પૂર્વીય રોમન સામ્રાજ્ય

January, 1999

પૂર્વીય રોમન સામ્રાજ્ય : પ્રાચીન રોમન સામ્રાજ્યનો પૂર્વ વિભાગ. તેનું રોમન સામ્રાજ્યના પતન પછી એક સ્વતંત્ર સામ્રાજ્ય તરીકે પંદરમી સદી સુધી અસ્તિત્વ ટકી રહ્યું. મધ્યયુગમાં તે બાયઝેન્ટાઇન સામ્રાજ્ય તરીકે જાણીતું બન્યું હતું. છઠ્ઠી સદી દરમિયાન તેની સત્તાની પરાકાષ્ઠાએ પશ્ચિમમાં દક્ષિણ સ્પેનથી પૂર્વમાં ઈરાનની સરહદ સુધીના ભૂમધ્યકાંઠા, ઉત્તર આફ્રિકા અને એશિયા માઇનોરના પ્રદેશોનો તેમાં સમાવેશ થતો હતો. ઈ. સ. 1453માં તુર્કોના હાથે તેનું પતન થયું. અગિયારમી સદી જેટલા લાંબા ઇતિહાસ દરમિયાન આ સામ્રાજ્ય પર કુલ બાર રાજવંશો તથા અન્ય કેટલાક સ્વતંત્ર શાસકોએ શાસન કર્યું હતું.

પ્રાચીન રોમન સામ્રાજ્યમાં ત્રીજી સદી દરમિયાન રાજકીય અવ્યવસ્થા ઊભી થઈ હતી. વહીવટી સરળતા ખાતર સમ્રાટ ડાયોક્લેશિયને (શાસન 284-305) સામ્રાજ્યના પૂર્વ અને પશ્ચિમ-એમ બે વિભાગ પાડ્યા. ઈ. સ. 330માં સમ્રાટ કૉન્સ્ટન્ટાઇને પ્રાચીન ગ્રીક નગર બાયઝેન્ટિયમને કૉન્સ્ટન્ટિનોપલ નામ આપી તેને પૂર્વ વિભાગની રાજધાની બનાવી. ચોથી સદી સુધી રોમન સમ્રાટો બંને વિભાગો પર સંયુક્ત રીતે શાસન કરતા રહ્યા. પાંચમી સદીમાં જર્મન જાતિઓના આક્રમણ સામે પશ્ચિમ વિભાગ તથા સામ્રાજ્યની રાજધાની રોમનું પતન થયું; પરંતુ પૂર્વ વિભાગ રોમન સામ્રાજ્યના વારસ તરીકે ટકી રહ્યો. ત્યાંના સમ્રાટોએ રોમન પરંપરાઓ ચાલુ રાખી. છઠ્ઠી સદીમાં સમ્રાટ જસ્ટિનિયને (શાસન 527-565) લશ્કરી વિજયો દ્વારા થોડા સમય માટે રોમન સામ્રાજ્યની પ્રાચીન ભવ્યતા પુનર્જીવિત કરી. તેના મૃત્યુ પછી નબળા શાસકોના સમયમાં સામ્રાજ્યનું વિઘટન શરૂ થયું. છઠ્ઠી સદી સુધી સામ્રાજ્ય સંપૂર્ણ રીતે પશ્ચિમની સંસ્કૃતિ અને રોમન પરંપરાઓના પ્રભાવ હેઠળ રહ્યું.

સમ્રાટ જસ્ટિનિયનના મૃત્યુ પછી નબળા પડેલા સામ્રાજ્યને સાતમી સદીમાં સમ્રાટ હેરેક્લિયસે (શાસન 610-641) પુન: સ્થિર પાયા પર મૂક્યું. તે પછી સામ્રાજ્ય પર પશ્ચિમનો પ્રભાવ ઘટતો ગયો, જ્યારે પૂર્વીય પરંપરાઓનો પ્રભાવ વધવા પામ્યો. આ તબક્કા દરમિયાન પૂર્વીય રોમન સામ્રાજ્યે બાયઝેન્ટાઇન સામ્રાજ્ય તરીકેનું વિશિષ્ટ સ્થાન અને પ્રસિદ્ધિ પ્રાપ્ત કર્યાં. સાતમી સદીના આરંભમાં ઈરાની અને તે પછી આરબ હુમલાઓ શરૂ થયા. કૉન્સ્ટન્ટિનોપલ ટકી રહ્યું; પરંતુ ઇજિપ્ત, સીરિયા, પૅલેસ્ટાઇન તથા આફ્રિકાના ઉત્તરકાંઠાના વિસ્તારો આરબોના હાથમાં ચાલ્યા ગયા. આઠમી સદીમાં ઇસોરિયન (Isaurian) વંશ દ્વારા સામ્રાજ્યના પતનને રોકવાના પ્રયાસો થયા. આ રાજવંશ મૂર્તિપૂજાના વિરોધને કારણે ધાર્મિક વિવાદોમાં ફસાયેલો રહ્યો. આ કારણે રોમના મુખ્ય દેવળ અને બાયઝેન્ટાઇન દેવળ વચ્ચેના સંબંધો વણસ્યા. નવમી અને દશમી સદીનો સમય સામ્રાજ્યનો સુવર્ણયુગ હતો. એમોરિયન વંશના મિખાઇલ બીજો, મિખાઇલ ત્રીજો તથા મૅસેડોનિયન વંશના બેસિલ પહેલો, લિયો ચોથો, કૉન્સ્ટન્ટાઇન સાતમો, બેસિલ બીજો વગેરે આ યુગના શક્તિશાળી શાસકો હતા. તેમણે આરબો તથા બલ્ગરોનાં આક્રમણો સામે સામ્રાજ્યની સુરક્ષા કરી. તેમણે સામ્રાજ્યનો વિસ્તાર પણ કર્યો. આ યુગ એકંદરે આંતરિક સ્થિરતા, સમૃદ્ધિ અને સાંસ્કૃતિક વિકાસનો યુગ હતો.

ઈ. સ. 1025માં બેસિલ બીજાના શાસનના અંત સાથે બાયઝેન્ટાઇન સામ્રાજ્યના પતનનો પ્રારંભ થયો. પશ્ચિમ તરફ નૉર્મન આક્રમકોએ ઇટાલીમાંથી અને પૂર્વ તરફ સેલજુક તુર્કોએ એશિયા માઇનોરમાંથી બાયઝેન્ટાઇન સત્તાનો અંત આણ્યો. ઈ. સ. 1071માં મૅન્ઝિકર્ટ-(Manzikert)ના પ્રખ્યાત યુદ્ધમાં આરબોને હાથે બાયઝેન્ટાઇન સૈન્યનો પરાજય થયો. સામ્રાજ્યની નિર્બળતા છતી થઈ. તે પછી નબળા શાસકોના હાથમાં રાજ્યનો દોર આવ્યો. કેન્દ્ર સરકાર અને સામંતો વચ્ચે સત્તાસંઘર્ષ શરૂ થયો. સામંતો વધુ શક્તિશાળી બન્યા. રાજ્યની આર્થિક સ્થિરતા અને સમૃદ્ધિના પાયામાં રહેલા સ્વતંત્ર ખેડૂતો ગણોતિયાની સ્થિતિમાં મુકાઈ ગયા. તેમનું શોષણ શરૂ થયું. પરિણામે સામ્રાજ્યમાં આર્થિક કટોકટી ઊભી થઈ. વિદેશ-વ્યાપારનાં વળતાં પાણી થયાં. સામ્રાજ્ય આંતરિક રીતે નબળું પડ્યું. બારમી સદીમાં કૉમ્નેનિયન (Comnenian) વંશના શાસકોએ સામંતોના તુષ્ટીકરણની નીતિ અપનાવી. આ કારણે સામ્રાજ્ય ટકી રહ્યું; પરંતુ કેન્દ્રીય સત્તા નબળી પડી. તેમના સમયમાં તુર્કી આક્રમણો સામે ધર્મયુદ્ધોનો પ્રારંભ થયો. ધર્મયુદ્ધોએ બાયઝેન્ટાઇન સામ્રાજ્યને સહાય કરતાં હાનિ વધુ પહોંચાડી. સામ્રાજ્યમાં પશ્ચિમી સત્તાઓની દખલ વધી. સન 1204માં તેમનાં લશ્કરોએ કૉન્સ્ટન્ટિનોપલ પર હુમલો કરી તેને તારાજ કર્યું. સામ્રાજ્ય થોડો સમય લૅટિન સત્તાધીશોના પ્રભાવ નીચે રહ્યું. ઈ. સ. 1261માં પેલિયોલોગન (Palaeologan) વંશના મિખાઇલ આઠમાએ બાયઝેન્ટાઇન સત્તાની પુન:સ્થાપના કરી. અલબત્ત, ધાર્મિક વિવાદો, આર્થિક કટોકટી તથા મૉંગોલ આક્રમણોને કારણે સામ્રાજ્ય ક્ષીણ થઈ ગયું હતું. પંદરમી સદીમાં સામ્રાજ્યનો વિસ્તાર કૉન્સ્ટન્ટિનોપલ અને આસપાસના ગ્રીક પ્રદેશો પૂરતો મર્યાદિત બની ગયો હતો.

ઈ. સ. 1453માં ઑટોમન તુર્કોએ કૉન્સ્ટન્ટિનોપલ જીતી લઈ સામ્રાજ્યનો અંત આણ્યો. કૉન્સ્ટન્ટિનોપલનું નવું નામ ઇસ્તંબુલ રાખવામાં આવ્યું.

લગભગ એક હજાર વર્ષ સુધી, પૂર્વમાં ઈરાની, આરબ, તુર્ક અને મૉંગોલ આક્રમકો સામે ઢાલ બનીને પૂર્વીય રોમન (બાયઝેન્ટાઇન) સામ્રાજ્યે પશ્ચિમી સંસ્કૃતિ અને ખ્રિસ્તી ધર્મની સુરક્ષાનું કાર્ય કર્યું. પ્રાચીન ગ્રીક-રોમન સંસ્કૃતિ, ખ્રિસ્તી ધર્મ અને પૌરસ્ત્ય પરંપરાઓનો સમન્વય કરી આ સામ્રાજ્યે એક વિશિષ્ટ મધ્યયુગીન સંસ્કૃતિનું સર્જન કર્યું અને રેનેસાં યુગને તેની ભેટ આપી. આ સામ્રાજ્યે મધ્ય યુગના કેટલાક ઉત્તમ શાસકો તથા બારમી સદી સુધી યુરોપની સર્વશ્રેષ્ઠ, પ્રબુદ્ધ અને કાર્યક્ષમ અમલદારશાહી આપી, જેણે અનેક પડકારો વચ્ચે સામ્રાજ્યની સ્થિરતા ટકાવી તેને દીર્ઘાયુ બક્ષ્યું. રાજ્ય દ્વારા અંકુશિત અર્થતંત્ર અને વ્યવહારુ આર્થિક અભિગમને કારણે ખેતી તથા વ્યાપારને ક્ષેત્રે પ્રગતિ થઈ. નવમી તથા દશમી શતાબ્દી દરમિયાન બાયઝેન્ટાઇન નગરો આંતરરાષ્ટ્રીય બજારકેન્દ્રો બન્યાં. ચોથી સદીમાં સમ્રાટ કોન્સ્ટન્ટાઇને ખ્રિસ્તી ધર્મ સ્વીકાર્યો ત્યારથી પૂર્વીય રોમન સમ્રાટો ખ્રિસ્તી ધર્મના આશ્રયદાતા બન્યા. કૉન્સ્ટન્ટિનોપલનું ચર્ચ લાંબા સમય સુધી રોમના મુખ્ય ચર્ચની સમકક્ષ અને કંઈક અંશે તેના પ્રતિસ્પર્ધી તરીકે પૂર્વના વિસ્તારોમાં ખ્રિસ્તી ધર્મના પ્રસારનું મુખ્ય કેન્દ્ર બન્યું. આજે પણ રશિયા, બાલ્કન રાજ્યો તથા એશિયા માઇનોરની મોટાભાગની ઈસાઈ પ્રજા આ ચર્ચની અનુયાયી છે. પશ્ચિમ યુરોપ જ્યારે અંધકારમાં ડૂબેલું હતું ત્યારે પૂર્વમાં જ્ઞાન અને સંસ્કૃતિની જ્યોત જલતી રાખી સાહિત્ય, તત્વજ્ઞાન, ઇતિહાસ વગેરે ક્ષેત્રે કેટલીક નોંધપાત્ર કૃતિઓની ભેટ આ સામ્રાજ્યે આપી. સમ્રાટ જસ્ટિનિયને (છઠ્ઠી સદી) લૅટિન ભાષામાં અને બેસિલ પહેલાએ (નવમી સદી) ગ્રીક ભાષામાં ઉત્તમ કાયદાગ્રંથો તૈયાર કરાવ્યા. સ્થાપત્યને ક્ષેત્રે વિખ્યાત બાયઝેન્ટાઇન શૈલીનો વિકાસ થયો. પ્રાચીન યુરોપની સંસ્કૃતિનાં ઉત્તમ તત્ત્વોનું જતન કરીને, પૌરસ્ત્ય પરંપરા સાથે તેનો સુયોગ સાધી, નવજાગૃતિ યુગના યુરોપને તેની ભેટ આપી પૂર્વીય રોમન સામ્રાજ્યે માનવસંસ્કૃતિની નોંધપાત્ર સેવા બજાવી છે.

રોહિત પ્ર. પંડ્યા