પુરુગુપ્ત (. .ની પાંચમી સદી) : ગુપ્ત સમ્રાટ કુમારગુપ્ત પ્રથમ (મહેન્દ્રાદિત્ય) અને મહાદેવી અનન્તદેવીનો પુત્ર; પરંતુ કુમારગુપ્તનો ઉત્તરાધિકાર એના બીજા પુત્ર સ્ક્ધદગુપ્તને મળતાં તેને રાજપદવી 12 વર્ષ મોડી મળી લાગે છે. સ્કંદગુપ્તનું અવસાન ઈ. સ. 467ના અરસામાં થયા પછી પુરુગુપ્ત બે-એક વર્ષના ટૂંકા ગાળામાં સત્તારૂઢ રહ્યો હોવાનું જણાય છે. પ્રકાશાદિત્યના નામવાળા સુવર્ણના સિક્કા મળ્યા છે તે આ રાજાના હોવાનો સંભવ છે. એ અનુસાર ‘પ્રકાશાદિત્ય’ એ પુરુગુપ્તનું બીજું નામ હોવાનું અને એણે અશ્વારોહી સિંહનિહંતા પ્રકારના સુવર્ણ-સિક્કા પડાવ્યા હોવાનું માલૂમ પડે છે. પુરુગુપ્તના પુત્ર નરસિંહગુપ્ત અને પૌત્ર કુમારગુપ્ત બીજાના ભિટારી મુદ્રાલેખોમાં પુરુગુપ્તને ‘મહારાજાધિરાજ’ કહ્યો છે. ભિટારી મુદ્રામાં એના પુત્ર નરસિંહગુપ્તનું અને એની માતાનું અર્થાત્ પુરુગુપ્તની રાણીનું નામ આપવામાં આવ્યું છે; પરંતુ એ નામ વત્સદેવી, ચંદ્રદેવી, વૈન્યદેવી એમ જુદી જુદી રીતે વંચાયું છે. સ્કંદગુપ્તના અવસાન પછી ગુપ્ત સામ્રાજ્યના દૂરના પ્રાંતો સ્વતંત્ર થવા લાગ્યા અને સુરાષ્ટ્રમાં મૈત્રક કુલના સેનાપતિ ભટ્ટાર્કે વલભીપુરમાં પોતાની રાજસત્તા સ્થાપી. પુરુગુપ્ત રાજ્યારોહણ સમયે વયોવૃદ્ધ હોવાનું જણાય છે. અને આથી તેણે બહુ ટૂંકું, સંભવત: બે-ત્રણ વર્ષનું (ઈ. સ. 467થી 469-70 દરમિયાન) રાજ્ય ભોગવ્યું હોવાનું પ્રતીત થાય છે. પુરુગુપ્ત પછી તેનો પુત્ર નરસિંહગુપ્ત ગાદીએ આવ્યો હતો.

પ્રવીણચંદ્ર પરીખ