પીરાણા પંથ : ઇમામશાહે ગુજરાતમાં પંદરમી સદીમાં સ્થાપેલો પંથ. ઇમામુદ્દીન અર્થાત્ ઇમામશાહ (ઈ. સ. 1452થી 1513 કે 1520) ઈરાનથી ગુજરાતમાં આવી અમદાવાદની નૈર્ઋત્યે 16 કિમી. દૂર આવેલા ગીરમઠા નામના ગામમાં સ્થાયી થયા. એ ગામ પછી પીરોના સ્થાન તરીકે ‘પીરાણા’ નામે પ્રસિદ્ધ થયું અને આ પંથ પણ એ ગામના નામ પરથી પીરાણા પંથ તરીકે ઓળખાયો. ઇમામશાહના ચમત્કારિક વ્યક્તિત્વથી પ્રભાવિત થયેલા ગુજરાતના સુલતાન મુહમ્મદશાહ બીજાએ એમના વેરે પોતાની શાહજાદી પરણાવી હતી. એનાથી એમને ચાર પુત્રો થયા, જે પીરાણાના સૈયદોના પૂર્વજ ગણાય છે. ઇમામશાહ પછી તેમના પુત્ર નૂરમુહમ્મદ આ પંથના પ્રચારક થયા, જેમણે સિંધી ભાષામાં ‘સતવેણી-જી વેલ’ (સતધર્મની વેલ) નામે પુસ્તક લખ્યું, જેમાં એ સંપ્રદાયના ઇમામો અને કર્મકાંડોનું વર્ણન છે.
આ પંથમાં અલ્લાહને સર્વોત્કૃષ્ટ કિરતાર અને મુહમ્મદસાહેબને એના રસૂલ તરીકે માનવામાં આવે છે. આ યકીનને કારણે તેઓ પોતાને ઇમાનદાર મુસલમાન ગણે છે; પણ તેઓ નમાજને મહત્વ આપતા નથી. તેઓ હિંદુઓના અવતારના સિદ્ધાંતને અને જગતની ઉત્પત્તિની માન્યતાને સ્વીકારે છે. તેઓ હજરત મુહમ્મદસાહેબને ‘વીર’ કે ગુરુ સમાન અને એમની તેમજ અન્ય ઇમામોની સ્થિતિ વચ્ચે કોઈ ખાસ ભેદ હોવાનું માનતા નથી. કુરાને શરીફને તેઓ દૈવી ગ્રંથ ગણે છે અને તેમાંની આયાતોને રૂપકાત્મક લેખી તેનું એ રીતે અર્થઘટન કરે છે. આવાં રૂપકોને ‘જ્ઞાન’ તરીકે ઓળખવામાં આવે છે અને પીરાણાઓ ‘જ્ઞાન’નાં પુસ્તકોનો પાઠ અને પોતાના પીર-સંતના નામનો જાપ કરે છે. તેઓ રમજાનમાં રોજા પાળે છે. મુસ્લિમ તહેવારો ઉપરાંત તેઓ હિંદુઓના હોળી, અખાત્રીજ, દિવાસો, બળેવ અને દિવાળીના તહેવાર પણ ઊજવે છે. મુસ્લિમ નિકાહની વિધિ કરાવે છે ને ત્યારબાદ બ્રાહ્મણ પાસે હિંદુ વિવાહવિધિ પણ કરાવે છે.
પીરાણા પંથમાં બધી કોમોને જોડાવાની છૂટ હતી અને આજેય એના અનુયાયીઓમાં હિંદુઓ અને મુસલમાનો બંને કોમોના અનુયાયી જોવા મળે છે. તેઓ પોતપોતાના રીતરિવાજ પાળવા પણ મુક્ત છે. હિંદુ અનુયાયીઓ એમની જ્ઞાતિના નિયમો પાળતા અને હિંદુ ધર્મગ્રંથો વાંચતા. તે આ પંથમાં ઇમામશાહ પ્રત્યે પૂર્ણ શ્રદ્ધાપૂર્વક જોડાયેલા મોમિન હોઈ મોમના કહેવાયા, પણ જેઓ અડધા-પડધા હિંદુ કે મુસલમાન રહ્યા અને પોતપોતાના મતને વળગી રહ્યા તે ‘મતિયા’ કહેવાયા. વળી બીજા કેટલાક હિંદુઓ એમાં ભળ્યા તેઓ શેખુ કે શેખડા કહેવાયા. એ સહુ કોમોમાં પીરે પ્રચારક તરીકે નીમેલા મુખીઓને ‘કાકા’ કહેવામાં આવે છે. આ પીરાણાના કાકાઓની ફરજ કોમને ઉપદેશ આપવાની, કોમ વચ્ચેની નાનીમોટી તકરારોનો નિકાલ લાવવાની તેમજ કોમના અનુયાયીઓ પાસેથી ધાર્મિક ફાળો ઉઘરાવી પીરને મોકલવાની હતી. આ પંથમાં જોડાનાર હિંદુઓને પોતાના રીતિરિવાજો, રહેણીકરણી, માન્યતાઓ વગેરે પાળવાની છૂટ હતી, તેથી તેઓ હિંદુઓ જેવા જ લાગે છે.
પીરાણા પંથ મુખ્યત્વે ગુજરાતમાં ફેલાયો છે અને એમાં આઠિયા, સાતિયા અને પાંચિયા નામે – ત્રણ ફિરકાઓ પણ પડ્યા છે.
પ્રવીણચંદ્ર પરીખ