પેગાસસ (Pegasus) ઉપગ્રહો : 1965માં પ્રક્ષેપિત થયેલા, અમેરિકાના ત્રણ વૈજ્ઞાનિક ઉપગ્રહોની શ્રેણી. ગ્રીક પૌરાણિક કથામાંના પાંખવાળા ઘોડાના નામ ‘પેગાસસ’ ઉપરથી મોટી પાંખવાળું માળખું ધરાવતા આ ઉપગ્રહોને ‘પેગાસસ’ નામ આપવામાં આવ્યું હતું. આ પાંખનો વિસ્તાર 29 મીટર જેટલો મોટો હતો. અંતરીક્ષમાં કાયમી અસ્તિત્વ ધરાવતા સૂક્ષ્મ-ઉલ્કાકણો કેટલા વેગ સાથે અથડાય છે તથા એના અથડાવાથી કેટલા ઊંડા ખાડા પડે છે તે અંગે માહિતી મેળવવાના હેતુથી આ પાંખની ખાસ રચના કરવામાં આવી હતી. સ-માનવ ‘એપૉલો’ અંતરીક્ષયાનની બહારની સપાટીની રચના કરવા માટે આથી ઉપગ્રહો દ્વારા મળેલી માહિતીનો ઉપયોગ કરવામાં આવ્યો હતો, જેથી અધિક ગતિ ધરાવતા સૂક્ષ્મ-ઉલ્કાકણો અંતરીક્ષયાનને ભેદી ન શકે. અંતરીક્ષયાનની બહાર ખુલ્લા અંતરીક્ષમાં માનવી સુરક્ષિત રીતે કાર્ય કરી શકે તે માટે અંતરીક્ષ-પોશાક તૈયાર કરવા પણ એ માહિતી ઘણી ઉપયોગી થઈ હતી. 21.6 મીટર લંબાઈનું મધ્ય માળખું ધરાવતો ‘પેગાસસ’, અમેરિકાનો સૌથી મોટા કદનો ઉપગ્રહ હતો.

પરંતપ પાઠક