પુરુ (પોરસ) (. પૂ. ચોથી સદી) : પંજાબનો શૂરવીર રાજા. તેની સત્તા હેઠળ જેલમ અને રાવિ નદી વચ્ચેના પ્રદેશો હતા. તેણે વિજયો મેળવીને પૂર્વમાં રાવિ નદીની આગળ તથા પશ્ચિમે તક્ષશિલાની સરહદ સુધી પોતાના પ્રદેશો વિસ્તાર્યા હતા; તેથી તક્ષશિલાનો રાજા આંભી પોરસની ઈર્ષા કરતો હતો અને દુશ્મનાવટ રાખીને વિદેશી આક્રમકને હુમલો કરવાનું પ્રોત્સાહન આપી પોતાના હરીફને દબાવવા માંગતો હતો.

ઈ. પૂ. 326ની વસંતઋતુમાં મૅસિડોનિયાનો હુમલાખોર ઍલેક્ઝાંડર ભારતમાં પ્રવેશ્યો. પોરસ પોતાના રાજ્યની સ્વતંત્રતા તથા પોતાના પરિવારનું ગૌરવ કોઈ પણ ભોગે સાચવવા ઉત્સુક હતો. તક્ષશિલા તથા સરહદનાં રાજ્યોએ ઍલેક્ઝાન્ડરને આવકાર્યો તે જાણીને તે ગુસ્સે થયો હતો. પોતાના રાજ્યની આસપાસના રાજાઓ દુશ્મનો, કાયરો તથા દેશદ્રોહી હોવા છતાં, ઍલેક્ઝાંડરના દૂતોએ તેને મળવા આવવાનો સંદેશો આપ્યો ત્યારે તે શરણાગતિ સ્વીકારવા તૈયાર થયો નહિ. તેણે ગૌરવપ્રદ ઉત્તર પાઠવ્યો કે તે અવશ્ય મળવા આવશે. તેના દરબારમાં નહિ, પરંતુ શસ્ત્રસજ્જ થઈને યુદ્ધના મેદાનમાં.

ઈ. પૂ. 326ના મે માસમાં બંનેનાં સૈન્યોએ જેલમ નદીના સામસામે કિનારે પડાવ નાખ્યો. નદીમાં બરફ ઓગળવાથી પૂર આવ્યું હતું. ઍલેક્ઝાંડરે યુક્તિ વાપરી. પડાવથી આશરે 27 કિમી. દૂર રાત્રિના સખત વરસાદ અને વાવાઝોડા પછીની સવારે વિદેશી લશ્કરે ભારતીય લશ્કરને ન જણાય એવા સ્થળેથી નદી ઓળંગી. શરૂમાં પોરસે તેના પુત્રને ઍલેક્ઝાંડર સામે મોકલ્યો. તે રણમેદાનમાં મરાયો. ત્યારબાદ 30,000નું પાયદળ 4,000 ઘોડેસવાર, 300 રથ અને 200 હાથીના સૈન્ય સહિત પોરસ યુદ્ધે ચડ્યો; પરંતુ આખી રાત વરસાદ પડ્યો હોવાથી લપસણા મેદાનમાં ઘોડાના પગ કીચડમાં ખૂંપી જવા લાગ્યા. પોરસનું લશ્કર અસ્તવ્યસ્ત થઈ ગયું. પોરસના બે પુત્રો અને બધા સેનાપતિઓ સહિત હજારો સૈનિકો માર્યા ગયા; છતાં પોરસ છેલ્લે સુધી બહાદુરીથી લડ્યો અને પોતાના શરીર પર નવ ઘા ઝીલ્યા. તેણે શરણાગતિ સ્વીકારી. તેને ઍલેક્ઝાંડરે પૂછ્યું કે તેની સાથે કેવી રીતે વર્તવામાં આવે ? ત્યારે તેણે ટૂંકામાં કહ્યું કે, ‘એક રાજાની જેમ.’ તેના આ જવાબથી પ્રસન્ન થઈને ઍલેક્ઝાંડરે પોરસને તેના પોતાના રાજ્ય સહિત પૂર્વનાં પંદર ગણરાજ્યોનાં 5,000 નગરો અને ગામોના પ્રદેશોના રાજા તરીકે પ્રસ્થાપિત કર્યો.

જયકુમાર ર. શુક્લ