પીરાઈ વેધક

January, 1999

પીરાઈ વેધક : શેરડીના પાકને નુકસાન કરનાર એક અગત્યની જીવાત. તે રોમપક્ષ શ્રેણીના પાયરેલિડી કુળનું ફૂદું છે. પીરાઈ વેધક [Chilo (Sacchariphagus) indicus Kapur]નું ફૂદું ભૂરાશ પડતા તપખીરિયા રંગનું અથવા સૂકા ઘાસના જેવા રંગનું હોય છે. પાંખની પહોળાઈ સાથે તે 40 મિમી. જેટલું પહોળું હોય છે. પાછળની પાંખો ભૂરાશ પડતી સફેદ રંગની હોય છે. તરતની જન્મેલી ઇયળ શરીરે અર્ધપારદર્શક અને માથા ઉપર ટપકાં અને વાળવાળી હોય છે. પુખ્ત ઇયળ આશરે 30થી 32 મિમી. જેટલી લાંબી હોય છે. તેના શરીર પર પૃષ્ઠ બાજુએ પાંચ જાંબલી રંગની ઊભી પટ્ટીઓ હોય છે. તેને કારણે તે બીજા વેધકથી જુદી પડી જાય છે. માદા ફૂદું પાનની નીચેની સપાટીએ મધ્ય નસની બાજુએ પર્ણવલયમાં  લંબગોળાકાર ભીંગડાં જેવાં એક ઉપર એક એમ હારબંધ ઈંડાં મૂકે છે. ઈંડાં 3થી 5 દિવસમાં સેવાતાં તેમાંથી નીકળેલી ઇયળ સાંઠામાં દાખલ થઈ નીચેની (જમીન) તરફ આગળ વધે છે. આમ ઇયળ પ્રથમ પર્ણવલયને અને પછી સાંઠાને કોરે છે. કેટલીક વખત નાની ઇયળો રેશમી તાંતણા વડે લટકી જમીનની સપાટીએ શેરડીના થડભાગમાં  સાંઠામાં કાણું પાડી તેમાં દાખલ થાય છે. તેના ઉપદ્રવના કારણે શેરડીની વધ અટકી જાય છે. શેરડીનાં વચ્ચેનાં નવાં નીકળતાં કુમળાં પાન સુકાઈ જાય છે, જેને ‘ડેડ હાર્ટ’ કહે છે. સુકાઈ ગયેલી ટોચનો ભાગ કોહવાઈને દુર્ગંધ મારે છે તથા સહેજ ખેંચતાં સહેલાઈથી ખેંચાઈ આવે છે. શેરડીના ઉગાવા બાદ તરત જ ઉપદ્રવ થાય તો છોડ મરી જાય છે. શેરડીની મોટી અવસ્થાએ નુકસાન હોય તો સાંઠામાં પીલાં ફૂટી નીકળે છે. નીચું તાપમાન અને ભેજનું વધુ પડતું પ્રમાણ તેના નુકસાનની તીવ્રતામાં વધારો કરે છે. ઇયળ-અવસ્થા એક માસની હોય છે. કોશેટા-અવસ્થા 8થી 10 દિવસની હોય છે. આ જીવાતના નિયંત્રણ માટે 3 % દાણાદાર કાર્બોફ્યુરાન દવા શેરડીની રોપણી વખતે, રોપણી બાદ એક મહિને અને છ મહિને – એમ ત્રણ વખત દરેક વખતે હેક્ટરે 33 કિલોગ્રામ પ્રમાણે આપવામાં આવે છે અથવા કાર્બારિલ 50 % વે.પા. 40 ગ્રામ, એન્ડોસલ્ફાન 35 ઈસી 20 મિલી. પૈકી કોઈ પણ એક દવા 10 લિટર પાણીમાં ભેળવી તેનો છંટકાવ કરવામાં આવે છે. આ છંટકાવ શેરડીની રોપણી પછી 60, 80, 100, 120 અને 180 દિવસે – એમ પાંચ વખત કરવાથી સારો ફાયદો થાય છે.

પરબતભાઈ ખી. બોરડ