પૂર્વીય પ્રશ્ન

January, 1999

પૂર્વીય પ્રશ્ન : યુરોપના દક્ષિણ-પૂર્વના વિસ્તારોમાં ઓગણીસમી સદી દરમિયાન તુર્કી સત્તા નબળી પડવાને કારણે અને યુરોપીય મહાસત્તાઓ વચ્ચેની સત્તાની સાઠમારીમાંથી ઊભી થયેલી રાજકીય સમસ્યા.

મધ્યયુગ દરમિયાન તુર્કી સુલતાનોએ દક્ષિણપૂર્વીય યુરોપના બાલ્કન પ્રદેશ તરીકે ઓળખાતા વિસ્તારોમાં પોતાની સત્તા સ્થાપી હતી. ત્યાં વંશીય અને ધાર્મિક વિભિન્નતા ધરાવતી અનેક પ્રજાઓ વસતી હતી. અઢારમી સદીના ઉત્તરાર્ધ પછી નિર્બળ અને ધર્માંધ સુલતાનોના અત્યાચારો સામે સ્થાનિક પ્રજાઓમાં અસંતોષ અને વિદ્રોહો શરૂ થયા. દરમિયાન ફ્રાંસની ક્રાંતિ(1789)એ જન્માવેલા સ્વતંત્રતા અને રાષ્ટ્રીયતાના ખ્યાલોથી પ્રેરાઈને આ વિસ્તારમાં વસતી ગ્રીક, સર્બિયન, બલ્ગેરિયન, રુમાનિયન, બૉસ્નિયન, મૉન્ટિનિગ્રોનિયન, આર્મેનિયન વગેરે જાતિઓમાં તુર્કી શાસનથી મુક્ત થઈ પોતાનાં સ્વતંત્ર રાષ્ટ્રો સ્થાપવાની ભાવના પ્રબળ બની. તેમની જાગૃતિ અને આંદોલનોને કચડી નાખવા સુલતાનોએ અત્યાચારો શરૂ કર્યા. આ સ્થિતિનો લાભ લઈ યુરોપની મહાસત્તાઓએ આ વિસ્તારોમાં પોતાની વગ વધારવા માટે દરમિયાનગીરી શરૂ કરી. દરેક મહાસત્તાને પોતાનો અંગત સ્વાર્થ હતો. રશિયા આ વિસ્તારમાં બારમાસી બંદર પ્રાપ્ત કરવા ઇચ્છતું હતું. પોતે સ્લાવ જાતિનું અને રૂઢિચુસ્ત દેવળનું અનુયાયી રાષ્ટ્ર હોવાને કારણે આ વિસ્તારમાં વસતી સ્લાવ તથા રૂઢિચુસ્ત દેવળની અનુયાયી પ્રજા પ્રત્યે સહાનુભૂતિથી પ્રેરાઈને તુર્કીનો તે વિરોધ કરી રહ્યું હતું. ઇંગ્લૅન્ડને આ વિસ્તારમાંથી પસાર થતા પોતાના પૂર્વીય સામ્રાજ્ય સાથેના સંપર્કમાર્ગોની સુરક્ષાની ચિંતા હતી તેથી તે રૂસી પ્રસારનો વિરોધ અને તુર્કીનું સમર્થન કરતું હતું. ફ્રાંસ પ્રાદેશિક લાભ મેળવવાની ગણતરીથી સ્થાનિક કૅથલિક પ્રજાના સંરક્ષક તરીકે ત્યાં દખલ કરતું હતું. ઑસ્ટ્રિયાને અહીં પ્રાદેશિક તથા વ્યાપારી પ્રસારની મહેચ્છા હતી; સાથે સ્થાનિક પ્રજાની સ્વતંત્રતાની ભાવનાનો ચેપ પોતાના સામ્રાજ્યમાં વસતી વિવિધ જાતિઓને ન લાગે તેની ચિંતા સેવતું હોવાથી રૂઢિચુસ્ત તુર્કી શાસનને ટેકો આપતું હતું. પ્રશિયા (પાછળથી જર્મની) રૂઢિચુસ્ત સામ્રાજ્યવાદી રાષ્ટ્ર હોવાને કારણે ઑસ્ટ્રિયાની તરફદારી કરતું હતું. ઇટાલીને પોતાનાં સ્વાતંત્ર્ય-આંદોલનોમાં ઇંગ્લૅન્ડ તથા ફ્રાંસનો ટેકો મેળવવાની ઇચ્છા હતી, તેથી તે તેમની નીતિને સમર્થન આપતું હતું. બાલ્કન પ્રજાના આંતરિક વિવાદો પણ આ પ્રશ્નને વધારે પેચીદો બનાવતા હતા.

(1) સર્બિયા તથા ગ્રીસના સ્વાતંત્ર્ય-સંગ્રામો : ફ્રાંસની ક્રાંતિમાંથી પ્રેરણા લઈ તુર્કી સુલતાનોની આપખુદ અને ધર્માંધ નીતિ સામે સર્બિયા અને ગ્રીસમાં સ્વતંત્રતા માટેનાં આંદોલનો શરૂ થયાં. રશિયાએ આ આંદોલનોને ટેકો આપ્યો. એડ્રિયાનોપોલની સંધિ (1829) દ્વારા તુર્કીએ સર્બિયા (1830) અને ગ્રીસ(1832)ની સ્વતંત્રતાનો સ્વીકાર કર્યો. રશિયાની આ વિસ્તારમાં વધતી વગ રોકવાના આશયથી અન્ય મહાસત્તાઓએ દરમિયાનગીરી કરી 1841માં લંડન મુકામે નવી સંધિ કરી, તેની યોજનાઓ પર અંકુશ મૂક્યો.

(2) ક્રિમિયાનું યુદ્ધ : ઉપર્યુક્ત સંધિઓ દ્વારા બાલ્કન પ્રજા પ્રત્યે ધાર્મિક સહિષ્ણુતાની ખાતરી આપી હોવા છતાં તુર્કી સુલતાનોની અત્યાચારી નીતિ ચાલુ રહી. તે સામે રશિયાએ તુર્કીને ચેતવણી આપી. તેમાંથી બંને વચ્ચે યુદ્ધ શરૂ થયું. રશિયાએ વોલેશિયા અને મૉલ્ડેવિયા પ્રદેશો કબજે કર્યા. રશિયાની વધતી શક્તિથી ચિંતિત ઇંગ્લૅન્ડ તથા ફ્રાંસે તુર્કીને સમર્થન આપ્યું. ઇટાલીએ પણ પોતાના સ્વાર્થથી પ્રેરાઈને ઇંગ્લૅન્ડ તથા ફ્રાંસનો પક્ષ લીધો. તેમાંથી કાળા સમુદ્રમાં આવેલા ક્રિમિયાના પ્રદેશમાં એક તરફ રશિયા અને બીજી તરફ ઇંગ્લૅન્ડ, ફ્રાંસ, ઇટાલી તથા તુર્કી વચ્ચે યુદ્ધ થયું (1854-56). છેવટે રશિયાનો પરાજય થયો. 1856માં થયેલી પૅરિસની સંધિ દ્વારા રશિયાએ જીતેલા પ્રદેશો તુર્કીને પાછા મળ્યા. ટૂંક સમય માટે તુર્કી સામ્રાજ્યનું વિઘટન અટકાવી શકાયું. આમ છતાં વોલેશિયા અને મૉલ્ડેવિયાની પ્રજાનાં આંદોલનો ચાલુ રહ્યાં. છેવટે બંને સ્વતંત્ર થયાં અને તેમના એકીકરણમાંથી રુમાનિયાનું નવું રાજ્ય અસ્તિત્વમાં આવ્યું (1862).

(3) અખિલ સ્લાવવાદ : આ વિસ્તારમાં સ્લાવ જાતિની વસ્તી ઘણી વધારે હતી. વખત જતાં તેમનામાં એકતાની ભાવના પ્રબળ બની. રશિયાના સમર્થનથી સર્બિયાના નેતૃત્વ નીચે ત્યાં અખિલ સ્લાવ આંદોલન શરૂ થયું. આ કારણે તુર્કી-શાસન સામે ભય ઊભો થયો. પોતાના સામ્રાજ્યમાં વસતી સ્લાવ પ્રજામાં પણ આ આંદોલન પ્રસરવાના ભયથી ઑસ્ટ્રિયા પણ ચિંતિત બન્યું. ઇંગ્લૅન્ડ તથા તેના સાથીઓએ તુર્કી પર રાજકીય સુધારા માટે દબાણ કર્યું; પરંતુ તેમાં સફળતા મળી નહિ. 1876માં બલ્ગેરિયામાં વ્યાપક વિદ્રોહો થયા. રશિયાએ તેને સમર્થન આપતાં તુર્કી અને રશિયા વચ્ચે યુદ્ધ શરૂ થયું. તુર્કીનો પરાજય થયો. સેન-સ્ટીફેનોની સંધિ (માર્ચ, 1878) દ્વારા તુર્કીએ બલ્ગેરિયાની સ્વતંત્રતાનો સ્વીકાર કર્યો. રશિયાને પણ કેટલાક પ્રદેશો મળ્યા. અન્ય મહાસત્તાઓએ આ સંધિનો અસ્વીકાર કરતાં બર્લિન મુકામે થયેલી નવી સંધિ(જૂન, 1878)ને કારણે બલ્ગેરિયા તથા રશિયાએ કેટલાક લાભ ગુમાવવા પડ્યા.

(4) બાલ્કન યુદ્ધો : બર્લિનની સંધિ પછી થોડો સમય શાંતિ જળવાઈ; પરંતુ તુર્કી સામે સ્થાનિક પ્રજાનાં આંદોલનો ચાલુ રહ્યાં. 1908માં તુર્કીમાં ‘યુવાતુર્ક’ ક્રાંતિ થઈ. આ કારણે ઊભી થયેલી રાજકીય અસ્થિરતાનો લાભ લઈ આ આંદોલનો ઉગ્ર બન્યાં. મહાસત્તાઓએ પણ પોતાનો હસ્તક્ષેપ વધાર્યો. ઑસ્ટ્રિયાએ ઑસ્ટ્રિયા તથા  હર્સગોવિનાના વિસ્તારો પોતાના સામ્રાજ્યમાં ભેળવી દીધા. રશિયા, સર્બિયા તથા અન્ય સ્લાવ રાજ્યોએ તેનો વિરોધ કર્યો. પરિણામે રાજકીય તંગદિલી વધી. દરમિયાન તુર્કી સત્તા સામે ગ્રીસ, સર્બિયા, બલ્ગેરિયા તથા મૉન્ટિનીગ્રોએ યુદ્ધ જાહેર કર્યું, જે પ્રથમ બાલ્કન યુદ્ધ તરીકે ઓળખાયું (1912). તેમાં તુર્કીનો પરાજય થયો. મે, 1913માં લંડનની સંધિ થઈ; જેને પરિણામે યુરોપમાંથી તુર્કી સામ્રાજ્યનો લગભગ અંત આવ્યો; પરંતુ બાલ્કન રાજ્યોના આંતરિક મતભેદોને કારણે તેમની વચ્ચે બીજું બાલ્કન યુદ્ધ શરૂ થયું (1913). છેવટે મહાસત્તાઓની દરમિયાનગીરીથી બુખારેસ્ટ મુકામે સંધિ કરવામાં આવી (ઑગસ્ટ, 1913). આ યુદ્ધે આંતરિક વેરઝેર તથા મહાસત્તાઓના રાજકીય કાવાદાવાને ઉગ્ર બનાવ્યાં.

(5) પ્રથમ વિશ્વયુદ્ધ અને સમસ્યાનો અંત : આ વિસ્તારમાં સર્બિયા અને ઑસ્ટ્રિયાના મતભેદે પ્રથમ વિશ્વયુદ્ધ માટેનું તાત્કાલિક કારણ પૂરું પાડ્યું. એક તરફ ઑસ્ટ્રિયા, જર્મની, તુર્કી તથા બલ્ગેરિયા અને બીજી તરફ ઇંગ્લૅન્ડ, ફ્રાંસ, રશિયા તથા અન્ય સ્થાનિક સત્તાઓએ યુદ્ધમાં ઝંપલાવ્યું. યુદ્ધને અંતે યુરોપનો રાજકીય નકશો બદલાઈ ગયો. પરાજિત ઑસ્ટ્રિયા, જર્મની તથા તુર્કી સામ્રાજ્યોનું વિઘટન થયું. રશિયામાં સામ્યવાદી ક્રાંતિ (1917) થતાં તે આંતરિક પ્રશ્ર્નોમાં ગૂંચવાઈ ગયું. પૅરિસની શાંતિ-સમજૂતીઓ(1919)માં રાષ્ટ્રીયતાના સિદ્ધાંત પર બાલ્કન પ્રદેશમાં નવાં રાષ્ટ્રોની રચના થઈ, મહાસત્તાઓની દખલનો અંત આવ્યો અને તે રીતે પૂર્વીય પ્રશ્નનો પણ ઉકેલ આવ્યો.

રોહિત પ્ર. પંડ્યા