પીરે દ કુબર્તીન

January, 1999

પીરે કુબર્તીન (. 1 જાન્યુઆરી 1863, પૅરિસ; . 2 સપ્ટેમ્બર 1937, જિનીવા) : આધુનિક ઑલિમ્પિક રમતોત્સવના પિતા. તેમનું આખું નામ હતું બૅરન પીરે દ કુબર્તીન. તેઓ લશ્કરી અધિકારી અને ફ્રેન્ચ ઉમરાવ હતા.

આંતરરાષ્ટ્રીય શાંતિ અને મૈત્રી સ્થાપવા માટે પીરે દ કુબર્તીને ઑલિમ્પિક રમતોત્સવને પુનર્જીવિત કરી તેની પ્રતિષ્ઠા કરી. 1892ના નવેમ્બરની 25મી તારીખે પૅરિસમાં યોજાયેલ ફ્રેન્ચ યુનિયનની ખેલકૂદની સભામાં તેમણે ઑલિમ્પિક રમતોત્સવના ઉત્થાન માટેની પોતાની  યોજના રજૂ કરી. 1894માં ફ્રેન્ચ યુનિયન દવારા એમૅચ્યૉરિઝમ ઉપર આંતરરાષ્ટ્રીય કૉંગ્રેસ પૅરિસમાં ભરવામાં આવી. આ તક ઝડપી લઈને જુદા જુદા દેશોના આ ક્ષેત્રના નિષ્ણાતો સમક્ષ કુબર્તીને પોતાની યોજનાની રજૂઆત કરી અને તેમની યોજનાને આવકાર મળતાં ત્રણ સભ્યોની સમિતિ રચવામાં આવી, જેમાં બ્રિટન અને યુનાઇટેડ સ્ટેટ્સના પણ સભ્યો હતા. આ સમિતિએ ઑલિમ્પિક રમતોત્સવ માટેની સંપૂર્ણ યોજના તૈયાર કરી. 1896માં ગ્રીસમાં ઍથેન્સ મુકામે પ્રથમ ઑલિમ્પિક રમતોત્સવ યોજવાનું નક્કી કર્યું.

પીરે દ કુબર્તીન

આમ, લગભગ 1500 વર્ષ પહેલાં બંધ પડેલા ઑલિમ્પિક રમતોત્સવનું પુનરુત્થાન થયું. સમિતિએ દર ચાર વર્ષે આ રમતોત્સવ જુદા જુદા દેશના શહેરમાં યોજવાનો ઐતિહાસિક નિર્ણય લઈ તેને આંતરરાષ્ટ્રીય પ્રવૃત્તિનું સ્વરૂપ આપ્યું. આજે પણ ઑલિમ્પિક રમતોત્સવનું સંચાલન આંતરરાષ્ટ્રીય ઑલિમ્પિક સમિતિ કરે છે. હાલમાં ઓલિમ્પિક રમતોત્સવમાં જે ધ્વજ ઉપયોગમાં લેવાય છે તેની ડિઝાઇન પણ કુબર્તીને તૈયાર કરી હતી અને સૌપ્રથમ આ ધ્વજ 1920માં એન્ટવર્પ મુકામે યોજવામાં આવેલા ઑલિમ્પિક રમતોત્સવમાં ઉપયોગમાં લેવામાં આવ્યો હતો. આધુનિક ઑલિમ્પિક રમતોત્સવના પ્રણેતા તરીકે પીરે દ કુબર્તીનનું પ્રદાન અવિસ્મરણીય છે.

પ્રભુદયાલ શર્મા