પદ્માવતી (2) (. . પૂ. 1000 આશરે) : જૈન પરંપરાનુસાર ત્રેવીસમા તીર્થંકર પાર્શ્વનાથ પ્રભુનાં શાસનદેવી. તેમની ઐતિહાસિકતા વિશે કોઈ અન્વેષણ થયાનું જાણમાં નથી, પણ પાર્શ્વનાથનાં સમકાલીન હોવાના નાતે તેમનો કાર્યસમય આશરે ત્રણેક હજાર વર્ષ પૂર્વેનો સૂચવવામાં આવ્યો છે.

વિવિધ સ્વરૂપો (ભુવનેશ્વરી, મહાકાલી, ગાયત્રી, વિદ્યા, સાવિત્રી વગેરે) અને વિવિધ નામો(સંકટવિમોચન, વિપદહરી, દરિદ્રનારાયણી, રોગવિનાશિની વગેરે)થી ખ્યાત પદ્માવતી દેવીની પ્રતિમાનાં વર્ણનોથી મહાલક્ષ્મી સાથેનું એમનું સામ્ય સ્પષ્ટ થાય છે.

‘ત્રિષદૃષ્ટિશલાકાપુરુષચરિત્ર’ (પર્વ 9, સર્ગ 3), ‘પદ્માવતીકલ્પ’ અને ‘પદ્માવતીદંડક’માં આ દેવી વિશે જે વર્ણન છે તે મુજબ, તેઓ (1) પાર્શ્વનાથ પ્રભુની શાસનદેવી, પાદસેવિકા, યક્ષિણી તરીકે, (2) કૂકડો અને સર્પના અથવા હંસના વાહનવાળી પદ્માસના દેવી તરીકે, (3) સુવર્ણ અથવા રાતા પુષ્પના વર્ણ ધારણ કરનારી તરીકે, (4) માથે ત્રણ અથવા પાંચ સર્પફણાનાં છત્રવાળાં દેવી તરીકે, (5) બે ડાબા હાથોમાં બિજોરું અને અંકુશ તો બે જમણા હાથોમાં પદ્મ અને પાશ ધારણ કરનારી ચતુર્ભુજા તરીકે અને (6) ત્રણેય લોકને મોહિત કરનારી અને શિવની જેમ સૌમ્ય રૂપથી વિશ્વનું કલ્યાણ કરનારી ત્રિનેત્રી તરીકે જાણીતાં છે.

આ દેવીની ઉપાસના માટેનો ગ્રંથ ‘ભૈરવ પદ્માવતી કલા’ જૈનોમાં જાણીતો છે. જૈનોના બંને ફિરકાઓમાં – શ્વેતાંબર તેમ દિગંબરમાં – તેમનું ગૌરવપૂર્ણ સ્થાન છે. બૌદ્ધ ગ્રંથ ‘સાધનમાલા’માં બૌદ્ધોની દેવી તારા સાથે જૈન યક્ષિણી પદ્માવતીની પ્રતિમાનું સામ્ય દર્શાવાયું છે. વૈદિક ધર્મમાં પદ્માવતીની કલ્પના ‘માર્કણ્ડેયપુરાણ’ અંતર્ગત ‘દેવીમાહાત્મ્ય’માં થયેલી છે. પદ્માવતી દેવીની પ્રતિમામાં દેવીને પદ્માસના દર્શાવાઈ છે. મહાલક્ષ્મી, ગાયત્રી, સરસ્વતી વગેરે દેવીઓ પણ પદ્માસના છે. પાર્શ્વનાથની પ્રતિમાની સાથે દેવી પદ્માવતીની યક્ષિણીસ્વરૂપ મૂર્તિ ઠેર ઠેર જોવા મળે છે. એમના સંદર્ભે સર્જાયેલા સાહિત્યમાં આ દેવીની મૂર્તિઓ, એમનાં મંદિરો-સ્થાનકો, એમનાં ચિત્રો તેમજ એમના તેજસ્વી વ્યક્તિત્વ સાથે સંલગ્ન ચમત્કારો, અનુભૂતિઓ, દેવીપ્રભાવ વગેરેનું વિગતે આલેખન થયેલું છે. આ ઉપરાંત એમનાં દિવ્યધામો, એમની ઉપાસના, ધરણેન્દ્ર સાથેના એમના સંબંધો, એમની તાંત્રિક શક્તિ વિશે વિવિધ લખાણોમાં વિગતે વર્ણનો થયાં છે.

અગિયારમી સદીના નયવિમલસૂરિના ‘શંખેશ્વર પાર્શ્વનાથ સ્તવન’માં ત્રેવીસમા તીર્થંકર ભગવાન પાર્શ્વનાથની શાસનદેવી પદ્માવતીને સરસ્વતી, દુર્ગા, તારા, અદિતિ, લક્ષ્મી, કાલી, ત્રિપુરસુંદરી, ભૈરવી, અંબિકા વગેરે નામથી નિર્દેશવામાં આવેલ છે.

સામાન્ય રીતે દેવ-દેવીનાં બે સ્વરૂપ જોવા મળે છે : (1) સૌમ્ય સ્વરૂપ, જે કલ્યાણકારી હોય છે, અને (2) રૌદ્ર સ્વરૂપ, જે વિનાશકારી હોય છે. પદ્માવતી ચણ્ડી, ચામુંડી, કાલરાત્રિ જેવાં રૌદ્ર સ્વરૂપોમાં પણ પૂજાતાં જોવા મળે છે.

આવાં પદ્માલયી પદ્માવતીની આરાધનાથી કે અનુષ્ઠાનથી શ્રદ્ધાવાન લોકો ઇષ્ટ કામના પૂરી કરી શકે છે એવી લોકમાન્યતા છે.

રસેશ જમીનદાર