના પૅગોડા અષ્ટકોણ આકારના છે. તેની રચનાના પ્રત્યેક ઘટકમાં કંઈક ધાર્મિક અર્થ રહેલો હોય છે. ચીનના પૅગોડાના નમૂના પ્રમાણે જાપાનમાં પૅગોડા બાંધવામાં આવ્યા. જાપાનમાં મોટા ભાગના પૅગોડા લાકડાના બનાવેલા છે. તેના ભોંયતળિયે અસ્થિ, પ્રતિમાઓ વગેરે રાખવામાં આવે છે. સમગ્ર મ્યાનમાર(બર્મા)માં હજારો કલાત્મક પૅગોડા બાંધવામાં આવ્યા છે. તેમાં રંગૂનનો શ્ર્વે ડગોન (shwe dagon) પૅગોડા સૌથી પ્રસિદ્ધ છે. તેનો સોનેરી ઘુમ્મટ ડુંગરના શિખર ઉપર આરસના મંચથી 99 મીટર ઊંચો છે. પેગાન નામના પ્રાચીન નગરમાં સેંકડો પૅગોડા આવેલા છે. પૅગોડા બર્મા(મ્યાનમાર)નાં સ્થાપત્યકીય સ્મારકોમાં મહત્ત્વનું સ્થાન ધરાવે છે. પૅગોડા એટલે સ્તૂપ. પૅગોડાનો મૂળ બર્મી શબ્દ ‘પયા’ છે. બર્મી સ્તૂપ કે પૅગોડા સામાન્ય રીતે પીઠિકાના ત્રણ કે પાંચ સ્તર ઉપર ઘંટ આકારે ચણેલો હોય છે. એના પર શંકુ આકારની ટોચ અને ટોચ પર ‘તિ’ (છત્રી) બનાવેલી હોય છે, જે પ્રાય: લોઢાની અને સોનાનો ઢોળ ચડાવેલી જોવા મળે છે.
બર્મામાં પેગાનનો સહુથી જૂનો સ્તૂપ બુ-પયા ત્રીજા સૈકામાં બંધાયો હોવાનું મનાય છે. કંદાકાર ધરાવતો આ પૅગોડા ત્રેવડી પીઠિકા પર ચણેલો છે. એ સ્તૂપના ભારે કદના કુંભના થર પર શંકુ આકારની ટોચ બનાવેલી છે. મધ્ય બર્માના મ્યિગયાન પ્રાંતમાં આવેલ ગક્વે ન દ ઉંગ પૅગોડા (દસમી સદી) સારનાથના સ્તૂપ સાથે સામ્ય ધરાવે છે. અગિયારમી સદી દરમિયાન સમ્રાટ અનવ્રથે શ્રીલંકાથી આણેલાં બુદ્ધનાં પવિત્ર અસ્થિ રાખવા માટે શ્વે-ઝિગોન પૅગોડાનું બાંધકામ શરૂ કરાવ્યું. એના મૃત્યુ બાદ ક્યંસિત્થાએ આ પૅગોડા પૂર્ણ કરાવ્યો.
શ્વે-સાન-દોવ પૅગોડામાંથી મળેલી અર્પિત તકતીઓ પ્રમાણે એ પૅગોડા અનવ્રથે બંધાવ્યો હતો. પાંચ પીઠિકાઓ ઉપર ઘંટ આકારના સ્તૂપનું બાંધકામ થયું છે. અંડ પર કંકણાકાર ટોચ અને એ પર શૈલ-આમલક બનાવેલાં છે. પેગાન એ પૅગોડાનગર છે. ત્યાં 800 જેટલાં સ્મારકો આજે જળવાયેલાં છે. પેગાનના પતન પહેલાં 1274માં બંધાયેલો છેલ્લો સુંદર પૅગોડા મંગલઝેદી છે. સ્તૂપની પીઠિકા પાંચ મજલાની બનેલી છે. એ સ્તૂપના વિવિધ ભાગો પર અર્ધમૂર્ત શિલ્પ કોતરેલાં છે.
ઉત્તરકાળમાં (ચૌદમીથી ઓગણીસમી સદી) પેગુ ડેલ્ટા પ્રદેશમાં આવેલા મોન નગરમાં જૂના પૅગોડા પર જ પછીના સમયમાં બાંધકામ થયાં. અહીંનો શ્વે-માવ-દોવ પૅગોડા સોળમા તથા સત્તરમા સૈકા દરમિયાન બંધાયો હોવાનું જણાય છે. એની પીઠિકા અષ્ટકોણીય છે. પીઠિકાને શોભાયમાન કરતી નાના પૅગોડાની બેવડી હાર છે. બે મજલા પર બંધાયેલા પૅગોડાનો ઘેરાવો 120.4 મીટર અને સમગ્ર ઊંચાઈ 108 મી. છે.
બર્મી પૅગોડાના બાંધકામમાં ઠીક ઠીક વૈવિધ્ય છે. સગઇંગ (મધ્ય બર્મા) પાસે આવેલા તૂપાયોન અને કઉંગ-માવ-દોવ પૅગોડાનાં તલદર્શન ગોળાકાર છે. તૂપાયોન પંદરમી સદીમાં આવાના રાજા નરપતિએ બંધાવેલો. ત્રણ ગોળાકાર મજલાઓથી એની પીઠિકા બની છે. પ્રથમ અને દ્વિતીય મજલા છતવાળા છે. પીઠિકાઓની ઉભડક બાજુએ ચૈત્યગવાક્ષ છે. ગોખલાઓની સંખ્યા પ્રથમ, દ્વિતીય અને તૃતીય મજલાઓમાં, અનુક્રમે 48, 42, 36 છે. કઉંગ-માવ-દોવ પૅગોડા ભારતીય સ્તૂપને મળતો છે. એના અંડનો ઘેરાવો 30.5 મી. છે. અર્ધવર્તુળાકાર જરા ઊંચો અંડભાગ ત્રણ ગોળાકાર પીઠિકાઓ પર બનાવેલો છે. એને ફરતી દીવાલ 812 શિલાસ્તંભોથી બનેલી છે. પ્રત્યેક સ્તંભ પર દીપ રાખવાની ગોઠવણ કરેલી છે. દીવાલમાં ચોતરફ પ્રવેશદ્વાર છે. આરસ પરના અભિલેખ મુજબ 1636થી 1650 વચ્ચે આ સ્તૂપનું બાંધકામ થયું હતું.
રંગૂન પાસેનો શ્વે-ડ-ગોન પૅગોડા સહુથી વધુ પ્રસિદ્ધ છે. આરંભમાં એ માત્ર 8.2 મી. ઊંચાઈ ધરાવતો હતો; પરંતુ પંદરમી અને સોળમી સદીના મધ્યભાગમાં એની ઊંચાઈ 39.3 મી. બનાવાઈ. એ પૅગોડાને 1768માં વર્તમાન સ્વરૂપ આપવામાં આવ્યું હતું.
મિંગૂન ખાતે સિરિબ્યુમે પૅગોડાનું બાંધકામ નોંધપાત્ર છે. રાજા બોદોપયાના રાજ્યકાળ દરમિયાન 1790માં ગોળાકાર તલદર્શનવાળો આ પૅગોડા બંધાયો. એના પાંચ પ્રદક્ષિણા-પથ છે ને દરેક પ્રદક્ષિણા-પથને સર્પ આકારનો કઠેડો છે. એ કઠેડાના ગોખલામાં બુદ્ધ-મૂર્તિઓ છે. ચોતરફ ચાર સીડીઓ છે. આખા સ્મારકને ફરતી ગોળાકાર દીવાલ છે. આ ઉપરાંત રાજા બોદોપયાએ 1785માં બંધાવેલ માંડલેનો આરાકાન પૅગોડા અને મિંદોન મિને બંધાવેલ કુથોદોવ પૅગોડા નોંધપાત્ર છે.
ભારતી શેલત
જયકુમાર ર. શુક્લ