પૂષા : એક વૈદિક દેવ. સૃષ્ટિનું સંરક્ષણ કરવાની એની જવાબદારી. વૈદિક સાહિત્યમાં એને ગોષ્ઠો એટલે કે ગૌશાળાઓનો સંરક્ષક કહ્યો છે. આદિત્ય રૂપે એ વિશ્વનો પ્રાણરક્ષક અને આત્માનો શાંતિદાતા છે. આત્માને બ્રહ્મલોક લઈ જવા માટે તે સહાયતા પણ કરે છે. તે સૂર્યની બહેનનો પ્રેમી પણ કહેવાય છે. તે સાધારણ રીતે સોમ અને ચંદ્રમાની સાથે રહે છે. દિવસ અને રાતના પરિવર્તનમાં એનો વિશેષ હાથ છે. પાછળથી તે બાર આદિત્યોમાં એક વિશેષ આદિત્ય તરીકે પ્રતિષ્ઠિત થઈ રેવતી નક્ષત્રના અધિદેવ થયા.

પ્રવીણચંદ્ર પરીખ