પુષ્યમિત્ર શૃંગ : શૃંગ વંશનો સ્થાપક તથા છેલ્લા મૌર્ય સમ્રાટ બૃહદ્રથનો બ્રાહ્મણ સેનાપતિ. વૈદિક સાહિત્યમાં શૂંગ આચાર્યોના ઉલ્લેખો મળે છે. બૃહદારણ્યક ઉપનિષદમાં ‘શૌંગીપુત્ર’નો શિક્ષક તરીકે ઉલ્લેખ છે. તે પતંજલિનો સમકાલીન હતો અને મહાભાષ્યમાં ‘અમે પુષ્યમિત્ર માટે યજ્ઞો કરીએ છીએ’ એવો ઉલ્લેખ છે. ‘યવનોએ સાકેત અને માધ્યમિકોને ઘેરો ઘાલ્યો હતો’ એવો તેણે ઉલ્લેખ પણ કરેલ છે. પુષ્યમિત્રે અશ્વમેધ યજ્ઞ કર્યો ત્યારે યવનોએ આ ઘોડો અટકાવ્યો હતો અને પુષ્યમિત્રના સેનાપતિ અને પુત્ર વસુમિત્રે તેમને હરાવ્યા એવો કાલિદાસે ‘માલવિકાગ્નિમિત્ર’ નાટકમાં ઉલ્લેખ કર્યો છે. પુરાણોમાં પણ પુષ્યમિત્રનો ઉલ્લેખ છે.

પુષ્યમિત્રે મૌર્ય વંશના છેલ્લા નિર્બળ અને વિલાસી સમ્રાટ બૃહદ્રથની લશ્કરની કવાયત થતી હતી ત્યારે હત્યા કરી અને ઈ. સ. પૂ. 187માં તેણે મૌર્યોનું રાજ્ય પચાવી પાડ્યું હતું. તે ભારદ્વાજ ગોત્રનો હતો એમ પાણિનિ જણાવે છે. જ્યારે કાલિદાસ તેનું કશ્યપ ગોત્ર જણાવે છે. મૌર્ય સામ્રાજ્યનો મધ્યભાગ તેણે કબજે કર્યો હતો. મગધ ઉપરાંત દક્ષિણમાં વિદિશા, પશ્ચિમે પાંચાલ માધ્યમિકા સુધીનું રાજસ્થાન, જલંધર અને સિયાલકોટ સહિત પંજાબ, પાતાળ સુધી સિંધનો ભાગ તેના વિશાળ સામ્રાજ્યમાં સમાવિષ્ટ હતાં. અગ્નિમિત્ર વિદિશાનો અધિપતિ હતો. વાયવ્ય સરહદની રક્ષાની જવાબદારી વસુમિત્રને શિરે હતી. નર્મદા ઉપરનો મહત્વનો કિલ્લો અગ્નિમિત્રના સાળા નીરસેનને હસ્તક હતો.

મિનૅન્ડર અને ડિમીટ્રિયસની આગેવાની હેઠળ ગ્રીકોના હુમલા થયા. પુષ્યમિત્રે તેમને હરાવ્યા હતા. બે અશ્વમેધો ગ્રીકો ઉપરના બેવડા વિજયનું સૂચન કરે છે. સિંધુ નદીના દક્ષિણ કે જમણા કાંઠે ગ્રીકોને વસુમિત્રે હાર આપી હતી.

અશોકે બંધ કરેલ યજ્ઞમાં થતી પશુઓની હિંસા તેણે પુનર્જીવિત કરી હતી. તેણે હિંદુ ધર્મની પુન: પ્રતિષ્ઠા કરી. તેના સમયમાં ભાગવત-ધર્મનો પ્રચાર વધ્યો. તેણે કલા અને સાહિત્યને ઉત્તેજન આપ્યું. તે બૌદ્ધ ધર્મ-વિરોધી હોવાનું બૌદ્ધ સાહિત્ય જણાવે છે. તેણે બૌદ્ધ મઠોનો નાશ કર્યો અને બૌદ્ધ સાધુઓ સાથે ઘાતકી વર્તાવ કરી તેમને મારી નાખ્યા. બૌદ્ધ સાધુનું માથું લાવનારને માથાદીઠ સો સુવર્ણ સિક્કા ઇનામમાં આપવાનું તેણે જાહેર કર્યું હતું એવું તેના વિશે કહેવાય છે. બૌદ્ધોએ રાજ્યાશ્રય ગુમાવી દેવાથી તેમણે તે બૌદ્ધ ધર્મ-વિરોધી હતો એવી વાતો ફેલાવી હતી.

અન્ય કોઈ સાહિત્યમાં પુષ્યમિત્ર બૌદ્ધ ધર્મવિરુદ્ધ હતો એવા ઉલ્લેખો મળતા નથી. શૂંગોના રાજ્યકાળ દરમિયાન ભારહૂતનો બૌદ્ધ સ્તૂપ બાંધવામાં આવ્યો હતો. તેણે ઈ. પૂ. 187થી ઈ. પૂ. 147 સુધી રાજ્ય કર્યું હતું.

શિવપ્રસાદ રાજગોર