પુષ્યવર્મા વંશ : આસામમાં ચોથીથી સાતમી સદી દરમિયાન થઈ ગયેલો વંશ. પુષ્યવર્મા વંશના સાતમા રાજા નારાયણવર્માએ છઠ્ઠી સદીના પૂર્વાર્ધમાં ગુપ્ત સામ્રાજ્યનું આધિપત્ય ફગાવી દીધું. એના પુત્ર ભૂતિવર્માએ આસપાસના પ્રદેશો પર સત્તા પ્રસારી કામરૂપના રાજ્યનો વિસ્તાર કર્યો. આ વંશના રાજાઓ ‘મહારાજાધિરાજ’ બિરુદ ધારણ કરી અશ્વમેધ યજ્ઞ કરવા લાગ્યા. ભૂતિવર્મા પછી એનો પુત્ર ચન્દ્રમુખવર્મા અને એના પછી એનો પુત્ર સ્થિતવર્મા ગાદીએ આવ્યો. એનો પુત્ર સુસ્થિતવર્મા મહારાજાધિરાજ મૃગાંક તરીકે પણ ઓળખાતો. ઉત્તરકાલીન ગુપ્તવંશના મહત્ત્વાકાંક્ષી રાજા મહાસેનગુપ્તે બ્રહ્મપુત્ર સુધી કૂચ કરી તેને હરાવ્યો; પરંતુ એના કુંવરોએ ગૌડદેશના રાજાનો પરાજય કરી ગુમાવેલી પ્રતિષ્ઠા પાછી મેળવી. સુસ્થિતવર્મા પછી એનો મોટો પુત્ર સુપ્રતિષ્ઠિતવર્મા ગાદીએ આવ્યો. એનો નાનો ભાઈ કુમાર ભાસ્કરવર્મા ઘણો પરાક્રમી હતો. એ રાજા થયા પછી પણ કુમાર તરીકે ઓળખાતો. એની રાજધાની પ્રાગ્જ્યોતિષપુર હતી.

જ્યારે થાણેસરના રાજા હર્ષવર્ધને સહુ રાજાઓને પોતાનું આધિપત્ય સ્વીકારવા કહેણ મોકલ્યું, ત્યારે રાજા કુમાર ભાસ્કરવર્માએ શ્વેતછત્રાદિ ભેટો મોકલી તેની સાથે લગભગ સમાન દરજ્જાનો મૈત્રીસંબંધ સાધી લીધો. ચીની મહાશ્રમણ યુઅન શ્વાંગ (હ્યુએન સંગ) નાલંદાના મહાવિહારમાં હતા ત્યારે ભાસ્કરવર્માએ તેમને કામરૂપ તેડાવ્યા ને લગભગ મહિના સુધી તેમના સત્સંગનો લાભ લીધો. ચક્રવર્તી હર્ષવર્ધને એ મહાશ્રમણને પોતાની પાસે મોકલી આપવા માગણી કરી ત્યારે શરૂઆતમાં ભાસ્કરવર્માએ આનાકાની કરી; પરંતુ હર્ષદેવનો પ્રકોપ થતાં ભાસ્કરવર્મા એ મહાશ્રમણને લઈ હર્ષદેવની પાસે હાજર થયા. કનોજ અને પ્રયાગની પરિષદોમાં હર્ષદેવની રાજસભામાં ભાસ્કરવર્માને અગ્રિમ સ્થાન અપાતું.

ગૌડરાજ શશાંકના મૃત્યુ પછી ગૌડદેશ પર કામરૂપ રાજ્યની સત્તા પ્રસરી. પરંતુ ભાસ્કરવર્માના મૃત્યુ પછી પુષ્યવર્માના વંશની રાજસત્તા અસ્ત પામી.

હરિપ્રસાદ ગં. શાસ્ત્રી

ચીનુભાઈ નાયક