પુરુકુત્સ : પુરાણમાં જાણીતો રાજા. તે બિંદુમતી તથા માન્ધાતાનો પુત્ર અને મુચુકુંદ અને અંબરીષનો મોટો ભાઈ હતો. તેનું રાજ્ય નર્મદાના કિનારે અથવા તેની આસપાસના પ્રદેશમાં આવેલું હતું. તે શૂરવીર હતો અને તેણે નાગોને સહાય કરી હતી, તેથી નાગોની બહેન નર્મદા સાથે તેનું લગ્ન થયું હતું. તેનાથી તેને વસુદ અને ત્રસદસ્યુ નામે બે પુત્રો જન્મ્યા હતા. નાગોના કહેવાથી રસાતલમાં જઈને તેણે મૌનેય ગંધર્વોનો નાશ કર્યો હતો. ઋગ્વેદાનુસાર દસ્યુનગરનો નાશ કરવામાં ઇન્દ્રને પુરુકુત્સે મદદ કરી હતી. નર્મદા નદીના કાંઠે તેણે ભૃગુ તથા બીજા ઋષિઓ પાસેથી વિષ્ણુપુરાણ સાંભળીને તે સારસ્વતને સંભળાવ્યું હતું.

પુરુકુત્સ નામના બ્રહ્મર્ષિ બ્રહ્માના માનસપુત્ર અંગિરાના કુળમાં થયેલા. તેત્રીસ મંત્રદ્રષ્ટા ઋષિઓમાં તેમની ગણના થતી એવો ઉલ્લેખ મત્સ્યપુરાણમાં જોવા મળે છે.

જયકુમાર ર. શુક્લ